7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબરઃ ટૂંક સમયમાં પગારમાં વધારો થશે
Dearness Allowances For Central Govt Employees: કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સ આતુરતાપૂર્વક મોંઘવારી ભથ્થામાં વધારો થવાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારાની જાહેરાત કરી શકે છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સંશોધન કરે છે. જેની સત્તાવાર જાહેરાત બાદમાં કરે છે.
કેટલું મોંઘવારી ભથ્થુ વધી શકે?
કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે, ત્યારે CPI-IW ના આંકડાઓ મુજબ નિષ્ણાતોએ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાની શક્યતા દર્શાવી છે. સાતમા પગારપંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આ વધારો કરવામાં આવશે, જે જુલાઈ-24થી લાગુ થશે.
આ પણ વાંચોઃ આ સરકારી યોજનામાં રોકાણ નિવૃત્તિ સમયે લાભદાયી સાબિત થશે, જાણો સમગ્ર પ્રક્રિયા
કેટલો પગાર વધશે?
જો સરકાર કર્મચારીઓ માટે મોઁઘવારી ભથ્થામાં વધારો કરે છે, તો ટેક હોમ સેલેરી વધશે. જો કોઈ વ્યક્તિનો બેઝિક પગાર રૂ. 55200 છે, તો 50 ટકા પર મોંઘવારી ભથ્થુ 27600 છે, જે 3 ટકા વધતાં 53 ટકા અર્થાત રૂ. 29256 થશે. કર્મચારીઓના પગારમાં દરમહિને રૂ. 1656નો વધારો થશે.
1 કરોડ કર્મચારીઓને લાભ મળશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓને બેઝિક પગારના 50 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. જ્યારે પેન્શનર્સને મૂળ પેન્શનના 50 ટકા મોંઘવારી રાહત મળે છે. અગાઉ 7 માર્ચ, 2024માં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાથી અંદાજે 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે. જેની ગણતરી ફુગાવાના ધોરણે થાય છે. શ્રમ મંત્રાલય દ્વારા જારી સીપીઆઈ-આઈડબ્લ્યુના આંકડાઓ પરથી મોંઘવારી ભથ્થુ નક્કી કરવામાં આવે છે.