દેશમાં દિવાળી પહેલા ખરીદીમાં રૂ.20,000 કરોડની વૃદ્ધિ, રોકડનું પ્રમાણ પણ વધ્યું
- એટીએમના વ્યવહારોનો સંકેત : લોકોએ ખાતામાંથી ગયા વર્ષ કરતાં રૂ.5000 કરોડ વધુ ઉપાડયાં
- ખરીદી માટે ક્રેડીટ કાર્ડ લોકોની પ્રથમ પસંદગી : રૂ.15,423 કરોડના વધારાના વ્યવહારો જોવા મળ્યા
અમદાવાદ : દેશમાં દિવાળીની સિઝન પહેલા ધૂમ ખરીદીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. રિઝર્વ બેંકના નાણાકીય વ્યવહારોના આંકડા અનુસાર દિવાળી પહેલાના એક જ સપ્તાહમાં ગત વર્ષ કરતા રૂ.૨૦,૦૦૦ કરોડથી વધુના વ્યવહાર જોવા મળ્યા છે જે સીધા ખરીદી સાથે જોડાયેલા હોય શકે છે. વધુ નાણાકીય વ્યવહારની સાથે રોકડના પ્રમાણમાં પણ ગત વર્ષ કરતા ૧૬ ટકા કે રૂ.૫,૦૬૫ કરોડનો વધારો જોવા મળ્યો છે. જોકે, કાર્ડ પેમેન્ટમાં ક્રેડીટ કાર્ડ પ્રથમ પસંદગી જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા ક્રેડીટ કાર્ડ પેમેન્ટમાં રૂ.૧૫,૪૨૩ કરોડનો વધારો જોવા મળી રહ્યો છે સામે ડેબીટ કાર્ડનો ઉપયોગમાં રૂ.૮૦૦ કરોડનો ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકો જેટલો ઉપયોગ ક્રેડીટ કાર્ડનો કરી રહ્યા છે એટલો જ એટીએમ ઉપરથી રોકડ ઉપાડનો પણ કરી રહ્યા છે.
એટીએમ મશીનના મેનેજમેન્ટ સાથે સંકળાયેલી એક ખાનગી કંપનીએ નાણાકીય વ્યવહારના આંકડાઓને સમર્થન આપતા જણાવ્યું હતું કે દેશમાં તહેવારો અને લગ્નસરાની સિઝન પહેલા હમેશા રોકડનું ચલણ વધારે જોવા મળે છે. આ કંપની જણાવે છે કે ગત વર્ષે ઓક્ટોબરમાં દિવાળી હતી ત્યારે દેશમાં એટીએમમાં રોકડ ભરવા માટે બેંકોની સૂચનામાં ૨૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો આ વર્ષે હજુ આંકડા આવી રહ્યા છે પણ આ વૃદ્ધિ ૨૩ જેટલા થવા જાય છે. આર્થિક કદની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા પાંચ રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે જે એટીએમ રોકડના ઉપાડમાં દેશમાં ૪૩.૧ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં ગત વર્ષે રોકડનો ઉપાડ ૧૬ ટકા જેટલો વધ્યો હતો જે આ વર્ષે પણ ૧૮ થી ૨૦ ટકા જેટલી વૃદ્ધિ દર્શાવે છે.
રિઝર્વ બેંકના પેમેન્ટ એન્ડ સેટલમેન્ટના દૈનિક ડેટા અનુસાર ગત વર્ષે દિવાળી પહેલાના સપ્તાહમાં ક્રેડીટ કાર્ડ થકી રૂ.૨૧,૫૯૫ કરોડના નાણાકીય વ્યવહાર થયા હતા અને ડેબીટ કાર્ડ થકી રૂ.૧૨,૨૭૪ કરોડના વ્યવહાર થયા હતા. આ વર્ષે દિવાળી પહેલાના દિવસોમાં ક્રેડીટ કાર્ડ થકી રૂ.૩૭,૦૧૮ કરોડ અને ડેબીટ કાર્ડ થકી રૂ.૧૧,૪૭૫ કરોડના વ્યવહાર થયા છે. આમ, કુલ કાર્ડના વ્યવહારોમાં રૂ.૧૪,૬૨૫ કરોડની વૃદ્ધિ જોવા મળી રહી છે.
દેશમાં ડીજીટલ નાણાકીય વ્યવહારોનું પ્રમાણ વધે એટલે તા.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ એ સમયે ચલણમાં રહેલી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બંધ કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી. આ સમયે દેશના ચલણમાં રહેલી રૂ.૧૭ લાખ કરોડની ચલણી નોટમાંથી રૂ.૧૫.૪૧ લાખ કરોડની નોટો રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ નોટબંધી પછીના સાત વર્ષમાં દેશના અર્થતંત્રમાં કુલ ચલણી નોટનું પ્રમાણ બમણા જેટલું વધી રૂ.૩૨ લાખ કરોડ થઇ ગયું છે. રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર તા. ૨૦ ઓક્ટોબરના અંતે દેશમાં રૂ.૩૨,૦૧,૭૦૮ કરોડની ચલણી નોટો ફરી રહી છે. ડીજીટલ પેમેન્ટ, યુનાઈટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) અને પેમેન્ટ વોલેટ અસ્તિત્વમાં આવ્યા પછી પણ રોકડનું પ્રમાણ ઘટયું નથી.
કેવી રીતે લોકો ખરીદી કરી રહ્યા છે
(રૂ. કરોડ)
વિગત |
૨૦૨૨ |
૨૦૨૩ |
ફેરફાર |
રોકડનો ઉપાડ |
૩૨,૩૯૦ |
૩૭,૪૫૪ |
૫૦૬૪ |
ક્રેડીટ કાર્ડ |
૨૧,૫૯૫ |
૩૭,૦૧૮ |
૧૫,૪૨૩ |
ડેબીટ કાડ |
૧૨,૨૭૪ |
૧૧,૪૭૫ |
-૭૯૯ |
કુલ |
૬૬,૨૫૯ |
૮૫,૯૪૭ |
૧૯,૬૮૮ |