આ વર્ષે દેશમાં કર્મચારીઓને પગારમાં 9.5%નો વધારો થવાની આશા: સર્વે
- ટેક પેકમાં પ્રોડક્ટ કંપનીઓ 9.5%નો વધારો આપી શકે છે જ્યારે સર્વિસમાં 8.2%ના વધારાની આશા
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર
ગત વર્ષના મુકાબલે આ વર્ષે દેશમાં કર્માચારીઓને થોડું ઓછું ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસ કંપની એઓન પીએલસીના સર્વેમાં આ વાત સામે આવી છે. આ વર્ષે કર્મચારીઓના પગારમાં 9.5%નો વધારો થવાની આશા છે. આ વધારો 2023ની રિયલ સેલેરી ઇન્ક્રીમેન્ટ 9.7% કરતા થોડો ઓછો છે.
એઓન પીએલસીના વાર્ષિક સર્વેમાં લગભગ 45 ઉદ્યોગોની 1,414 કંપનીઓના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ દેશનો સૌથી મોટો અને સૌથી વિગતવાર સર્વે હોવાનું કહેવાય છે. સર્વે પ્રમાણે નાણાકીય સંસ્થાઓ, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ અને લાઈફ સાઈન્સમાં સૌથી વધુ પગાર વધારાના ઓફરની શક્યતા છે જ્યારે રિટેલ અને આઈટી સેવાઓ સૌથી ઓછા પગાર વધારાનું અનુમાન છે.
કયા સેક્ટરમાં કેટલા વધારાની અપેક્ષા
ટેક પેકમાં પ્રોડક્ટ કંપનીઓ 9.5%નો વધારો આપી શકે છે જ્યારે સર્વિસમાં 8.2%ના વધારાની આશા છે. સ્ટાર્ટઅપ્સ પણ જૂની IT સર્વિસ કંપનીઓ કરતાં વધુ સારી ચૂકવણી કરી શકે છે. એઓનનું અનુમાન છે કે, તેઓ 2023માં 9%ની તુલનામાં સરેરાશ 8.5% નો વધારો આપશે. બહુરાષ્ટ્રીય કંપનીઓ 9.8% નો પગાર વધારો આપી શકે છે. જો કે, સૌથી વધુ પગાર વધારો નાણાકીય સંસ્થાઓમાં થઈ શકે છે.
સર્વે પ્રમાણે વર્ષ 2022માં ઉચ્ચ પગાર વધારા બાદ ભારતમાં પગાર વધારો એક સિંગલ ડિજિટ એટલે કે 10%થી પણ ઓછા પર સ્થિર છે. બીજી તરફ નોકરી છોડવાનો દર 2022ના 21.4 ટકાથી ઘટીને 2023માં 18.7 ટકા થઈ ગયો છે. ભારતમાં એઓનના ચીફ કોમર્શિયલ ઓફિસર રૂપાંક ચૌધરીએ જણાવ્યું કે, ભારતના સંગઠિત ક્ષેત્રમાં વેતનમાં અંદાજિત વધારો વિકસતા આર્થિક પરિદ્રશ્યની સામે એક વ્યૂહાત્મક સમાયોજનનો સંકેત આપે છે.