Get The App

રોકાણકારોનું માનસ ખરડાતા નવેમ્બરમાં ડીમેટ ખાતામાં ઉમેરો મંદ પડયો

- વિદેશી ફન્ડોની વેચવાલીથી ઓકટોબર-નવેમ્બરમાં મુખ્ય ઇન્ડેક્સમાં નોંધપાત્ર ધોવાણ થયું હતું

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
રોકાણકારોનું માનસ ખરડાતા નવેમ્બરમાં ડીમેટ ખાતામાં ઉમેરો મંદ પડયો 1 - image


મુંબઇ : વર્તમાન વર્ષના ઓકટોબર-નવેમ્બરમાં  દેશના શેરબજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની વ્યાપક વેચવાલીની અસર રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોના માનસ પર જોવા મળી હતી. નવેમ્બરમાં નવા ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યા ૩૨ લાખથી પણ ઓછા રહીને સાત મહિનાની નીચી સપાટીએ જોવા મળી હતી. ઓકટોબર-નવેમ્બરમાં બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં નોંધપાત્ર ધોવાણ થતાં રોકાણકારોનું માનસ ખરડાયું હતું. 

દેશમાં અન્ય એસેટસની સરખામણીએ ઈક્વિટીસમાં સારુ વળતર મળી રહેતુ હોવાથી તાજેતરના વર્ષોમાં ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જાય છે. વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં કુલ ૪.૨૮ કરોડ નવા ડીમેટ ખાતા સાથે એકંદર ડીમેટ ખાતાની સંખ્યા ૧૮.૨૦ કરોડના આંકને વટાવી ગઈ છે. 

સેકન્ડરી બજાર ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં પણ તેજીને પગલે રોકાણકારોનું આઈપીઓમાં પણ આકર્ષણ વધતું જાય છે.  કોરોનાની મહામારી બાદ દેશમાં ડીમેટ ખાતાની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ખાતા ખોલાવવામાં સરળતા વધી જતા રોકાણકારોનો ડીમેટ ખાતા ખોલાવવામાં પણ રસ વધી ગયાનું બજારના વર્તુળો માની રહ્યા છે. 

માર્ચ ૨૦૨૦માં ડીમેટ ખાતાની સંખ્યા જે ૪.૧૦ કરોડ હતી તે હાલમાં ચાર ગણાથી પણ વધુ જોવા મળી રહી છે. 

વર્તમાન વર્ષમાં સેકન્ડરી માર્કેટમાં તેજી ઉપરાંત પ્રાઈમરી માર્કટમાં મોટી સંખ્યાના આઈપીઓના પ્રીમિયમે લિસ્ટિંગથી રોકાણકારો જાહેર ભરણાંમાં પણ નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

વર્તમાન વર્ષમાં ૨૯૮ જેટલી કંપનીઓના જાહેર ભરણાં મારફત રૂપિયા ૧.૪૦ લાખ કરોડ જેટલું ભંડોળ એકત્રિત કરાયું છે. જે ૨૦૨૩માં ઊભી કરાયેલી રૂપિયા ૫૮૮૨૭ કરોડની રકમ કરતા ૧૪૦ ટકા વધુ છે.  



Google NewsGoogle News