સંપત્તિમાં એક દિવસમાં રૂ.31.07 લાખ કરોડનું રેકોર્ડ ધોવાણ

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
સંપત્તિમાં એક દિવસમાં રૂ.31.07 લાખ કરોડનું રેકોર્ડ ધોવાણ 1 - image


- અસ્થિર સરકારના એંધાણે શેરોમાં ધરતીકંપ

- એક્ઝિટ પોલના અનુમાને તેજીનો ખેલો કરનારા અનેક પંટરો, ખેલાડીઓ ડૂબ્યા : શેરોમાં રોકાણકારો પાયમાલ :  ઈન્ટ્રા-ડે સેન્સેક્સ 6234 પોઈન્ટ, નિફટી 1982 પોઈન્ટ તૂટયા

મુંબઈ : લોકસભા ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલના ભાજપ-એનડીએના જવલંત વિજય અનુમાનથી  વિપરીત ભાજપને સ્પષ્ટ બહુમત નહીં મળતાં સાથી પક્ષોને ટેકો અનિવાર્ય બનતાં અને બીજી તરફ ઈન્ડિયા અલાયન્સમાં કોંગ્રેસની સ્થિતિ સુધરી સારા પરફોર્મન્સ છતાં ખિચડી સરકાર એટલે કે અસ્થિર સરકારના એંધાણના પરિણામ આવતાં આજે શેર બજારોમાં ધરતીકંપ સર્જાયો હતો. મોદી મેજિકના અંતની સાથે દાયકાની વિક્રમી તેજીના યુગનો જાણે કે અંત આવ્યો હોય એમ કોવિડ ૧૯ સમયના કડાકા બાદનો આજે સૌથી મોટો ઈન્ટ્રા-ડે સેન્સેક્સમાં ૬૨૩૪.૩૫ પોઈન્ટ અને નિફટીમાં ૧૯૮૨.૪૫ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. 

ફંડોની ધૂમ વેચવાલી સાથે શેરોમાં  રોકાણકારોની સંપતિ એટલે કે બજારના એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં આજે એક જ દિવસમાં રેકોર્ડ રૂ.૩૧.૦૭  લાખ કરોડનું ઐતિહાસિક ધોવાઈ થઈ જઈ  રૂ.૩૯૪.૮૩  લાખ કરોડ રહી ગયું હતું. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ ૩૯ પૈસા તૂટીને રૂ.૮૩.૫૩ રહી ગયો હતો.

એક્ઝિટ પોલની પોલમ પોલને લઈ ગઈકાલે ઐતિહાસિક તોફાની તેજીમાં લેણમાં રહેલા અને તેજીનો વેપાર કરનારા પંટરો, ટ્રેડરો, ખેલાડીઓ તેજીમાં અટવાઈ પડી આજે મોટા નુકશાનીની ખાડાંમાં ઉતરી ગયા  હતા. સેન્સેક્સે ઈન્ટ્રા-ડે ૬૨૩૪.૩૫ પોઈન્ટના વિક્રમી કડાકાએ નીચામાં ૭૦૨૩૪.૪૩ સુધી આવી ગયા બાદ અંતે ૪૩૮૯.૭૩ પોઈન્ટ તૂટીને ૭૨૦૭૯.૦૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૯૮૨.૪૫ પોઈન્ટના રેકોર્ડ કડાકે  નીચામાં ૨૧૨૮૧.૪૫ સુધી ખાબકી અંતે ૧૩૭૯.૪૦ પોઈન્ટ ગબડીને ૨૧૮૮૪.૫૦ બંધ રહ્યો હતો. શેરોની જાતેજાતમાં આજે ધબડકો બોલાઈ ગયો હતો. સૌથી વધુ ઝડપે વધેલા પીએસયુ, પાવર શેરો અને બેંકિંગ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, પાવર-કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ શેરોમાં મોટા ગાબડાં પડયા હતા.

 પ્રમુખ પક્ષો ભાજપ અને કોંગ્રેસે સરકાર રચવા માટે સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડે એમ હોઈ આ સરકાર ખિચડી અને એક પ્રકારે અસ્થિર સરકાર રચાય એવી શકયતાનું ચિત્ર બની રહ્યું હોઈ ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ શેરોમાં પેનીક સેલિંગ કરીને રેકોર્ડ કડાકો બોલાવી દીધો હતો. ફોરેન ફંડોની શેરોમાં ખરીદી અટકીને આજે મોટાપાયે વેચવાલી નીકળ્યા સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ વેચવાલ બન્યા હતા. રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સ્મોલ, મિડ કેપ શેરોમાં ગભરાટમાં આવી મળ્યા ભાવે વેચવા દોટ મૂકતાં અનેક શેરોના ભાવોમાં ઓછા વોલ્યુમે ગાબડાં પડયા સાથે ઓનલી સેલરની નીચલી સર્કિટ લાગી ગઈ હતી.

સૌૈથી વધુ બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૮૯૨.૯૬ પોઈન્ટ તૂટીને ૬૪૮૨૯.૩૧, બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૦૨૧.૫૭ પોઈન્ટ ગબડીને ૨૬૭૪૩.૮૭, પાવર ઈન્ડેક્સ ૧૧૮૦.૯૬ પોઈન્ટ તૂટીને ૭૧૦૩.૭૮, બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ૩૫૨૬.૮૬ પોઈન્ટ ગબડીને ૧૮૯૬૪.૮૪, બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૨૫૬.૧૬ પોઈન્ટ તૂટીને ૩૦૪૮૫.૨૦, બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૭૭૬.૮૯ પોઈન્ટ તૂટીને ૫૨૬૩૩.૬૯, બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૭૧૩.૩૯ પોઈન્ટ તૂટીને ૫૩૫૭૭.૦૮ રહ્યા હતા. આ સાથે સ્મોલ કેપ શેરોમાં અનેક શેરોમાં કડાકા બોલાઈ જતાં બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩૨૭૩.૮૨ પોઈન્ટ તૂટીને ૪૪૯૫૮.૪૮ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૩૫૭૯.૫૭ પોઈન્ટ ધોવાઈ જઈ ૪૦૭૮૮.૧૦ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોએ ટ્રેડીંગના પ્રથમ 15 મીનિટમાં જ રૂ.14 લાખ કરોડ ગુમાવ્યા

ચૂંટણીના પરિણામો જાહેર થવાની શરૂઆત સાથે આજે શેર બજારોમાં ટ્રેડીંગ સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થયાના ૧૫ મીનિટમાં જ સેન્સેક્સ અને નિફટી ૫૦ ઈન્ડેક્સમાં ત્રણ ટકાનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોની સંપતિમાં રૂ.૧૪ લાખ કરોડ જેટલું ધોવાણ થઈ ગયું હતું. ખાસ પીએસયુ કંપનીઓના શેરોમાં જે બેફામ તેજી તાજેતરના દિવસોમાં જોવાઈ હતી એ શેરો પૈકી સ્ટેટ બેંક, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં મોટું ધોવાણ થવા સાથે રિલાયન્સ સહિત હેવીવેઈટ શેરોમાં મોટા  ગાબડાં પડયા હતા.


Google NewsGoogle News