NDTVનો તર્ક ખોટો, સેબીના 2020ના આદેશમાં RRPR પક્ષકાર નથી : અદાણી

Updated: Aug 26th, 2022


Google NewsGoogle News
NDTVનો તર્ક ખોટો, સેબીના 2020ના આદેશમાં RRPR પક્ષકાર નથી : અદાણી 1 - image

અમદાવાદ,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવાર

NDTV અને અદાણી ગ્રુપ વચ્ચેનો દિવસે ને દિવસે સોદો જટિલ બની રહ્યો છે. હવે અદાણી ગ્રૂપની પેટાકંપની VCPLએ કહ્યું છે કે આ ડીલ 27 નવેમ્બર, 2020ના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબીના આદેશના દાયરામાં નથી આવતી. તેમણે કહ્યું કે સેબીના આ આદેશમાં આરઆરપીઆર પક્ષકાર નથી. તેણે એમ પણ કહ્યું છે કે RRPR એ કરારની શરતોનું પાલન કરવું પડશે. NDTVની પ્રમોટર કંપની RRPR છે.

દરમિયાન, શુક્રવારે (26 ઓગસ્ટ) સતત ત્રીજા દિવસે, NDTVના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સવારે, શેર 4 ટકાથી વધુ વધીને રૂ. 424.35 પર હતો. અદાણી ગ્રૂપ સાથેની ડીલને કારણે NDTVના શેર સતત ચઢી રહ્યા છે. બુધવાર અને ગુરુવારે તેમાં અપર સર્કિટ હતી.

અદાણીની પેટા કંપની વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ(VCPL)એ ગુરુવારે સ્ટોક એક્સચેન્જ ખાતેની રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું કે એનડીટીવી દ્વારા આપવામાં આવેલી માહિતીનો જવાબમાં આપ્યો છે. ગુરુવારે એનડીટીવીએ કહ્યું હતું કે સેબીના નવેમ્બર 2020ના આદેશ મુજબ આ સોદા માટે સેબીની મંજૂરી જરૂરી છે.

શું છે સમગ્ર મામલો ?

આ સમગ્ર મામલો અદાણી ગ્રુપ દ્વારા NDTVના પરોક્ષ સંપાદન સાથે સંબંધિત છે. 23 ઓગસ્ટે અદાણી ગ્રુપે NDTVમાં લગભગ 29 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. તેણે વધારાના 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફરની પણ જાહેરાત કરી હતી.

VCPL એટલે વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL)ની પેટાકંપની છે, જે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ(AEL)ની પેટાકંપની છે. એનડીટીવીએ 25 ઓગસ્ટના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અદાણી જૂથ સેબીની મંજૂરી વિના RRPR હોલ્ડિંગ્સ ખરીદવાનો સોદો પૂર્ણ કરી શકશે નહીં.

બુધવારે NDTV અને અદાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતુ કે VCPLએ RRPR હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડના 99.5 ટકા શેર હસ્તગત કરવાના તેના અધિકારનો ઉપયોગ કર્યો છે. RRPRએ NDTVની પ્રમોટર કંપની છે, જે મીડિયા કંપનીમાં 29.18 ટકા હિસ્સો ધરાવે છે.

NDTVએ 23 ઓગસ્ટે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે VCPL વતી RRPRHના 99.5 ટકા શેરના હસ્તાંતરણ માટે તેમના અધિકારોના ઉપયોગ કરવા માટે NDTVના પ્રમોટરોની સંમતિ લેવામાં આવી ન હતી.


Google NewsGoogle News