અદાણી, એઝયોર, આંધ્ર : અજવાળાના નામે કાળા કરતૂત
- અદાણી સામે અમેરિકન કોર્ટમાં રજૂ થયેલા આરોપ, દસ્તાવેજી પુરાવા 'દાળ કેટલી કાળી' છે તે પુરવાર કરે છે
- ગૌતમ અદાણીએ માત્ર લાંચ નથી ચૂકવી પણ રોકાણકારો સાથે જુઠ્ઠું બોલ્યા છે, ભારતની રાજ્ય સરકારો ઉપર વીજળી ખરીદવા માટે સતત દબાણ કરવામાં આવ્યું છે એવું પણ અમેરિકન કોર્ટના દસ્તાવેજો અનુસાર ફલિત થાય છે
અમેરિકન કોર્ટમાં જસ્ટીસ ડિપાર્ટમેન્ટ અને બજાર નિયમનકાર સિક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને (એસઈસી) દાખલ કરેલી બે અરજીથી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક એવા ગૌતમ અદાણીના સામ્રાજ્ય ઉપર ગેરરીતિ આચરવાના અને તેના કારણે તેમણે જેલની હવા ખાવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાન્યુઆરી ૨૦૨૩માં ગૌતમ અદાણી સામે અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગે કરેલા આક્ષેપ અને કોર્ટમાં રજૂ થયેલા આરોપ વચ્ચે બહુ મોટો તફાવત છે. એ આક્ષેપો સામે સેબીની નબળી તપાસના આધારે ગૌતમ અદાણીને નિર્દોષ છૂટી જવામાં સફળતા મળી હતી. પણ આ વખતે વિશ્વની સૌથી કઠોર કાયદાવ્યવસ્થા સામે અમેરિકામાં પોતે નિર્દોષ હોવાનું સર્ટિફીકેટ મેળવવાનું છે. આ આરોપનામા સામે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે અદાણી જૂથે અગ્નિપરીક્ષા આપવી પડશે એ નક્કી છે. કોર્ટમાં જસ્ટીસ વિભાગના ક્રિમીનલ કેસ અને એસઈસીના સિવિલ કેસના આરોપનામામાં કેટલીક ચોંકાવનારી વિગતો છે. આ વિગતો એફબીઆઈ અને એસઈસીની તપાસ, દસ્તાવેજો અને કંપનીએ જાહેર કરેલા નિવેદનોના આધારે તૈયાર કરવામાં આવી છે. ગૌતમ અદાણીએ માત્ર લાંચ નથી ચૂકવી પણ રોકાણકારો સાથે જુઠ્ઠું બોલ્યા છે, દેશની રાજ્ય સરકારો ઉપર વીજળી ખરીદવા માટે સતત દબાણ કરવામાં આવ્યું છે એવું પણ કોર્ટના દસ્તાવેજો અનુસાર ફલિત થાય છે.
આ રીતે લાંચ ચૂકવવાનું નક્કી થયું
સોલાર એનર્જી કોર્પોરેશન જયારે કરાર અનુસાર વીજળીના ખરીદદાર શોધવા માટે રાજ્ય સરકાર અને વીજ વિતરણ કંપનીઓના સંપર્ક કર્યા ત્યારે તેને નિષ્ફળતા મળી. કોર્પોરેશનના વીજળીના ફિક્સ ભાવ બહુ ઊંચા હતા અને આટલા ઊંચા ભાવે લાંબાગાળા માટે વીજળી ખરીદવા કોઈ રાજ્ય સરકાર તૈયાર ન હતી. વીજળી ખરીદવા કોઈ તૈયાર ન થાય તો સોલાર મોડયુલ અને સેલ ઉત્પાદન તેમજ વીજળીના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન થાય. બીજું, વર્ષે બે અબજ ડોલરનો નફો મળશે એવા વચનો આપી વિદેશી રોકાણકારો પાસેથી ઉભા કરેલા નાણા પણ સ્વાહા થઇ જાય. આ સ્થિતિમાં વીજળી વેચવાની જવાબદારી ખુદ અદાણીએ પોતાના શિરે લીધી. રાજ્ય સરકારના ઇનકાર પછી ગૌતમ અદાણી અને ભત્રીજા સાગર અદાણીના વ્યક્તિગત હસ્તક્ષેપ, દેખરેખ અને દોરીસંચાર હેઠળ સરકારી અધિકારીઓને કરોડો રૂપિયાની લાંચ ચૂકવી વીજળી ખરીદીના કરાર જીતવામાં આવ્યા હતા.
