Get The App

ખતમ થઈ જશે 9થી 5ની નોકરીઓ, આવા લોકો સૌથી વધુ કમાશે : LinkedIn ના કૉ-ફાઉન્ડરની ભવિષ્યવાણી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
9 to 5 Jobs End Soon by 2034


9 to 5 Jobs End Soon by 2034 : AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના આગમનને કારણે છેલ્લા થોડા વર્ષોથી દુનિયાભરના વર્ક કલ્ચરમાં ઘણા બધા ફેરફાર થવા લાગ્યા છે. કામને સરળ અને ઝડપી બનાવતા જાતભાતના ટૂલ્સને કારણે અગાઉ જે કામ કરવામાં કલાકો લાગતા હતા એ હવે થોડી મિનિટોમાં થઈ રહ્યું છે. આ સંદર્ભમાં લિંક્ડઇનના સહ-સ્થાપક ‘રીડ હોફમેન’ના એક વિચારે સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે. 

શું કહ્યું રીડ હોફમેને?

ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન નીલ ટાપરિયાએ એમના ‘એક્સ’ પ્રોફાઇલમાં રીડ હોફમેનનો એક વિડિયો શેર કર્યો છે, જેમાં હોફમેન આગાહી કરતા બોલે છે કે, ‘ભવિષ્યમાં કર્મચારીઓ પાસે સ્થિર નોકરી નહીં હોય. કોઈ એક કંપની માટે કામ કરવાનું ચલણ નહીં રહેશે. વર્ષ 2034 સુધીમાં લોકો ફ્રીલાન્સિંગ કરતા હશે અને એકીસમયે એકથી વધુ કંપનીઓ માટે કામ કરતા હશે, જેને લીધે એમની આવક ક્યાંય વધારે હશે. હાલમાં છે એવી નોકરીની સુરક્ષા એમાં નહીં હોય, પણ લોકો એ રીતે જ કામ કરવાનું પસંદ કરશે.’

રીડ હોફમેને કહે છે કે, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત વર્કફોર્સ ખૂબ જ ઝડપથી વર્ક-કલ્ચરમાં પરિવર્તન લાવી રહ્યું છે, જેને પરિણામે વર્ષ 2034 સુધીમાં નવથી પાંચની નોકરી લુપ્તપ્રાય થઈ જશે. AI અને ઓટોમેશનને કારણે દાયકાઓથી વિશ્વભરના સમાજમાં રૂઢ થઈ ગયેલી નવથી પાંચની નોકરી બહુ જલ્દી ભૂતકાળ બની જશે.’ 

ટેકનોલિજિકલ ભવિષ્યવાણી કરવામાં એક્સપર્ટ છે રીડ હોફમેન

આજે સૌને સુલભ એવા ChatGPT જેવા ટૂલ્સ બાબતે હોફમેને સચોટ આગાહી કરી હતી. એમણે છેક 1997 માં કરેલી આગાહી આજે હકીકત બનીને ઊભી છે. એ સમયે ન તો સોશિયલ મીડિયાનું અસ્તિત્વ હતું, ન કોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કલ્પના કરી હતી. એમણે આ મુજબની ભવિષ્યવાણીઓ કરી હતી.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામની ક્રાંતિ થશે, જે વર્ક-કલ્ચરમાં ખૂબ ફેરફાર લાવશે. કર્મચારીઓના કામનો બોજ ઓછો થઈ જશે અને તેઓ વધુ સર્જનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. 

જગત આખું એક દિવસ સોશિયલ મીડિયામાં રમમાણ હશે; લોકોની રહેણીકહેણીમાં સોશિયલ મીડિયાને કારણે ખૂબ પરિવર્તન આવશે. કહેવાની જરૂર ખરી કે તેઓ કેટલી હદે સાચા પડ્યા છે?

શૅરિંગ ઇકોનોમી (sharing economy)ની આગાહી પણ એમણે દાયકાઓ પૂર્વે કરી દીધી હતી. એના સફળ ઉદાહરણઃ Uber, Airbnb. 

AI ને કારણે ઓલરેડી ઘણા ક્ષેત્રે માણસોની કામ કરવાની પદ્ધતિ પ્રભાવિત થઈ રહી છે ત્યારે હોફમેને દેખાડેલું ભવિષ્ય ડરામણું કહી શકાય એવું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતે તાજેતરમાં હોફમેન એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે AI માનવ-સુખાકારી વધારે, પણ માણસનો વિકલ્પ નહીં બની જાય તો સારું. આપણે સૌએ AI નો બુદ્ધિગમ્ય ઉપયોગ કરવો પડશે. 


Google NewsGoogle News