સોવેરિન ગોલ્ડ બોન્ડ ચાલુ રાખવા કે કેમ તેના પર ટૂંકમાં નિર્ણય લેવાશે

- ૨૦૧૫માં શરૂ કરાયેલી આ સ્કીમ સરકાર માટે ખર્ચાળ સાબિત થઈ રહી હોવાનો દાવો

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
સોવેરિન ગોલ્ડ બોન્ડ ચાલુ રાખવા કે કેમ તેના પર ટૂંકમાં નિર્ણય લેવાશે 1 - image


મુંબઈ : રાજકોષિય ખાધને પૂરવા સોવેરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી) સ્કીમ ખર્ચાળ સાધનોમાંની એક  હોવાનું ધ્યાનમાં રાખી આગળ જતા સ્કીમ ચાલુ રાખવી કે અટકાવી દેવી તેના પર સરકાર સપ્ટેમ્બરમાં નિર્ણય કરે તેવી શકયતા છે.

જો આ સ્કીમ બંધ કરી દેવાનો નિર્ણય લેવાશે તો તેના સ્થાને અન્ય સ્કીમ લાવવાની પણ કેન્દ્રની કોઈ યોજના નથી એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

વર્તમાન બજેટમાં સોના પરની કસ્ટમ્સ ડયૂટી ઘટાડી ૬ ટકા કરાતા સોનાના ભાવમાં જોરદાર ઘટાડો થયો હતો. નીચા ભાવે સોના પર વધુ વળતર નહીં મળે તેવી શકયતાએ એસજીબી સ્કીમ તરફ રોકાણકારોના આકર્ષણમાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે.

૨૦૧૫માં લોન્ચ થયેલી આ સ્કીમમાં પ્રારંભમાં રોકાણ કરનારાને ૨૦૨૩માં  મુદતના અંતે  નોંધપાત્ર ઊંચુ વળતર મળ્યું હતું. પ્રથમ શ્રેણીમાં રોકાણ કરનારાને વાર્ષિક સરેરાશ વીસ ટકા જેટલુ વળતર છૂટયાનું જોવા મળ્યું હતું. 

એસજીબી સ્કીમ મારફત રાજકોષિય ખાધ નીચે  લાવવા પાછળનો ખર્ચ આ સ્કીમ મારફત હાજર સોનાનું આકર્ષણ ઘટાડવા પાછળના ખર્ચ કરતા ઊંચો રહેતો હોવાનું સરકારી સુત્રોએ દાવો  કર્યો હતો. 

સ્કીમ ચાલુ રાખવી કે નહીં તે અંગે સપ્ટેમ્બરમાં નિર્ણય લેવાશે. આ સ્કીમથી સરકાર તથા રોકાણકારો બન્નેને લાભ થવો જરૂરી છે, એમ પણ સરકારી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષમાં ગોલ્ડ બોન્ડસ મારફત સરકાર રૂપિયા ૧૫૦૦૦ કરોડનું નેટ બોરોઈંગ કરવા ટાર્ગેટ ધરાવે છે. 



Google NewsGoogle News