દેશના જીડીપીના 33 ટકા જેટલી સંપત્તિ ફક્ત 185 લોકો પાસે

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
દેશના જીડીપીના 33 ટકા જેટલી સંપત્તિ ફક્ત 185 લોકો પાસે 1 - image


- વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ ધનિકોની સંપત્તિ વધી

- અબજોપતિઓની સરેરાશ સંપત્તિ 2022માં 46,729 કરોડ રૂપિયા, 2024માં વધીને રૂ. 53,978 કરોડ થઈ

અમદાવાદ : ભારત અર્થતંત્રના વિકાસમાં અને વૈશ્વિક સંપત્તિ સર્જનમાં હરણફાળ ગતિ ભરી રહ્યું છે. જોકે ભારતમાં આવકની અસમતુલાનો મુદ્દો વારંવાર ચર્ચાનો વિષય બની રહ્યો છે. દેશનો ગરીબ વર્ગ વધુ ગરીબ અને નિ:સહાય બની રહ્યો છે તો બીજી તરફ દેશના ધનકુબેરોની સંપત્તિમાં ઉત્તરોતર ઝડપી વધારો થઈ રહ્યો છે. દેશના ધનકુબેરોની ભાગીદારી દેશના અર્થતંત્રમાં વધતી જ જઈ રહી છે.

ફોર્ચ્યુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર ભારતના સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિ ૧ લાખ કરોડ ડોલરને વટાવી ગઈ છે. બિલિયોનર્સની કુલ સંપત્તિ ૧.૧૯ લાખ કરોડ ડોલર અર્થાત અંદાજિત રૂ. ૯૯.૮૬ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ યાદીમાં ૧૮૫ લોકોને 'ડોલર બિલિયોનેર'નો દરજ્જો આપવામાં આવ્યો છે એટલેકે તેમની પાસે ઓછામાં ઓછી ૧ બિલિયન ડોલરની સંપત્તિ છે.

ફોર્ચ્યુન ઈન્ડિયા વોટરફિલ્ડ એડવાઈઝર્સ ૨૦૨૪ રેન્કિંગ અનુસાર, ભારતના અબજોપતિઓની કુલ સંપત્તિ વર્ષ ૨૦૨૨ના ૮૩૨ અબજ ડોલરથી ૫૦ ટકા વધી ગઈ છે. ૨૦૨૨માં ભારતમાં ડોલર અબજોપતિઓની સંખ્યા ૧૪૨ હતી. 'વૈશ્વિક આર્થિક પડકારો અને ડોલર સામે રૂપિયામાં ૫ ટકાના ઘટાડા છતાં ભારતીય ધનકુબેરોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતના ડોલર અબજોપતિઓની કુલ સંપત્તિ હવે ભારતના નોમિનલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ૩૩.૮૧ ટકા જેટલી થઈ ગઈ છે,' તેમ અહેવાલમાં ઉમેર્યું હતુ.

ફોર્ચ્યુન ઈન્ડિયાએ જણાવ્યું કે રિલાયન્સ ગુ્રપના ચેરમેન મુકેશ અંબાણી ૧૦.૫ લાખ કરોડની સંપત્તિ સાથે આ યાદીમાં ટોચ પર છે. બીજા ક્રમે અદાણી ગુ્રપના ચેરમેન ગૌતમ અદાણી છે. અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા આક્ષેપોને કારણે ઉભા થયેલા પડકારો છતાં આ સમયગાળા દરમિયાન અદાણીની સંપત્તિ લગભગ બમણી થઈને રૂ. ૧૦.૪ લાખ કરોડ થઈ ગઈ છે.અંબાણી અને અદાણી ઉપરાંત મિસ્ત્રી પરિવાર, શિવ નાદર, રાધાકિશન દામાણી, સુનીલ મિત્તલ અને અઝીમ પ્રેમજી ટોચના ૧૦ ડોલર અબજોપતિઓની યાદીમાં સામેલ છે.  ડોલર અબજોપતિઓની સંપત્તિ વધારવામાં શેરબજારે મહત્વની ભૂમિકા ભજવી છે.  નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩થી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન બેંચમાર્ક સૂચકાંકો વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયા છે અને ૧૫.૯૪ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરથી વધ્યા છે. અબજોપતિઓની સરેરાશ સંપત્તિ વર્ષ ૨૦૨૨માં ૪૬,૭૨૯ કરોડ રૂપિયા હતી.

જે વર્ષ ૨૦૨૪માં વધીને ૫૩,૯૭૮ કરોડ રૂપિયા થઈ ગઈ છે.


Google NewsGoogle News