ગૌતમ અદાણીએ આંધ્ર CM સાથે ત્રણ બેઠક કરી 'પતાવટ' કરી
રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓ પાસેથી વીજળી ખરીદીનો કરાર મેળવવા માટે ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનીત જૈન અને રણજીત ગુપ્તાએ એક સ્કીમ ઘડી કાઢી હતી. આ સ્કીમ અનુસાર રાજ્ય સરકારના અધિકારીઓ અને વીજ વિતરણ કંપનીઓના અધિકારોને લાંચ આપી તેમની પાસેથી વીજ ખરીદીના કરાર ઉપર સહી કરાવવાની હતી. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી ખુદ રૂબરૂ આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી (વાય. એસ.જગન મોહન રેડ્ડી)ને મળ્યા હતા. રેડ્ડી જૂન ૨૦૨૪માં ચૂંટણી હારી જતા હવે વિરોધ પક્ષમાં છે પણ ગૌતમ અદાણી એમને ઓગસ્ટ ૨૦૨૧, સપ્ટેમ્બર ૨૦૨૧ અને નવેમ્બર ૨૦૨૧માં રૂબરૂ મળ્યા હતા. આ રૂબરૂ મુલાકાતમાં ૨૦ કરોડ ડોલર કે લગભગ રૂ.૧,૭૫૦ કરોડની લાંચ આપવાની વાત કરવામાં આવી હતી. રૂબરૂ મુલાકાત બાદ આંધ્ર પ્રદેશે કુલ ૭ ગીગાવોટ વીજળી ખરીદવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન સાથે કરાર કર્યા અને આ વીજળી અદાણી ગ્રીનના ગુજરાતના પ્રોજેક્ટમાંથી પૂરી પાડવાની હતી. અદાણી ગ્રીને પણ વિશ્વના સૌથી મોટા પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા હોવાની જાહેરાત ડિસેમ્બર ૨૦૨૧માં કરી હતી.
સોલાર વીજળી માટે લાંચ કેમ ચૂકવવી પડી
સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકારની માલિકીની કંપની છે. આ કંપની કેન્દ્ર સરકારની રીન્યુએબલ એનર્જીની નીતિ અનુસાર દેશમાં સોલાર, વિન્ડ સહિતના પ્રોજેક્ટને ઉત્પાદન ધોરણે શરૂ કરવા માટે જવાબદાર છે. ઉત્પાદિત વીજળી માટે ગ્રાહક (રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓ કે ખાનગી ખરીદદાર) શોધવાની જવાબદારી કોન્ટ્રાક્ટ કે વીજ ઉત્પાદક ઉપર રહેલી છે. સોલાર એનર્જી કોર્પોરેશન ઉત્પાદના માટે જરૂરી નાણાકીય વ્યવસ્થામાં ભૂમિકા ભજવવાની હોય છે. વર્ષ ૨૦૧૯માં કોર્પોરેશને સોલાર ઉત્પાદન માટે જરૂરી સેલ, મોડયુલના ઉત્પાદન માટે બિડ મંગાવ્યા હતા. આ ઉત્પાદન સામે વીજળીનું ઉત્પાદન કરવાનું હતું અને તે વીજળી ખરીદવા માટે જરૂરી ખરીદદાર લાવવાની જવાબદારી કોર્પોરેશનના શિરે હતી. આ નીતિ અનુસાર કુલ ૧૫ ગીગાવોટની ક્ષમતાના મેન્યુફેક્ચરિંગ લિન્ક્ડ (એટલે કે સોલાર મોડયુલ, સેલ અને વીજળી ઉત્પાદનના પ્લાન્ટ) માટેના અલગ અલગ બિડ લાવવામાં આવ્યા. કુલ ઉત્પાદનમાંથી ૧૨ ગીગાવોટ વીજળી ખરીદવા કોર્પોરેશને તૈયારી દર્શાવી હતી. ઘણી કંપનીઓને બિડ ભરી પણ છેલ્લે અમેરિકાની