અદાણી ગ્રૂપને વધુ એક ઝટકો, અદાણીની કંપનીઓમાં નવું રોકાણ નહીં કરવાની ફ્રાન્સની કંપનીની જાહેરાત
Total Energy Pauses New Investments In Adani Group: ફ્રાન્સની મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીએ પણ અદાણી ગ્રૂપ સાથે છેડો ફાડવાની તૈયારી કરી છે. અમેરિકામાં અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ગૌતમ અદાણી સહિત આઠ અધિકારીઓ પર રૂ. 2200 કરોડની લાંચ અને છેતરપિંડીના આરોપો મૂકાયા બાદ ટોટલ એનર્જીએ મહત્ત્વનો નિર્ણય લેતાં ભવિષ્યમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં કોઈપણ પ્રકારનું રોકાણ ન કરવાની જાહેરાત કરી છે.
ટોટલ એનર્જીએ નિવેદનમાં જણાવ્યું છે કે, ‘અમેરિકામાં લાંચ મામલે અમે ઝીરો-ટોલેરન્સ સ્ટેન્ડને જાળવી રાખીએ છીએ. એટલું જ નહીં, અમારી કંપનીએ અદાણી ગ્રૂપની કોઈપણ કંપનીમાં નવું રોકાણ ન કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી અદાણી ગ્રૂપ વિરૂદ્ધ લગાવાયેલા આરોપોનું સ્પષ્ટ ચિત્ર રજૂ ન થાય ત્યાં સુધી ટોટલ એનર્જી અદાણી ગ્રૂપની કંપનીઓમાં નવું રોકાણ કરશે નહીં.’
આ પણ વાંચોઃ તેલંગણા અદાણી ગ્રૂપ પાસેથી રૂ.100 કરોડનું ડોનેશન નહીં લે, અમેરિકાના લાંચકાંડને પગલે CM રેવંત રેડ્ડીનો નિર્ણય
અમે અદાણીની અન્ય બાબતોથી અજાણઃ ટોટલ એનર્જી
ટોટલ એનર્જીએ જણાવ્યું હતું કે, ‘અમે અદાણી ગ્રૂપની કથિત ગેરરીતિ અને લાંચ-છેતરપિંડી સહિત તમામ બાબતોથી અજાણ છીએ. આ મામલે કોઈપણ અધિકારી સાથે તેણે કોઈ પ્રકારનો સંપર્ક કર્યો નથી.’
નોંધનીય છે, ટોટલ એનર્જી અદાણી ગ્રીન એનર્જીમાં 19.75 ટકા હિસ્સો ધરાવે છે અને રિન્યુએબલ એનર્જી એસેટ્સનું મેનેજમેન્ટ કરનારા ત્રણ જોઈન્ટ વેન્ચર્સમાં 50 ટકા હિસ્સો ધરાવે છે.
નીતિ-નિયમોને આધીન જ રોકાણનો દાવો
ફ્રાન્સની કંપનીએ આકરા નીતિ-નિયમોનું પાલન કર્યા બાદ અદાણી ગ્રીન એનર્જી અને જોઈન્ટ વેન્ચર્સમાં રોકાણ કર્યુ હતું. આ રોકાણ દરમિયાન ટોટલ એનર્જીને અદાણી જૂથના કોઈ જ કથિત ભ્રષ્ટાચાર અને લાંચ મામલે જાણકારી ન હતી એવો દાવો કરાયો છે.
અદાણી ગ્રૂપને મોટો ઝટકો
ફ્રેન્ચ કંપનીની આ જાહેરાતથી અદાણી ગ્રૂપને મોટો ઝટકો લાગ્યો છે. અદાણી ગ્રૂપ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગ્લોબર લીડર તરીકે વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ટોટલ એનર્જી દ્વારા ભાવિ રોકાણ ન કરવાનો નિર્ણય તેના આ લક્ષ્યાંકોમાં પડકારરૂપ બની શકે છે. ટોટલ એનર્જીએ 2020માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં વ્યૂહાત્મક ભાગીદાર અને રોકાણકાર રહી છે. ટોટલ એનર્જીના આ નિવેદન મુદ્દે અદાણી ગ્રૂપે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.