વિશ્વ બજારમાં સોનામાં તેજી સામે ઘરઆંગણે પ્રવર્તતું સુસ્ત હવામાન

- યુરોપે વ્યાજ દર ઘટાડયા: ચીન તથા અમેરિકામાં ટૂંકમાં વ્યાજ ઘટાડાય તેવી સંભાવના

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
વિશ્વ બજારમાં સોનામાં તેજી સામે ઘરઆંગણે પ્રવર્તતું સુસ્ત હવામાન 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઊંચો મથાળેથી પીછેહટ જોવા મળી હતી. જો કે વિશ્વ બજારના સમાચાર આંચકા પચાવી ફરી તેજી બતાવતા હતા. વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ૨૫૦૯થી ૨૫૧૦ વાળા વધી ૨૫૨૪થી ૨૫૨૫ ડોલર રહ્યા હતા. ફંડો લેવાલ હતા.  યુરોપીયન સેન્ટ્રલ બેન્કે વ્યાજના દરમાં ઘટાડો કરશે એવા નિર્દેશો દરિયાપારથી વહેતા થયા હતા. અમેરિકામાં પણ ટૂંકમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવનાર છે. 

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૪૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૨૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૪૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ સોના પાછળ ઔંશના ૨૮.૫૪થી ૨૮.૫૫ વાળા વધી ૨૮.૯૧ થઈ ૨૮.૮૪થી ૨૮.૮૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૭૦૬ વાળા રૂ.૭૧૫૧૪ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૯૯૪ વાળા રૂ.૭૧૮૦૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૩૪૦૭  વાળા રૂ.૮૩૧૮૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

નવી માગ ધીમી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૪૨થી ૯૪૩ વાળાી વધી ૯૬૩ થઈ ૯૬૧થી ૯૬૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૯૯૦થી ૯૯૧ વાળા વધી ૧૦૦૦ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૧૦૩૧થી ૧૦૩૨ ડોલર રહ્યા હતા.

 વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૦.૩૬ વાળા ઉંચામાં ૭૧.૯૩ થઈ ૭૧.૪૬ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ બેરલના ૬૭.૦૨ વાળા ૬૮.૬૬  થઈ ૬૮.૨૩ ડોલર રહ્યા હતા.વિશ્વ બજારમાં ગલ્ફ ઓફ મેક્સિકોમાં વાવાઝોડાના પગલે ક્રૂડના ઉત્પાદન પર અસર પડયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૧.૪૧ ટકા વધ્યા હતા.

bullion

Google NewsGoogle News