એઝયોર પાવર અને અદાણી ગ્રીન એનર્જીને કરાર આપવામાં આવ્યા. બન્ને કંપનીઓ સંયુક્ત રીતે આ ઉત્પાદન કરવાની હતી. એઝયોરે જન્યુઆરી ૨૦૨૦માં સોલાર એનર્જી કોર્પોરેશન તરફથી ૪ ગીગાવોટ વીજળી ખરીદવા સાથે ૧ ગીગાવોટના મોડયુલ સેલ ઉત્પાદનનો કરાર મળ્યાની જાહેરાત કરી. જૂન ૨૦૨૦માં અદાણી ગ્રીને આવો ૮ ગીગાવોટ વીજળી અને ૨ ગીગાવોટ મોડયુલ સેલ પ્લાન્ટ બનાવવાનો કરાર મળ્યો હોવાની જાહેરાત કરી. જોકે, એઝયોર કે અદાણી ગ્રીન જે ક્રમશઃ ૪ અને ૮ ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરે તે ખરીદવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન બંધાયેલું ન હતું. આ માટે કોર્પોરેશને વીજળીના ખરીદદાર શોધવાના હતા અને એ મળે તો જ વીજળીનું વેચાણ શક્ય હતું. કરાર અનુસાર ઉત્પાદન માટે એઝયોર અને અદાણી ગ્રીનની પસંદગી થયાના ૯૦ દિવસમાં વીજળી ખરીદવાના કરાર થવાના હતા. પણ ખરીદદાર મળી રહ્યા ન હતા.
અદાણીએ રોકાણકારોને અંધારામાં રાખ્યા
વિશ્વના સૌથી મોટા સોલાર પાવર પ્રોજેક્ટના કરાર પહેલા અદાણી ગ્રીન સાવ ટચુકડી કંપની હતી. પરંતુ, એનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં વિશ્વના સૌથી મોટા સોલાર વીજ ઉત્પાદક બનવાનું હતું. આ લક્ષ્ય પ્રાપ્તિ માટે દામ અને ભેદની માયાજાળ ગૌતમ અદાણીએ રચી હતી. એક તરફ, ભત્રીજાની દેખરેખ અને જરૂર પડે પોતે રૂબરૂ દબાણ લાવી પાવર પરચેઝ એગ્રીમેન્ટ ઉપર લાંચ આપી સહીઓ ઉઘરાવવામાં આવી રહી હતી. બીજી તરફ, પાવર પ્લાન્ટ અને ઉત્પાદન ક્ષમતા સ્થાપવા માટે વિશ્વના રોકાણકારો પાસેથી નાણા ઉભા કરવામાં આવી રહ્યા હતા. બન્ને ચીજો સમાંતર ચાલી રહી હતી.
ડીરેક્ટર અને માલિક પોતે જયારે વ્યક્તિગત લાંચ ચૂકવી રહ્યા હતા ત્યારે રોકાણકારોને પોતે દૂધે ધોયેલા છે. કોઈને લાંચ આપતા નથી, બહુ પારદર્શક વહીવટ કરી રહ્યા છે એવા લેખિતમાં વચનો આપી રહ્યા હતા. અદાણી ગ્રીને ઓગસ્ટ ૨૦૨૧માં ૭૫૦ મીલીયન ડોલરના ડેટ બોન્ડ બહાર પડવાની આંતરિક મંજૂરી આપી અને સંભવિત રોકાણકારો માટે રોડ-શો શરૂ કર્યા. આ રોડ સમયે અદાણી ગ્રીનના સૌથી મોટા સોલાર પાવર પ્રોજેક્ટની મહત્તમ વીજળીનું વેચાણ લાંચ આપી મેળવવામાં આવેલા કરાર આધારિત હોવાનું ગૌતમ અદાણી, સાગર અદાણી, અન્ય બોર્ડ સભ્યો કે કંપનીઓએ ક્યારેય જાહેર કર્યું ન હતું. એટલું જ નહી, રોકાણ માટેના જોખમી પરિબળો (રિસ્ક ફેક્ટર)માં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, લાંચ અંગે કોઈ ફરિયાદ કરે કે તપાસ થાય અને કંપની સામે દંડનીય કાર્યવાહી થાય તો તેનાથી આથક જોખમ રહેલું છે.
