અઠવાડિયામાં 90 કલાક કામ પર હવે રાજનીતિ, કોંગ્રેસે કહ્યું- 'નહેરૂ, આંબેડકરે શ્રમિકોને 8 કલાકથી વધુ કામ ન કરવાની વકાલત કરી હતી'
90 Hours Work Week Matters : દેશમાં અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની ચર્ચા થઈ રહી છે. જેમાં બોલીવુડ અને વ્યવસાય સહિતના વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોએ એક મોટી એન્જિનિયરિંગ અને બાંધકામ કંપની L&Tના ચેરમેન એસએન સુબ્રમણ્યનના નિવેદનની આકરી ટીકા કરી છે. હવે આ મુદ્દાએ રાજકિય રૂપ ધારણ કર્યુ છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ અઠવાડિયામાં 90 કલાક કામ પરની ચર્ચામાં શામિલ થયા છે અને આ પ્રકારના નિવેદન પર અસહમતિ દાખવી છે.
નહેરુ-આંબેડકરનું આપ્યું ઉદાહરણ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ L&Tના ચેરમેનના 90 કલાક કામ કરવાના નિવેદન સામે અસહમતિ વ્યક્ત કરતાં કહ્યું કે, 'પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ અને બાબા સાહેબ આંબેડકરનું ઉદાહરણ આપ્યું. નહેરુ અને આંબેડકરે પણ શ્રમિકોને દિવસમાં 8 કલાકથી વધુ કામ ન કરવાની વકાલત કરી હતી.'
ખડગેએ L&T કંપનીનો આભાર માન્યો
મીડિયા અહેવાલ મુજબ, મલ્લિકાર્જુન ખડગેએ અઠવાડિયામાં 90 કલાક કામના મુદ્દાને લઈને અસહમતિ દાખવતા પહેલા L&T કંપનીનો આભાર માન્યો. દિલ્હીમાં 9A, કોટલા રોડ પર કોંગ્રેસના નવા મુખ્યાલયનું બાંધકામ આજ કંપનીએ કર્યુ છે. તેવામાં ખડગેએ કહ્યું કે, 'હું L&T કંપનીનો આભાર માનું છું, અમારી બાજુથી પણ કેટલીક રકમ બાકી છે. તેમણે નવા મુખ્યાલયના નિર્માણમાં સામેલ કંપનીના આર્કિટેક્ટ્સ અને કામદારોનો પણ આભાર માન્યો.'
L&Tના ચેરમેન એસએન સુબ્રમણ્યનના નિવેદનને લઈને ખડગેએ કહ્યું કે, 'શ્રમિક 8 કલાકથી વધુ કામ કરી શકતા નથી અને નહેરુ અને આંબેડકરે ફેક્ટ્રી એક્ટ બનાવતી વખતે આવું જ કહ્યું હતું. પહેલા કોઈ 9 કલાક કામ માંગતું હતું પણ હવે લોકો 12 કલાક, 14 કલાક કામની વાત કરી રહ્યા છે. તેમણે આ વિચાર છોડી દેવો જોઈએ.'
શું છે સમગ્ર ઘટના?
L&Tના ચેરમેન એસએન સુબ્રમણ્યને પોતાની કંપનીના કર્મચારીઓ સાથે એક વીડિયો કોન્ફ્રન્સમાં વાતચીત કરતાં સમયે તેમણે અઠવાડિયામાં 90 કલાક કામ કરવાને લઈને વકાલત કરી હતી. તેમણે કહ્યું કે, 'મને એ વાતનો અફસોસ છે કે હું તમને રવિવારે કામ કરાવી શકતો નથી. જો હું આવું કરાવી શકતો હોત તો મને વધારે ખુશી થશે, કારણ કે હું ખુદ રવિવારે કામ કરુ છું. ઘરે રહીને તમે તમારી પત્નીને કેટલો સમય જોતા રહેશો, ઘરે ઓછો સમય અને ઓફિસમાં વધુ સમય વિતાવો.' આ પ્રકારના નિવેદનથી સોશિયલ મીડિયામાં તેમની ટિકા થઈ.
આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, મોદી-શાહ સહિત કુલ 40 નામ સામેલ
સુબ્રમણ્યને ચીની વ્યક્તિ સાથેની પોતાની વાતચીતને લઈને કહ્યું કે, 'ચીની વ્યક્તિએ દાવો કર્યો હતો કે ચીન, અમરિકાથી પણ આગળ નીકળી શકે છે, પરંતુ ચીની કર્મચારીઓ અઠવાડિયામાં 90 કલાક કામ કરે છે. જ્યારે અમેરિકામાં 50 કલાકનો વર્ક વીક હોય છે.' આ ઉદાહરણ આપતા સુબ્રમણ્યને તેમના કર્મચારીઓને પૂછ્યું કે, તમે દુનિયામાં સૌથી ઉપર રહેવા ઈચ્છો છો તો તમારે દર અઠવાડિયે 90 કલાક કામ કરવું પડે. આગળ વધો દોસ્તો....'