સોનામાં રૂ.700નો તથા ચાંદીમાં રૂ.1500નો કડાકો : ડોલર ઉછળતાં રૂપિયો નવા તળીયે ઉતર્યો
અમેરિકામાં જોબગ્રોથના આંકડા અપેક્ષાથી સારા આવતાં
વિશ્વબજારમાં ડોલર વધતાં સોનામાં ફંડોનું સેલીંગ વધતાં ભાવ નીચામાં ૨૦૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના નિર્દેશો
મુંબઈ: મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ તીવ્ર કડાકો બોલાઈ ગયો હતો જ્યારે કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી વધી જતાં રૂપિયો નવા નીચા તળીયે ઉતરી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. સોના- ચાંદીના ભાવ વિશ્વબજારમાં સપ્તાહના અંત ભાગમાં ઝડપી ગબડયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૦૨૯થી ૨૦૩૦ વાળા તૂટી નીચામાં ભાવ ૧૯૯૪થી ૧૯૯૫ થઈ છેલ્લે ભાવ ૨૦૦૪થી ૨૦૦૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
અમેરિકામાં નવેમ્બરના જોબગ્રોથના આંકડા અપેક્ષા કરતાં નોંધપાત્ર સારા આવતાં તથા ત્યાં બેરોજગારીનો દર પણ ઘટતાં ત્યાં હવે પછી ફુગાવો ફરી વધવાની તથા વ્યાજના દર ફરી ઉંચા જવાની શક્યતા વિશ્વબજારમાં ચર્ચાતી થઈ હતી અને તેના પગલે વૈશ્વિક સ્તરે ડોલરના ભાવ ઉંચા જતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૨૩.૭૮થી ૨૩.૭૯ વાળા નીચામાં ૨૨.૯૪થી ૨૨.૯૫ થઈ છેલ્લે ભાવ ૨૩.૦૦થી ૨૩.૦૧ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર ગબડતાં ઘરઆંગણે ઝવેરીબજારોમાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચા ઉતરતાં સોના- ચાંદીના ભાવ ગબડતા જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૭૦૦ તૂટી રૂ.૬૪ હજારની અંદર ઉતરી ૯૯.૫૦ના ભાવ રૂ.૬૩૬૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૩૮૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ ગબડી રૂ.૭૩૦૦૦ના મથાળે ઉતરી ગયા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૩૮ વાળા ઉછળી રૂ.૮૩.૪૮થી ૮૩.૪૯ બોલાતા થયા રૂપિયાના ભાવ ઓફફશોર બજારમાં નવા નીચા તળીયે ઉતરી ગયા હતા તથા સોમવારે કરન્સી બજારમાં સત્તાવાર સોદામાં રૂપિયાના ભાવમાં મોટો કડાકો બોલાશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં નવેમ્બરના જોબગ્રોથના આંકડા ૧ લાખ ૯૯ હજાર આવ્યા છે જેની અપેક્ષા ૧ લાખ ૮૦ હજારની હતી. ત્યાં ઓક્ટોબરના આવા આંકડા ૧ લાખ ૫૦ હજાર આવ્યા હતા તથા સપ્ટેમ્બરના આંકડા રિવાઈઝ કરાતાં ૨ લાખ ૬૨ હજાર આવ્યા હતા. ત્યાં બેરોજગારીનો દર ઘટી ૩.૭૦ ટકા આવ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ સપ્તાહના અંતે ૦.૮૭ ટકા વધ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૨૫થી ૯૨૬ વાળા નીચામાં ૯૦૭થી ૯૦૮ થઈ ૯૨૦થી ૯૨૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૯૭૨થી ૯૭૩ વાળા નીચામાં ૯૪૪થી ૯૪૫ થઈ છેલ્લે ભાવ ૯૪૬થી ૯૪૭ ડોલર રહ્યા હતા. ચીનમાં ફુગાવો ૦.૫૦ ટકા ઘટતાં ત્યાં હવે ઈનફલેશનના બદલે ડિફલેશનની ભિતી સર્જાઈ હતી. ત્યાં ફુગાવો ઝડપી ઘટતાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૫.૪૧ વાળા ઉંચામાં ૭૬.૩૬ થઈ ૭૫.૮૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રુડના ભાવ ૭૦.૬૨ વાળા ઉંચામાં ૭૧.૬૩ થઈ ૭૧.૨૩ ડોલર રહ્યા હતા. રશિયા તથા સાઉદી અરેબીયાએ ક્રૂડના ઉત્પાદનમાં વધુ ઘટાડો કરવાના સંકેતો આવ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૨૧૬૬ વાળા રૂ.૬૧૫૭૫ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૨૪૧૪ વાળા રૂ.૬૧૫૭૫ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૩૭૧૧ વાળા રૂ.૭૧૭૦૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.