આયર્ન ઓરની નિકાસ વધતા ઘરઆંગણે નાના સ્ટીલ ઉત્પાદકો માટે સ્થિતિ પડકારરૂપ

- વધુ પડતી નિકાસને પરિણામે સ્થાનિકમાં કાચા માલના ભાવમાં વધારો

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
આયર્ન ઓરની નિકાસ વધતા ઘરઆંગણે  નાના સ્ટીલ ઉત્પાદકો માટે સ્થિતિ પડકારરૂપ 1 - image


મુંબઈ : ચીન તરફથી સ્ટીલના કાચા માલ આયર્ન ઓરની માગમાં જોરદાર વધારો થતાં ઘરઆંગણે ઓરના ભાવમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી સ્ટીલ ઉત્પાદકોએ આયર્ન ઓરની નિકાસ પર પ્રતિબંધ મૂકવા માગણી કરી છે. સ્ટીલ ઉદ્યોગની આ માગણીને લઈને આયર્ન ઓર ઉત્પાદકો રોષે ભરાયાનું ચર્ચાઈ રહ્યું છે. 

ગયા વર્ષે ભારતની આયર્ન ઓરની નિકાસ ૧૭૦ ટકા વધી ૪.૪૦ કરોડ ટન રહી હતી. નિકાસનો મોટાભાગનો હિસ્સો ચીન ખાતે ગયો હતો. સ્થાનિકમાં પણ આયર્ન ઓરની માગ વધી રહી છે ત્યારે તેના ભાવમાં ઉછાળાથી નાના સ્ટીલ ઉત્પાદકો મુશકેલીમાં મુકાઈ ગયા છે એમ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું.

ભારતમાં જો આયર્ન ઓર મોંઘુ થશે તો ચીનમાં  સ્ટીલ ઉત્પાદન વધતુ રહેશે અને ભારત ખાતે સ્ટીલ ઉદ્યોગે સહન કરવું પડશે. છેલ્લા છ-આઠ મહિનામાં ઓરના ભાવ ૩૦થી ૩૨ ટકા વધી પ્રતિ ટન રૂપિયા ૬૦૦૦ પહોંચી ગયા છે. 

 દેશના વિવિધ રાજ્યોમાં આવેલા નાના સ્ટીલ ઉત્પાદકો નુકસાન કરવાની સ્થિતિમાં છે ત્યારે આયર્ન ઓરની નિકાસ અટકાવી તેના ભાવમાં ઘટાડો કરવા નાના સ્ટીલ ઉત્પાદકો એક મંચ પર આવ્યા છે અને તેમણે સરકાર સમક્ષ રજુઆત કરી છે.

દેશના મોટા સ્ટીલ ઉત્પાદકો આયર્ન ઓર તથા કોલસા જેવા કાચા માલ માટે ભાવનું બારગેનિંગ કરી શકે છે, જ્યારે નાની સ્ટીલ મિલો માટે તે શકય નથી બનતું એમ તેમણે જણાવ્યું હતું. ઘરઆંગણે આયર્ન ઓરનો પૂરવઠો વધારવા સરકારે મે ૨૦૨૨ના આયર્ન ઓર પર ૫૦ ટકા નિકાસ ટેકસ લાગુ કર્યો હતો પરંતુ આ ટેકસ છ મહિના બાદ પાછો ખેંચી લેવાયો હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.


Google NewsGoogle News