જોકે, કંપનીએ વચન આપ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જી લાંચની વિરુદ્ધ છે અને આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલી નથી. હકીકતે, કંપનીના બે ટોચના અધિકારી - ગૌતમ અદાણી અને સાગર અદાણી - વ્યક્તિગત રીતે ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપી વીજળીના કરાર ઉપર હસ્તાક્ષર કરાવી રહ્યા હતા.
અદાણી એટલું શું ભારત? કેમ દરેક આક્ષેપ ભારત વિરોધી લેખાવવામાં આવે છે
અદાણી સામેના દરેક આક્ષેપ કે આરોપનો આ રીતે વિરોધ કરવાના બદલે નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે
અદાણી જૂથ સામે હિન્ડેનબર્ગના આક્ષેપને કંપની અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ ભારત વિરોધી ગણાવ્યા હતા. અદાણી જૂથ સામે જાન્યુઆરી ૨૦૨૩થી થયેલા દરેક આક્ષેપ કરનારને ભારતમાં રાષ્ટ્ર વિરોધી, દેશદ્રોહી કે ભારતના વિકાસને સહન નહી કરનાર ઉપદ્રવી ગણવામાં આવે છે. અદાણી ભારતની લાખો કંપનીમાંથી એક કંપની છે અને દેશના આર્થિક વિકાસમાં નોકરિયાત, ફેરીવાળા, અન્ય ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂત સહીત સેંકડો વર્ગનો ફાળો છે. અમેરિકન કોર્ટમાં થયેલા આરોપનો આધાર કેટલાક ચોક્કસ દસ્તાવેજ. ડીજીટલ પુરાવા સહિતની ચીજો સામેલ છે.
હિન્ડેનબર્ગ સમયે સેબી પણ સ્વીકારેલું કે અદાણી જૂથની પ્રમોટર શેરહોલ્ડીંગની કેટલીક કંપનીઓ વિદેશી હોવાથી, ટેક્સ હેવનમાં હોવાથી તેની ખરાઈ શક્ય નથી. આ જ આરોપ હતો તેમ છતાં તેની સામે કોઈ પગલાં લેવાયા નથી. ભારત સત્ય અને અહિંસાને વરેલો દેશ છે. અસત્ય એક પાપ છે ત્યારે અદાણી સામેના દરેક આક્ષેપ કે આરોપનો આ રીતે વિરોધ કરવાના બદલે નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે.
સાગર અદાણીએ લાંચની ચૂકવણી ઉપર દેખરેખ રાખી
ગૌતમ અદાણી સાથે અદાણી ગ્રીનના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર સાગર અદાણી અને મેનેજીંગ ડીરેક્ટર વિનીત જૈને પણ ઓડીશા, છતીસગઢ, તમિલનાડુ અને જમ્મુ-કાશ્મીર સરકારના અધિકારો અને વીજ કંપનીઓ ઉપર વીજ ખરીદવા માટે લાંચની સ્કીમ સમજાવવા, કેવી રીતે ચુકવવામાં આવશે તેમાં સક્રિય ભાગ લીધો હતો. અમેરિકી કોર્ટના દસ્તાવેજ અનુસાર સાગર અદાણીએ એક્સેલ શીટમાં કયા રાજ્યમાં વીજ કરાર થયા, ક્યા અધિકારી પાસેથી કેટલી વીજળી ખરીદવા કરાર થયા, તેને વીજળી ખરીદી અનુસાર કેટલી લાંચની રકમ ચૂકવવાની, કેટલી ચૂકવવામાં આવી તેની વિગતો રાખી હતી. આ ઉપરાંત, સાગર અદાણી મોબાઈલ મેસેન્જર એપ દ્વારા આ અંગેની માહિતી પણ આંતરિક અને જરૂરી લોકોને મોકલતો. સૂત્રોમાં એવો ગણગણાટ છે કે, તપાસ દરમિયાન સાગર અદાણીના ઘરે એફબીઆઈની તપાસ આવી હતી ત્યારે આ દસ્તાવેજો, ડીજીટલ રેકર્ડ અને બીજી કેટલીક ચીજો જપ્ત કરવામાં આવી છે.
