GST હેઠળ નોંધાયેલ લગભગ 10,700 નકલી કંપનીઓનો પર્દાફાશ

- નકલી જીએસટી નોંધણીઓને તપાસવા માટે લક્ષ્યાંકિત પગલાં સાથે વધુ ભૌતિક ચકાસણી હાથ ધરાઈ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
GST હેઠળ નોંધાયેલ લગભગ 10,700 નકલી કંપનીઓનો પર્દાફાશ 1 - image


નવી દિલ્હી : જીએસટી  હેઠળ નોંધાયેલ લગભગ ૧૦,૭૦૦ નકલી કંપનીઓની નોંધણીઓ શોધી કાઢવામાં આવી છે, જેમાં રૂ. ૧૦,૧૭૯ કરોડની કરચોરી સામેલ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના સભ્ય શશાંક પ્રિયાએ જણાવ્યું હતું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રજીસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશન પહેલાથી જ ૧૨ રાજ્યોમાં અમલમાં છે અને ૪ ઓક્ટોબર સુધીમાં વધુ ચાર રાજ્યોમાં લંબાવવામાં આવશે.

આખરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત ૨૦ રાજ્યો આધાર ઓથેન્ટિકેશન શરૂ કરશે. 'એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા' (એસોચેમ)ની એક ઈવેન્ટમાં બોલતા શશાંક પ્રિયાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કર સત્તાવાળાઓ નવા કરદાતાઓ પર તેમના જોખમ 'પ્રોફાઈલ'ના આધારે કેટલાક નિયંત્રણો લાદવામાં પણ સક્ષમ હશે.

જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે સરકાર નકલી જીએસટી નોંધણીઓને તપાસવા માટે લક્ષ્યાંકિત પગલાં લઈ રહી છે અને વધુ ભૌતિક ચકાસણી કરવામાં આવી રહી છે. ૧૬ ઓગસ્ટથી શરૂ થયેલ નકલી નોંધણી વિરુદ્ધનું બીજું અખિલ ભારતીય અભિયાન ૧૫ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.કર અધિકારીઓએ ૬૭,૯૭૦  ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર (GSTIN) ઓળખી કાઢયા છે. તેમાંથી ૫૯ ટકા અથવા ૩૯,૯૬૫ નંબર ૨૨ સપ્ટેમ્બર સુધી ચકાસવામાં આવ્યા છે. આમાંથી ૨૭ ટકા સંસ્થાઓ મળી આવી છે જે અસ્તિત્વમાં નથી. આ ટકાવારી લગભગ અગાઉની ઝુંબેશ જેટલી જ છે. અમે રૂ. ૧૦,૧૭૯ કરોડની કરચોરી શોધી કાઢી છે. ૨,૯૯૪ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, ૨૮ કરોડ રૂપિયા પણ વસૂલ કરવામાં આવ્યા છે (૨૨ સપ્ટેમ્બર સુધીના બીજા અભિયાનમાં).

બનાવટી નોંધણીઓ સામે પ્રથમ અભિયાન ૧૬ મેથી ૧૫ જુલાઈ, ૨૦૨૩ની વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીએસટી રજીસ્ટ્રેશન ધરાવતા કુલ ૨૧,૭૯૧ એકમો મળી આવ્યા જે અસ્તિત્વમાં ન હતા. ગયા વર્ષે પ્રથમ સ્પેશિયલ ઓપરેશનમાં ૨૪,૦૧૦ કરોડ રૂપિયાની શંકાસ્પદ કરચોરી શોધી કાઢવામાં આવી હતી. જીએસટી સિસ્ટમમાં ડેટા મિસમેચની સમસ્યા છે, જેના કારણે છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ટેક્સ અધિકારીઓ દ્વારા ૧,૧૨,૮૫૨ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી.


Google NewsGoogle News