Get The App

રોકાણકારોની સંપત્તિમાં ત્રણ દિવસમાં રૂ. 28.66 લાખ કરોડનો જંગી વધારો

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
રોકાણકારોની સંપત્તિમાં ત્રણ દિવસમાં રૂ. 28.66 લાખ કરોડનો જંગી વધારો 1 - image


- વિદેશી રોકાણકારોની રૂ. 4391 કરોડની નવી લેવાલી

- સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ઉછળીને 76795ની ઓલટાઇમ હાઇને સ્પર્શી કામકાજના અંતે 1,619 પોઇન્ટ ઉછળીને 76,693ની સપાટીએ

અમદાવાદ : લોકસભાની ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલથી વિપરીત આવતા શેરબજારમાં બોલેલો પ્રચંડ કડાકો ત્રણ દિવસમાં જ રિકવર થઈ જવા પામ્યો છે. એનડીએના સાથી પક્ષોના ટેકાથી નરેન્દ્ર મોદી ફરી એકવાર સરકાર રચશે તેવા અહેવાલો તેમજ બજાર સામે થયેલા પ્રતિકૂળ નિવેદનોને આજે ડિસ્કાઉન્ટ કરી વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સ આજે ૭૬૭૯૫ની ઓલટાઇમ સપાટી રચી કામકાજના અંતે ૧,૬૧૯ અને નિફ્ટી ૪૬૯ પોઇન્ટ ઉછળીને બંધ આવ્યા હતા. સેન્સેક્સના ઉછાળા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૬ લાખ કરોડનો વધારો થયો છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં તેમાં રૂ. ૨૮.૬૬ લાખ કરોડનો જંગી વધારો જોવા મળ્યો છે.

ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ નવી સરકાર રચવા અંગે અવઢવભરી સ્થિતિ રચાયા બાદ એનડીએના સાથી પક્ષોએ વિશ્વાસ આપતા ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર રચશે તેવા અહેવાલો પાછળ આજે બજારમાં સાનુકૂળ માહોલ ઉભો થવા પામ્યો હતો. રિઝર્વ બેંક દ્વારા આજે ધિરાણ નીતિની સમીક્ષા બાદ અપેક્ષા મુજબ રેપો રેટમાં કોઈ પરિવર્તન ન કરતા બજારને હૂંફ મળી હતી.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ઓપરેટરો, ફંડો તેમજ રોકાણકારો દ્વારા હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ બજારમાં સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી. જેના પગલે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે વધીને ૭૬,૭૯૫ની નવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે ૧,૬૧૯ પોઇન્ટ ઉછળીને ૭૬,૬૯૩ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

બીજી તરફ એનએસઇનો નિફ્ટી પણ આજે ઝડપથી આગળ વધ્યો હતો પણ તેની અગાઉની ટોચની સપાટીથી વેંત દૂર રહ્યો હતો. જે કામકાજના અંતે ૪૬૯ પોઇન્ટની છલાંગે ૨૩,૨૯૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો.

વિદેશી રોકાણકારો દ્વારા આજે હેવી વેઇટ તેમજ સ્મોલકેપ તથા મિડકેપ શેરોમાં નવી રૂ. ૪૩૯૧ કરોડની લેવાલી હાથ ધરાઈ હતી. બીજી તરફ સ્થાનિક સંસ્થાઓએ આજે રૂ. ૧,૨૯૦ કરોડની વેચવાલી હાથ ધરી હતી. આજે ૩,૯૫૨ સ્ક્રીપ્ટસમાં થયેલા ટ્રેડમાં ૨,૮૯૦ સ્ક્રીપ્ટ્સ વધારા તરફી હતી આજે બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧,૦૩૮ પોઇન્ટનો અને મિડ કેપ ઇન્ડેક્સમાં ૫૫૬ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૬ લાખ કરોડનો વધારો થતાં કામકાજના અંતે રૂ. ૪૨૩.૪૯ લાખ કરોડ રહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં ૪,૫૦૦ પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે. જેના પગલે છેલ્લા ત્રણ દિવસમાં જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૨૮.૬૬ લાખ કરોડનો વધારો નોંધાયો છે.


Google NewsGoogle News