સામાન્ય પ્રજાને એકસાથે 3 ઝટકા! જૂની પેન્શન સ્કીમ, ઈન્કમ ટેક્સ અને સોના અંગે 3 માઠાં સમાચાર
3 Big Shocks To The General Public: કેન્દ્ર સરકારે પ્રજાને એકસાથે 3 ઝટકા આપ્યા છે. એક તરફ કેન્દ્ર સરકારે સામાન્ય બજેટમાં આ વર્ષે એટલે કે વર્ષ 2024-25માં 38% ઓછા સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ સરકારનો જૂની પેન્શન સ્કીમ પાછી લાવવાનો કોઈ ઈરાદો નથી. આ સાથે જ સરકાર રોકાણ પર છૂટ અને અનેક પ્રકારની ડિડક્શન વાળી ઈન્કમ ટેક્સની જૂની સિસ્ટમને ધીમે ધીમે સમાપ્ત કરવાની પણ તૈયારી કરી રહી છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2024-25 માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) જારી કરવાના લક્ષ્યાંકમાં 38%નો ઘટાડો કર્યો છે. સરકારે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા વચગાળાના બજેટમાં રૂ. 29,638 કરોડના SGBને જારી કરવાની જાહેરાત કરી હતી પરંતુ સંપૂર્ણ બજેટમાં સરકારે આ લક્ષ્યાંકને ઘટાડીને 18,500 કરોડ રૂપિયા કરી દીધા છે. રિડેમ્પશન બાદ વર્ષ 2024-25માં માત્ર 15,000 કરોડના સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવશે, જ્યારે 2023-24માં કુલ 26,852 કરોડ રૂપિયાના ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવ્યા હતા અને રિડેમ્પશન બાદ આ આંકડો 25,352 કરોડ રૂપિયા રહ્યો હતો.
આટલા ગોલ્ડ બોન્ડ થયા જારી
2022-23 6,551
2023-24 26,852
2024-25* 29,638
2024-25** 18,500
જૂની પેન્શન વ્યવસ્થા શક્ય નથી
નાણા સચિવ ટીવી સોમનાથને એ લાખો કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે, જેઓ જૂની પેન્શન વ્યવસ્થાની આશા રાખીને બેઠા હતા. ટીવી સોમનાથને કહ્યું કે, ઓપીએસ હવે નાણાકીય રૂપે શક્ય નથી અને પાછી લાવવી દેશમા એ નાગરિકો માટે નુકસાનકારક થશે જેઓ સરકારી નોકરીમાં નથી. તેમણે કહ્યું કે, નવી પેન્શન વ્યવસ્થા અંગે સાર્થક વાતચીત થઈ છે પરંતુ કામ હજું પૂર્ણ નથી થયું. તેમણે કહ્યું કે, NPS અંગે કર્મચારીઓનું કહેવું છે કે, આ શેર બજાર સાથે સબંધિત છે, અમને પેન્શનમાં ઉતાર-ચઢાવ ન જોઈએ. એ સ્પષ્ટ કરો કે કેટલું પેન્શન મળશે. જો કોઈએ પૂરી નોકરી કરી એટલે કે, 30 વર્ષ સુધી કામ નથી કર્યું તો તેના માટે અમુક લઘુત્તમ પેન્શન નક્કી કરવું જોઈએ.
બંધ થઈ શકે છે જૂની આવકવેરા વ્યવસ્થા
બીજી તરફ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના ચેરમેન રવિ અગ્રવાલે જણાવ્યું કે એકવાર પર્યાપ્ત સંખ્યામાં કરદાતાઓ નવી આવકવેરા વ્યવસ્થાને સ્વીકારી લે તો જૂની આવકવેરા વ્યવસ્થાને બંધ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, લોકો નવી ટેક્સ સિસ્ટમને પસંદ કરી રહ્યા છે, તેઓને તે ફાયદાકારક લાગી રહી છે. તેને વ્યક્તિગત કરદાતાઓમાં 66% અપનાવી ચૂક્યા છે. લોકોને નવી ટેક્સ વ્યવસ્થામાં ફાયદો નજર આવી રહ્યો છે. તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન, NPS અને બીજા ઘણા ફાયદાઓ વધારવામાં આવ્યા છે. સમય જતાં ક્યારેક નવી ટેક્સ વ્યવસ્થામાં પર્યાપ્ત સંખ્યા થઈ શકે ત્યારે અમે જોઈશું કે, જૂની વ્યવસ્થાનું વાસ્તવિક રીતે કેવી રીતે ધ્યાન રાખી શકાય.