એઝયોર પાસેથી લાંચનો ત્રીજો હિસ્સો અદાણીએ પડાવ્યો
સૂત્રોમાં એવો ગણગણાટ છે કે, લાંચનો પ્લાન સફળ થઇ રહ્યો છે અને રાજ્ય સરકારો હવે વીજળીના કરાર કરી રહી છે એ અંગેની માહિતી ગૌતમ અદાણી અને સાગર અદાણીએ અમેરિકન કંપની એઝયોરને આપી હતી. લાંચના કાર્યક્રમની સફળતા બાદ હવે અગાઉથી નક્કી ન થયેલી શરત અનુસાર એઝયોર પણ પોતાના લાંચના હિસ્સાના ત્રીજા ભાગની રકમ અદાણીને ચુકવે એ માટે અદાણી જૂથની અમદાવાદ હેડ ઓફીસ ખાતે ખુદ ગૌતમ અને સાગર અદાણીએ ચર્ચા કરી હોવાનું કોર્ટના દસ્તાવેજ જણાવે છે. એઝયોર એક સમયે અમેરિકન શેરબજારમાં લીસ્ટેડ કંપની હતી, હવે નથી. આ કંપની ભારતમાં અદાણી સાથે ચાર ગીગાવોટ સોલાર વીજળી ક્ષમતા સ્થાપી રહી હતી અને તેમને પણ અદાણી સાથે સંયુક્ત રીતે સોલાર એનર્જી કોર્પોરેશને એવોર્ડ આપ્યો હતો. એઝયોરની ૫૦ માલિકી કેનેડિયન પેન્શન ફંડની મલિકીની છે.
એઝયોર રકમ ન આપે તો વીજળીની ક્ષમતા અદાણીને સોંપે
ત્રીજા ભાગની લાંચની રકમનો હિસ્સો ચૂકવવા એઝયોર તૈયાર ન હોય તો આંધ્ર પ્રદેશને વેચવાની વીજળીનો એઝયોરનો ૨.૩ ગીગાવોટ હિસ્સો અદાણીને સોંપી દેવાની વાત થઇ હોવાનું પણ કોર્ટમાં જણાવ્યું છે. આ વાત ખુદ ગૌતમ અદાણીએ એઝયોરના ટોચના અધિકારીઓને જણાવી હોવાનું દસ્તાવેજમાં છે.
લાંચ માટે કેટલીક રકમ અલગ-અલગ વ્યવહાર થકી ચૂકવવાનું ગૌતમ અદાણી, વિનીત જૈન અને સાગર અદાણીની બેઠકમાં નક્કી થયું. આ ઉપરાંત, સૂચન અનુસાર ૨.૩ ગીગાવોટ ક્ષમતા અદાણીને સોંપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો. એઝયોરે સોલાર એનર્જી કોર્પોરેશનને આર્થિક કારણોસર આ પ્રોજેક્ટમાં પોતે ભાગ નહી લે એવો પત્ર ડિસેમ્બર ૨૦૨૨ અને ફેબુ્રઆરી ૨૦૨૩માં લખવામાં આવ્યો છે. છેલ્લે અદાણીએ એઝયોરના હિસ્સાની વીજળી પણ પોતે આપશે એવી જાહેરાત ડિસેમ્બર ૨૦૨૩માં કરી.
લાંચ લેનારને પકડવા જાય તો લાંચ આપનારને પણ પકડવો પડે
ભાજપે કહ્યું કે, તે સમયમાં આંધ્ર પ્રદેશ, છતીસગઢ, તમિલનાડુ સહીતના રાજ્યોમાં ભાજપની નહી પણ વિરોધ પક્ષની સરકાર હતી એટલે કોંગ્રેસે બહુ વિરોધ કરવો નહીં. જોકે, વિરોધ પક્ષો સામે સીબીઆઈ, ઇડી અને અન્ય એજન્સીઓ દોડાવી, દરોડા પાડવામાં માહિર ભાજપ અત્યારે આ મામલે બીજી કોઈ દલીલ કરવા તૈયાર નથી. રાજકીય રીતે જો વિરોધ પક્ષના નેતા અદાણી સાથે લાંચ લેવામાં જોડાયેલા હોય એવું પુરવાર થાય તો તેનો ફાયદો ભાજપને જ થાય. પરંતુ, અદાણી જૂથ અને કેન્દ્ર સરકાર વચ્ચે મિલીભગત હોવાથી સરકાર મૌન જ ધારણ કરશે. કેન્દ્ર સરકારની સમસ્યા એ છે કે લાંચ લેનારને પકડવા જાય તો લાંચ આપનારને પણ પકડવો પડે.