આ કામ નહીં કરો તો 20 ટકા TDS ભરવા તૈયાર રહેજો! પ્રોપર્ટી ખરીદનારાઓને ITની નોટિસ
પહેલા આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ન હોવાના કારણે પ્રોપર્ટી વેચનારને એક ટકા TDS ચૂકવવો પડતો હતો
પરંતુ હવે નવા નિયમ મુજબ પ્રોપર્ટી પર 20 ટકા TDS ચૂકવવો પડશે
Aadhaar-PAN Link: એક મહિના પહેલા જ આધાર કાર્ડ અને પાન કાર્ડ ફ્રીમાં લિંક કરવાની અવધી પૂરી થઇ ગઈ છે. જેના પછી જેમના પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન હોય તેવા ઘણા લોકોના પાન કાર્ડ ડીએક્ટીવ થઇ ગયા છે. આવકવેરા વિભાગે આવા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી. સેંકડો મિલકત ખરીદનારાઓને કાનૂની નોટિસ (ઇન્કમ ટેક્સ નોટિસ) મોકલવામાં આવી હતી.
શું છે નવો નિયમ?
આ પહેલા આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ન થવાના કારણે પ્રોપર્ટી વેચનારને 1 ટકા TDS ચૂકવવો પડતો હતો. પરંતુ હવે નવા નિયમ મુજબ પ્રોપર્ટી પર 20 ટકા TDS ચૂકવવો પડશે. 50 લાખ કે તેથી વધુની પ્રોપર્ટીની ખરીદી પર 20 ટકા TDS માટે ખરીદદારોને નોટિસ આપવામાં આવી છે.
શા માટે કરવામાં આવ્યું ફરજીયાત?
એક રિપોર્ટ અનુસાર પ્રોપર્ટી વેચનાર એવા ઘણા લોકો છે જેમના પાન કાર્ડ સાથે આધાર લિંક ન કરેલું હોય. આવું ન કરવાના કારણે અનેક વિક્રેતાઓના પાનકાર્ડ ડીએક્ટીવ થઈ ગયા. જે લોકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. તેમને રૂ. 50 લાખની મિલકતની ખરીદી પર કુલ મૂલ્ય પર 20 ટકાના દરે TDS ચૂકવવાની નોટિસ આપવામાં આવી હતી. આવા લોકોની છટણી હજુ પણ ચાલુ છે અને આવકવેરા વિભાગ તેમને સતત નોટિસ મોકલી રહ્યું છે.
હજુ પણ પાન કાર્ડ સાથે કરાવી શકાય છે આધાર લિંક
ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 139-AA હેઠળ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. સરકારે ભૂતકાળમાં અનેક વખત આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની તારીખ લંબાવી છે. 31 માર્ચ સુધી આધાર અને પાન કાર્ડ ફ્રીમાં લિંક કરી શકાતા હતા. પરંતુ જેમણે પાન-આધાર લિંક નથી કરાવ્યું તેઓ રૂ. 1000ની લેટ ફી ભરીને આવું કરી શકે છે.