Get The App

ભારતીય મૂળના કેવન પારેખ એપલના નવા CFO, જાણો કોણ છે ટેક્નોલોજીની દુનિયાની આ હસ્તી

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
Kevan Parekh


Kevan Parekh CFO On Apple: ભારતીય મૂળના અમેરિકન કેવન પારેખે વિશ્વની સૌથી મૂલ્યવાન ટેક્નોલોજી કંપની એપલના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકેનો હોદ્દો પહેલી જાન્યુઆરીએ સંભાળી લીધો છે. અત્યાર સુધી ગુજરાતી મૂળના 52 વર્ષીય કેવન પારેખ ફાઈનાન્સિયલ પ્લાનિંગ અને એનાલિસિસના વાઈસ પ્રેસિડન્ટ તરીકે જવાબદારી નિભાવતા હતા.

એપલે ઓગસ્ટ 2024માં જ જાહેરાત કરી હતી કે, પહેલી જાન્યુઆરીથી એપલના સીએફઓની જવાબદારી કેવન પારેખ સંભાળશે. એપલે ઘણી બધી પ્રોડક્ટ્સ લૉન્ચ કરતા પહેલા કંપનીમાં એ ફેરફાર કર્યો હતો, જેથી દુનિયાભરમાં કેવન પારેખના નામની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

કેવન પારેખ મૂળ ભારતીય હોવાથી અનેક લોકોને સવાલ થાય છે કે, આખરે આ હસ્તી છે કોણ? તો ચાલો જાણીએ તેમના વિશે. 

કોણ છે કેવન પારેખ?

કેવન પારેખ મૂળ ભારતીય અમેરિકન છે. તેમણે વર્ષ 2013માં એપલ કંપની જોઈન કરી હતી. ત્યારથી તેઓ એપલમાં અનેક ઉચ્ચ હોદ્દે કામ કરી ચૂક્યા છે. હમણા સુધી તેઓ એપલમાં ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને એનાલિસિસ, ઇન્વેસ્ટર રિલેશન્સ અને માર્કેટ રિસર્ચ ટીમને લીડ કરતા હતા. આ સિવાય એપલમાં જ તેઓ વર્લ્ડવાઇડ સેલ્સ, રિટેલ અને માર્કેટિંગ ફાઇનાન્સનો પણ અનુભવ લઈ ચૂક્યા છે. એપલના પ્રોડક્ટ માર્કેટિંગ, ઇન્ટરનેટ સેલ્સ એન્ડ સર્વિસ અને એન્જિયરિંગ ટીમ ફાઇનાન્સિયલ સપોર્ટ દ્વારા તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી.

એપલ પહેલાં ક્યાં કામ કર્યું હતું?

એપલ કંપની જોઈન કરતા પહેલા કેવન પારેખ થોમસોન રોઇટર્સ અને જનરલ મોટર્સમાં સિનિયર લીડરશિપનો રોલમાં હતા. કોલેજ અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે ન્યૂ યોર્કની જનરલ મોટર્સની બ્રાન્ચમાં બિઝનેસ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર તરીકે ફરજ નિભાવી હતી. વર્ષ 2009માં તેઓ થોમસોન રોઇટર્સમાં ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે જોડાયા. આ જ કંપનીમાં તેમને કોર્પોરેટ ટ્રેઝરર તરીકે પ્રમોશન મળ્યું હતું. આ દરમિયાન વર્ષ 2013માં તેમણે એપલ જોઈન કરી હતી.

કેવન પારેખનો શૈક્ષણિક અભ્યાસ  

અમેરિકામાં હાઇસ્કૂલ અભ્યાસ પૂરો કર્યા પછી કેવન પારેખે મિશિગન યુનિવર્સિટી જોઈન કરી હતી. વર્ષ 1994માં તેમણે ઇલેક્ટ્રિક એન્જિયરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. આ દરમિયાન તેમણે અનેક પ્રોજેક્ટ પર કામ કરીને પ્રેક્ટિકલ નોલેજ પણ હાંસલ કર્યું. વર્ષ 2000માં કેવન પારેખે યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી હતી.

 

ભારતીય મૂળના કેવન પારેખ એપલના નવા CFO, જાણો કોણ છે ટેક્નોલોજીની દુનિયાની આ હસ્તી 2 - image


Google NewsGoogle News