અમેરિકામાં ભારતીયોનો દબદબો વધ્યો, 2022માં 66000ને મળી નાગરિકતા, મેક્સિકો આ યાદીમાં ટોચે
Image: FreePik |
US Citizenship: અમેરિકાએ 65960 ભારતીયોને 2022માં નાગરિકતા (સિટિઝનશીપ) આપી છે. આ સાથે 2022માં સિટિઝનશીપ મેળવનાર લોકોમાં ભારતીયો બીજા ક્રમે રહ્યા છે. 2022માં મેક્સિકોના સૌથી વધુ 128878 લોકોને અમેરિકાએ સીટીઝનશીપ ફાળવી હતી.
અમેરિકાના તાજેતરના સંસદીય રિપોર્ટમાં જારી આંકડાઓ અનુસાર, અમેરિકામાં 2022 સુધીમાં કુલ 4.60 કરોડ વિદેશી મૂળના નાગરિકો વસવાટ કરી રહ્યા છે. જે અમેરિકાની કુલ 33.30 કરોડની વસ્તીમાં 14 ટકા હિસ્સો ધરાવે છે.
9.69 લાખ લોકોને નાગરિકતા મળી
અમેરિકાના સીઆરએસ રિપોર્ટ અનુસાર, 2022માં અમેરિકાએ કુલ 9,69,380 લોકોને નાગરિકતા આપી છે. જેમાં મેક્સિકોના લોકોની સંખ્યા સૌથી વધુ છે. બાદમાં ભારતીયો, ફિલિપિન્સના 53413, ક્યુબાના 46913, ડોમિનિકનના 34,525, વિયતનામના 33246 અને ચીનના 27038 લોકોને અમેરિકાએ નાગરિકત્વ આપ્યું છે.
અમેરિકામાં 28.31 લાખ ભારતીયો
અમેરિકામાં 2023 સુધી વસતા વિદેશી મૂળ નાગરિકોમાંથી 2831330 લોકો ભારતીય છે. જ્યારે ચીનમાંથી 22,25447 લોકો અમેરિકામાં વસે છે. અમેરિકામાં સૌથી વધુ મેક્સિન લોકો (10638429) વસવાટ કરે છે. અમેરિકામાં વસતા 42 ટકા ભારતીયો હજી અમેરિકાની નાગરિકતા મેળવવા માટે અયોગ્ય છે. 2023માં ભારતમાં જન્મેલા 2.90 લાખ ભારતીયો અમેરિકામાં ગ્રીન કાર્ડ પર છે.
કેવી રીતે અમેરિકાની સિટીઝનશીપ મળે છે
અમેરિકામાં નાગરિકત્વ મેળવવુ ઘણા ઈમિગ્રન્ટ્સનું સ્વપ્ન છે. અમેરિકાની સિટીઝનશીપ લેવા માટે ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA) અંતર્ગત અમુક ચોક્કસ માપદંડો અને ધારાધોરણોને અનુસાર લાયકાત હોવી જરૂરી છે. જેમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી પરમિનન્ટ રેસિડન્ટ (ગ્રીન કાર્ડ હોલ્ડર) હોવા જરૂરી છે. 18 વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા લોકો આ નાગિરકતા મેળવી શકે છે. અમેરિકામાં જન્મેલા વિદેશી નાગરિકોના બાળકો 18 વર્ષ બાદ અમેરિકાની નાગરિકતા માટે અરજી કરી શકે છે.