ઝડપની મજા મોતની સજા : ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કરનારા 10માંથી 7ને ખોટ, યુવાનો ખાસ વાંચે આ રિપોર્ટ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
ઝડપની મજા મોતની સજા : ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કરનારા 10માંથી 7ને ખોટ, યુવાનો ખાસ વાંચે આ રિપોર્ટ 1 - image


Stock Market News |  કોરોના મહામારી સમયથી વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આવેલી જોરદાર તેજીના કારણે રિટેલ કે વ્યક્તિગત રોકાણકારોનું પ્રમાણ બજારમાં સતત વધી રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસાર ભારતીય બજારમાં લગભગ ૯.૫ કરોડ રિટેલ રોકાણકારો નોંધાયેલા છે જે દેશના શેરબજારની ૨૫૦૦ લીસ્ટેડ કંપનીઓના ૧૦ ટકા કે રૂ.૩૬ લાખ કરોડના માલિક છે. રોકાણકારોની સામે જોકે, ઝડપથી નફો કમાવી લેવાની ઘેલછા ધરાવતા ઇન્ટ્રા-ડે (ટ્રેડીંગના દિવસે જ સોદાની પતાવટ કરવી) લોકોની સંખ્યા પણ વધી રહી છે. સેબીએ બુધવારે જાહેર કરેલા એક અભ્યાસ અનુસાર દેશમાં રિટેલ ઇન્ટ્રા-ડે ટ્રેડરનું પ્રમાણ ૩૦૦ ટકા વધ્યું છે અને તેમાં દર ૧૦માંથી ૭ વ્યક્તિઓ નુકસાન કરે છે. બીજું, ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ઇન્ટ્રા -ડે ટ્રેડરનું પમાણ પણ સતત વધી રહ્યું છે. 

કેશ સેગ્મેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડીંગ અંગે સેબીએ ૨૦૧૮-૧૯, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના ત્રણ વર્ષના આંકડા એકત્ર કરી અભ્યાસ કર્યો છે. સેબીએ દેશના ટોચના ૧૦ બ્રોકર પાસેથી એકત્ર કરેલા આંકડા અનુસાર ૨૦૧૮-૧૯માં દેશના શેરબજારમાં કુલ ૪૬.૬ લાખ રિટેલ ગ્રાહકો કેશ સેગ્મેન્ટમાં નોંધાયેલા હતા જે ૨૦૨૨-૨૩માં વધી ૨.૧૮ કરોડ થઇ ગયા છે. આ રોકાણકારોમાં ઇન્ટ્રા-ડે ટ્રેડીંગ કરતા લોકોનું પ્રમાણ ૨૦૧૮-૧૯માં ૩૨ ટકા કે ૧૪.૯ લાખ હતું જે હવે વધી ૬૮.૯ લાખ કે ૩૬ ટકા થયું છે. એટલે કે દર ત્રણ વ્યક્તિ કેશ સેગ્મેન્ટમાં ટ્રેડીંગ કરે છે તેમાંથી એક ઇન્ટ્રા-ડે ટ્રેડર છે અને બીજું ઇન્ટર-ડે ટ્રેડીંગ કરનાર લોકોની સંખ્યા પાંચ ગણી વધી છે. 

સેબી અનુસાર ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ઇન્ટ્રા-ડે ટ્રેડર ૨૦૧૮-૧૯માં ૧૮ ટકા હતા જે હવે ત્રણ ગણા વધી ૪૮ ટકા થઇ ગયા છે. બીજું, આ યુવાન ઇન્ટ્રા-ડે ટ્રેડરમાંથી ૮૧ ટકાને નુકસાની ભોગવવાનો વારો આવે છે. સેબી નોંધે છે કે વધારે ઇન્ટ્રા-ડે ટ્રેડીંગ કરનારા ૪૦ વર્ષથી નીચેની ઉંમરના છે, તેમની ખોટ કરવાનું પ્રમાણ વધારે છે અને ખોટ કરનાર ટ્રેડર હાર્યો જુગારી બમણું રમે એમ સરેરાશ સોદા અને ટર્નઓવર પણ વધારે ધરાવે છે.

