બજેટ કેવી રીતે તૈયાર થાય છે અને શું-શું હોય છે તૈયારીઓ? જાણો તેના વિશે તમામ માહિતી

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
બજેટ કેવી રીતે તૈયાર થાય છે અને શું-શું હોય છે તૈયારીઓ? જાણો તેના વિશે તમામ માહિતી 1 - image


Budget 2024: સામાન્ય બજેટ 2024ની અંતિમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી મંગળવારે (16 જુલાઈ) પરંપરાગત હલવા સમારોહની ઉજવણી કરી, જે બજેટની તૈયારીના છેલ્લા તબક્કાની શરૂઆતને ચિહ્નિત કરે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સામાન્ય બજેટ (Union Budget) રજૂ કરશે. આવી સ્થિતિમાં બજેટ વિષે બંધારણ શું કહે છે અને સરકાર તેને રજૂ કરવા માટે શું તૈયારીઓ કરે છે તે જાણીએ.

બજેટ શબ્દની ઉત્પત્તિ?

સૌથી પહેલા તો બજેટ શબ્દની ઉત્પતિ વિષે જાણીએ તો, ફ્રેન્ચ શબ્દ bougette પરથી બજેટ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે છે, તેથી નાણામંત્રી પણ તેમના દસ્તાવેજો ચામડાની થેલીમાં લઈને સંસદ પહોંચે છે. આ શબ્દ બ્રિટનમાં પ્રચલિત હતો અને ત્યારબાદ તે ભારતમાં પ્રચલિત થયો. 

શું છે બજેટ અને બંધારણમાં તેનો ઉલ્લેખ ક્યાં છે?

ભારતીય બંધારણમાં બજેટનો સીધો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ બંધારણની કલમ 112 વાર્ષિક નાણાકીય નિવેદનની ચર્ચા કરે છે. આ કલમ હેઠળ સરકારે દર વર્ષે તેમની આવક અને ખર્ચનો હિસાબ આપવો ફરજીયાત છે. આ ઉપરાંત બજેટ રજૂ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે, પરંતુ તેઓ બજેટ રજૂ કરતા નથી. પરંતુ તેઓ કોઈ મંત્રીને તેમના બદલે બજેટ રજૂ કરવાનું કહી શકે છે. સામાન્ય રીતે બજેટ નાણામંત્રી રજૂ કરતા હોય છે પરંતુ 2019 માં એવું બન્યું હતું કે અરુણ જેટલી બીમાર હોવાથી પીયૂષ ગોયલે નાણામંત્રી ન હોવા છતાં બજેટ રજૂ કર્યું હતું.

આ પણ વાંચો : સરકારની આ પોલિસી લાગુ કરતાં જ અનેક શહેરોમાં સોનાના ભાવ ઘટશે, જાણો કેમ?

ભારતમાં બજેટ કોણ તૈયાર કરે છે?

ભારતમાં બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. તેને બનાવવામાં નાણા મંત્રાલયની સાથે નીતિ આયોગ અને ખર્ચ સંબંધિત મંત્રાલયો સામેલ છે. નાણા મંત્રાલય આ વિવિધ મંત્રાલયોની વિનંતી પર ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. આ પછી, બજેટ બનાવવાનું કામ નાણા મંત્રાલય હેઠળના બજેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શું છે? જાણીએ તેના ત્રણ તબક્કા

પ્રથમ તબક્કો 

બજેટ સેક્શન બધા જ કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ, સ્વાયત્ત સંસ્થા વિભાગો, સશસ્ત્ર દળોને એક પરિપત્ર જાહેર કરે છે. જેમાં તેમને આગામી વર્ષ માટે અંદાજપત્ર તૈયાર કરવાની સૂચના આપવામાં આવે છે. 

બીજો તબક્કો

આર્થિક બાબતોનો વિભાગ અને મહેસુલી વિભાગ આ સમય દરમિયાન ખેડૂતો, વેપારીઓ, અર્થશાસ્ત્રીઓ, નાગરિક સમાજ સંગઠનોનો સંપર્ક કરીને તેમના બજેટ અંગેના વિચારો જાણે છે. આ પ્રક્રિયા બજેટ પહેલા થતી હોય છે, જેથી તેને પ્રી-બજેટ ચર્ચા તરીકે ઓળખવામાં આવે છે. આ ચર્ચા બાદ નાણામંત્રી ટેક્સ અંગે અંતિમ નિર્ણય લે છે. તેમજ બજેટને આખરી ઓપ આપતા પહેલા તે અંગે વડાપ્રધાન સાથે ચર્ચા કરીને તેમને માહિતગાર પણ કરવામાં આવે છે. 

ત્રીજો તબક્કો

છેલ્લા તબક્કામાં નાણા મંત્રાલય બજેટ નક્કી કરતી વખતે સામેલ તમામ વિભાગો પાસેથી આવક અને ખર્ચની રસીદો મેળવે છે.  એકત્રિત કરવામાં આવેલા ડેટા પરથી આગામી વર્ષ માટે અંદાજિત આવક અને ખર્ચનો પ્લાન તૈયાર કરવામાં આવે છે. આ સિવાય સરકાર બજેટને અંતિમ સ્વરૂપ આપવા માટે ફરી એકવાર રાજ્ય, બેંકર્સ, કૃષિ ક્ષેત્રના લોકો, અર્થશાસ્ત્રીઓ અને વેપારી સંગઠનો સાથે બેઠક કરશે. જેમા, આ હિતધારકોને કર મુક્તિ અને નાણાકીય સહાય આપવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવે છે. છેલ્લે નાણા મંત્રાલય સંશોધિત બજેટ અંદાજના આધારે બજેટ ભાષણ તૈયાર કરે છે. 

બજેટ કેવી રીતે તૈયાર થાય છે અને શું-શું હોય છે તૈયારીઓ? જાણો તેના વિશે તમામ માહિતી 2 - image


Google NewsGoogle News