સોના-ચાંદીમાં આગેકૂચ : ક્રૂડતેલ પણ વધ્યું

- કોપર, પેલેડીયમ તથા પ્લેટીમના ભાવમાં બેતરફી ઉછળકુદ

- યુએસમાં ક્રૂડના સ્ટોકમાં નોંધપાત્ર ઘટાડો

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
સોના-ચાંદીમાં આગેકૂચ : ક્રૂડતેલ પણ વધ્યું 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી ધીમી ગતિએ આગળ વધી હતી. જોકે વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ વચ્ચે સોનાના ભાવમાં પીછેહટ દેખાઈ હતી.  ઘરઆંગણે ઝવેરી બજારોમાં તહેવારોની માગ જોવા મળી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૪૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૩૦૦ રહ્યા હતા.


વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૧૯થી ૨૫૨૦ વાળા ઉંચામાં ભાવ ૨૫૨૯થી ૨૫૩૦ થઈ ૨૫૨૨થી ૨૫૨૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૮.૮૨થી ૨૮.૮૩ વાળા ઉંચામાં ૨૯.૧૧થી ૨૯.૧૨ થઈ ૨૯.૦૩થી ૨૯.૦૪ ડોલર રહ્યા હતા.

અમેરિકામાં ઓગસ્ટનો જોબગ્રોથ માત્ર ૧ લાખ ૪૨ હજાર આવ્યાના સમાચાર હતા. જેની અપેક્ષા ૧ લાખ ૬૦ હજારની હતી. જો કે ત્યાં બેરોજગારીનો દર ૪.૩૦ વાળો ૪.૨૦ ટકા આવ્યો હતો ત્યાં જોબગ્રોથ ઘટતાં હવે વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા વધુ વધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૪૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગરના ભાવ સોનાના ૯૯.૫૦ના રૂ.૭૧૫૮૭ વાળા રૂ.૭૧૬૪૩ તથા ૯૯.૯૦ના રૂ.૭૧૮૭૫ વાળા રૂ.૭૧૯૩૧ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ રૂ.૮૨૯૭૧ વાળા ૮૩૩૯૩ થઈ રૂ.૮૩૩૩૮ રહ્યા હતા.વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ  ૯૩૬ ડોલર રહ્યા હતા. 

પેલેડીયમના ભાવ  ૯૫૪ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૯ ટકા પ્લસમાં રહ્યા હતા. ક્રૂડતેલના વૈશ્વિક ભાવમાં પણ આજે ઘટયા મથાળે બેતરફી ઉછળકુદ જોવા મળી હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૩.૩૮ થયા પછી ૭૨.૪૮ થઈ ૭૩.૧૦ ડોલર રહ્યા હતા.

યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૯.૯૨ તથા નીચામાં ૬૮.૯૧ થઈ ૬૯.૬૦ ડોલર રહ્યા હતા. ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં વૃદ્ધી કરવાનો નિર્ણય પાછો ઠેલ્યાના નિર્દેશો મળ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટયાના  વાવડ હતા. યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનીસ્ટ્રેશનના જણાવ્યા મુજબ અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૬૯ લાખ બેરલ્સ ઘટયાના સમાચાર હતા. 


bullion

Google NewsGoogle News