સેબીના અભ્યાસના આંકડાઓ દરેક રીતે ચોંકાવનારા છે. સેબી જણાવે છે કે ઇન્ટ્રા-ડે ટ્રેડીંગ કરનારા લોકોની સંખ્યા સાથે તેમાં ખોટ કરતા કે નાણા ગુમાવતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૫ ટકા ઇન્ટ્રા-ડે ટ્રેડર ખોટ કરી રહ્યા હતા જે ૨૦૨૧-૨૨માં વધી ૬૯ ટકા અને ૨૦૨૨-૨૩માં વધી ૭૧ ટકા થઇ ગઈ છે. બીજું, ઇન્ટ્રા-ડેમાં જેટલું ટર્નઓવર વધારે એટલું નુકસાન કરવાની શક્યતા પણ વધારે જોવા મળી છે. જે લોકો ઇન્ટ્રા-ડેમાં સૌથી વધારે સોદા કરે છે તેમાંથી ૮૦ ટકા લોકોએ ખોટ સહન કરવી પડી છે. ટ્રેડીંગ કરનાર વ્યક્તિની ઉંમર જેટલી ઓછી એટલી તેની ખોટ કરવાની શક્યતા પણ વધારે જોવા મળી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૫૩ ટકા લોકોએ ખોટ કરી હતી જ્યારે ઇન્ટ્રા-ડે ટ્રેડીંગ કરતા ૨૦ વર્ષથી ઓછી ઉંમરના ૮૧ ટકા લોકોએ ખોટ કરી હતી. 

સેબીના તારણ અનુસાર વર્ષે ૧ કરોડથી વધારે સોદા કરતા હોય તેવા ૭૬ ટકા ઇન્ટ્રા-ડે ટ્રેડર ખોટ નોંધાવે છે અને ૨૦૨૨-૨૩માં તેમની સરેરાશ ખોટ રૂ.૩૪,૯૭૭ થઇ છે. 

જાન્યુઆરી ૨૦૨૩માં સેબીએ ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડીંગ કરતા ૧૦માંથી નવ રિટેલ રોકાણકારો નુકસાન કરતા હોવાનો અહેવાલ પણ આપ્યો હતો. આ બન્ને અહેવાલ સૂચવે છે કે ટ્રેડીંગ કે ફટાફટ નાણા કમાઈ લેવાની ઘેલછા બહુ જ જોખમી છે અને તેમાં નુકસાનીનું પ્રમાણ વધારે છે. સોમવારે સંસદમાં રજૂ થયેલા ઇકોનોમિક સર્વેમાં પણ શેરબજારમાં રિટેલ રોકાણકારોના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

ત્રણ વર્ષથી ઇન્ટ્રા-ડે કર્યા પછી પણ નુકસાન

આ અભ્યાસ જણાવે છે કે સતત ત્રણ વર્ષથી માત્ર ઇન્ટ્રા-ડે કરી રહ્યા હોવા છતાં, નુકસાન સહન કરી રહ્યા હોવા છતાં અનુભવથી કોઈ બોધપાઠ લેવામાં આવી રહ્યો નથી. ત્રણ વર્ષથી સતત ટ્રેડીંગ કર્યા પછી પણ ૨૦૨૨-૨૩માં ૫૪ ટકા ઇન્ટ્રા-ડે ટ્રેડીંગ કરી તેમણે નુકસાન કર્યું હતું. આવા અનુભવી ટ્રેડર ૩૦ થી ૪૦ વર્ષની ઉંમર ધરાવે છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ માટે લાલબત્તી સમાન તારણો

વાર્ષિક ધોરણે રૂપિયા એક કરોડથી વધારે ઇન્ટ્રા-ડે ટ્રેડીંગ કરતા લોકોમાંથી ૭૬ ટકા વ્યક્તિગત ટ્રેડરે ખોટ સહન કરી છે.  વર્ષે રૂપિયા એક કરોડથી વધારે ઇન્ટ્રા-ડે ટ્રેડીંગ કરતા લોકોએ સરેરાશ રૂ.૩૪,૯૭૭ કરોડની ખોટ કરી છે. આવા ટ્રેડર વર્ષે સરેરાશ ૭૪૨ વખત સોદા કરે છે.

જે લોકોએ સરેરાશ ૫૦૦ થી વધારે સોદા કર્યા છે તેમણે સરેરાશ રૂ.૬૧,૩૯૪ની ખોટ નોંધાવી છે.

જેમણે વર્ષે રૂપિયા એક કરોડથી વધારેના મૂલ્યના સોદા અને ૫૦૦થી વધારે ટ્રેડ કર્યા છે તેમની સરેરાશ ખોટ રૂ.૭૫,૪૪૩ જોવા મળી છે.

વર્ષે એક કરોડથી વધારાનું ઇન્ટ્રા-ડે ટ્રેડીંગ કરનારા ૭૬ ટકા લોકો ખોટ કરે છે.


Google NewsGoogle News