અદાણી જૂથ અને PM મોદી અંગે કેન્યાના પૂર્વ વડાપ્રધાનના નિવેદન પછી હોબાળો, કોંગ્રેસના પ્રહાર
PM Modi And Adani Controversy: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીના સંબંધો મુદ્દે વિપક્ષ જે આરોપો લગાવતો રહ્યો છે. વાત એમ છે કે, કેન્યાના વડાપ્રધાને એક એવું નિવેદન કર્યું છે, જેના કારણે કોંગ્રેસ સહિતના વિપક્ષે ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્યામાં એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રૂપને સોંપવા મુદ્દે થઈ રહેલા વિરોધ વચ્ચે ત્યાંના પૂર્વ વડાપ્રધાન રૈલા ઓડિંગાએ એક કાર્યક્રમમાં વાત કરતા કહ્યું હતું કે, ‘કેન્યામાં મારા કાર્યકાળ વખતે ભારતના હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મિત્ર ગૌતમ અદાણીના બિઝનેસ વિશે અમને ભલામણ કરી હતી. આ રીતે કેન્યા અને અદાણી ગ્રૂપનું જોડાણ થયું હતું.’
કેન્યાના પૂર્વ વડાપ્રધાનના નિવેદન પછી ફરી એકવાર કોંગ્રેસ સહિતના વિપક્ષોએ વડાપ્રધાન મોદી પર પ્રહાર શરૂ કર્યા છે.
વડાપ્રધાન મોદી અદાણીના એજન્ટ તરીકે કાર્યરત
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે, મોદી અદાણીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કેન્યન ડેલિગેશનને ગુજરાતમાં બોલાવી અદાણીના વેપાર વિશે વિસ્તૃત માહિતી પણ આપી. કેન્યાના પૂર્વ વડાપ્રધાનનો આ ખુલાસો અત્યંત ગંભીર છે. આ નિવેદનથી સાબિત થાય છે કે, નરેન્દ્ર મોદી કેવી રીતે પોતાના મિત્ર અદાણી માટે કામ કરી રહ્યા છે. મોદી વિદેશમાં અદાણીનું માર્કેટિંગ કરે છે અને અબજોની ડીલ અપાવે છે.
કેન્યાના વડાપ્રધાન વાઈરલ વીડિયોમાં શું કહે છે?
રૈલા ઓડિંગાનો વાયરલ થયેલા વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ‘હું જ્યારે કેન્યાનો વડાપ્રધાન હતો, ત્યારે પીએમ મોદીએ કે જેઓ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેમણે આ કંપની સાથે મારી ઓળખાણ કરાવી હતી. કંપનીના પોર્ટ, પાવર પ્લાન્ટ, રેલવે લાઈન, એરપોર્ટ સહિતના તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની મુલાકાત લેવાની તક આપી હતી.
જયરામ રમેશે કર્યા આકરા પ્રહાર
આ વીડિયો સપાટી પર આવતા જ જયરામ રમેશે આકરા પ્રહારો કરતાં X પર કહ્યું કે, આજે ફરી મોદાણી ચર્ચામાં છે. પરંતુ આ વખતે કેન્યામાં. અદાણીને સમર્થન આપનારા પૂર્વ વડાપ્રધાન રૈલા ઓડિંગાએ સ્વીકાર્યું છે કે, તેમને આ કંપની સાથે ભેટો ગુજરાતના મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. તે અદાણી ગ્રૂપનું સમર્થન કરી રહ્યા હતા. આ બધું જ શ્રીમાન મોદીના લીધે શક્ય બન્યું હતું.
કેન્યામાં અદાણી ગ્રૂપનો આકરો વિરોધ
કેન્યામાં અદાણી ગ્રૂપને એરપોર્ટનું સંચાલન સોંપી દેવાના નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધના પગલે કેન્યાની હાઈકોર્ટે અદાણી ગ્રૂપ દ્વારા મેન એરપોર્ટને 30 વર્ષ સુધી ભાડાપટ્ટે લેવાના કરાર પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લાદ્યો છે. આ ઉપરાંત ગત સપ્તાહે 30 વર્ષ માટે મેઈન વીજ ટ્રાન્સમિશન લાઈનો બનાવવા અને સંચાલન કરવાના એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને આ દિવાળીએ મળશે ખુશીના સમાચાર, સરકાર ટૂંકસમયમાં કરશે જાહેરાત
શ્રીલંકન સરકારે પણ મૂક્યો હતો આરોપ
અગાઉ શ્રીલંકાના એક સરકારી અધિકારીએ સંસદીય પેનલ સમક્ષ દાવો કર્યો હતો કે, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ નવેમ્બર, 2021માં જણાવ્યું હતું કે, મોદી તેમને પવન ઊર્જા પ્રોજેક્ટ અદાણી ગ્રૂપને સોંપવા માટે દબાણ કરી રહ્યા છે. અનુરા કુમારા દિસાનાયકના નેતૃત્વ હેઠળની શ્રીલંકાની નવી સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, અમે પાછલી સરકાર દ્વારા પવન ઊર્જા પ્રોજેક્ટ માટે અદાણી ગ્રૂપની પસંદગી થઈ છે, તેના પર પુનઃવિચાર કરીશું.