ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડનો તોતિંગ વધારો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડનો તોતિંગ વધારો 1 - image


- વિદેશી રોકાણકારોની રૂ. 9239 કરોડની જંગી લેવાલી

- સેન્સેક્સ 71,000ની સપાટી કૂદાવી 71,484ની નવી ટોચે : નિફ્ટી પણ 274 પોઇન્ટ વધી 21,457

અમદાવાદ : યુ.એસ. ફેડરલ દ્વારા વ્યાજ દર વધારાને બ્રેક મારવા સાથે આગામી વર્ષે તેમાં ઘટાડો કરવાના સંકેત પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ બીએસઇ સેન્સેક્સ આજે પ્રથમ વખત જ ૭૧,૦૦૦ની મહત્ત્વની સપાટી કૂદાવી ગયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં બજારમાં ઉદ્ભવેલ તેજીના પગલે સેન્સેક્સમાં ૧૯૩૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. તો બીજી તરફ ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમા રૂ. ૮ લાખ કરોડનો નોંધપાત્ર વધારો થયો છે.

ફેડરલ રિઝર્વના બજાર તરફી નિર્ણય બાદ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ આજે મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ ઉંચા મથાળે થયા બાદ નવી ઝડપી લેવાલીએ સેન્સેક્સ ૭૧,૦૦૦ની સપાટી કુદાવીને ઇન્ટ્રા ડે વધીને ૭૧,૬૦૫.૭૬ની સર્વાધિક ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૯૬૯.૫૫ પોઇન્ટ વધીને ૭૧,૪૮૩.૭૫ની સપાટીએ રહ્યો હતો. આ અગાઉ ગત સોમવારે સેન્સેક્સે ૭૦,૦૦૦ની સપાટી કૂદાવી હતી. નવી લેવાલી પાછળ એનએસઇનો નિફ્ટીએ પણ ૨૧,૪૦૦ની સપાટી કૂદાવી ઇન્ટ્રા ડે ૨૧,૪૯૨.૩૦નો હાઇ રચી કામકાજના અંતે ૨૭૩.૯૫ પોઇન્ટ વધીને ૨૧,૪૫૬.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

અમેરિકાના સાનુકૂળ નિર્ણય બાદ બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદર જાળવી રાખતા તેમજ ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા સિસ્ટમમાં વધારાના નાણાં ઠાલવવાની જાહેરાત પાછળ આજે એશિયાઈ તેમજ યુરોપના બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

આજે સેન્સેક્સ ૯૭૦ પોઇન્ટ ઉછળતા કામકાજના અંતે રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટ કેપ.)માં રૂ. ૨.૮૫ લાખ કરોડનો વધારો થતા રૂ. ૩૫૭.૮૭ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં બજારમાં સતત તેજીના પગલે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮,૧૧,૮૦૨.૧૧ કરોડનો વધારો જોવા મળ્યો છે.


Google NewsGoogle News