શેરબજારમાં 2મી યુવા પેઢી બરબાદ થઇ રહી છે : સેબી
- છેલ્લા ત્રણ વર્ષમાં વાયદાના જુગારમાં 1.32 કરોડ ટ્રેડર્સે રૂ. 1.80 લાખ કરોડ ગુમાવ્યા
- વ્યક્તિગત ટ્રેડરોના ભોગે શેર દલાલો અને એક્સચેન્જો કરોડો કમાણી કરી રહ્યા છે : 75 ટકા ટ્રેડરોને એફ એન્ડ ઓની લત્ત લાગી ગઈ છે
મુંબઈ : નિફટી ૫૦ ઈન્ડેક્સ ૨૬૦૦૦ની ઊંચાઈ અને સેન્સેક્સ ૮૫૦૦૦ની સપાટી પાર કરવાની તૈયારીમાં છે, શેરોમાં બેફામ વિક્રમી તેજી થઈ રહી છે. આ વિક્રમી તેજીના ઉન્માદમાં દેશના કરોડો લોકો રાતોરાત કરોડપતિ બનવાની લાલસામાં શેર બજારમાં પોતાની મહામૂલી મૂડી દાવ પર લગાવતાં થયા છે, પરંતુ આ તેજીના ઉન્માદમાં જાણે કે શેર બજાર કેસીનો-જુગારખાનું બની ગયું હોય એમ કરોડો લોકો ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં ટ્રેડીંગ કરીને સતત ખુવાર થઈ રહ્યા છે. માત્ર બ્રોકરો કરોડોની દલાલીની આવક કરી રહ્યા છે અને એક્સચેન્જો-શેરબજારો ફી પેટે કરોડોની કમાણી કરી રહ્યા છે, જ્યારે વ્યક્તિગત ટ્રેડરો સતત ખોટના ખાડાંમાં ખૂંપતા રહી બરબાદ થઈ રહ્યા હોવાની ચોંકાવનારી અને ચિંતાજનક બાબતો મૂડી બજાર નિયમનકારી સંસ્થા સેબીના નવા અભ્યાસમાં બહાર આવી છે.
મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ અવારનવાર શેર બજારો તરફ વળેલા અને રાતોરાત લખલૂંટ કમાઈ લેવાની લાલચમાં ઝુંકાવનારી યુવા પેઢીને ચેતવ્યા છતાં અને લાખના બાર હજાર થયા છતાં બોધપાઠ નહીં લેતી આ પેઢીને જાણે કે આ એફ એન્ડ ઓ કેસીનોની લત લાગી ગઈ હોય એવા ચોંકાવનારા આંકડા સેબીના અભ્યાસમાં બહાર આવ્યા છે. ઈક્વિટી એફ એન્ડ ઓમાં નાણા વર્ષ ૨૦૨૨ થી નાણા વર્ષ ૨૦૨૪ દરમિયાન ૯૩ ટકા વ્યક્તિગત ટ્રેડરો એટલે કે ૧.૧૩ કરોડ ટ્રેડરોએ જંગી નુકશાની કરી છે. જેનો આંક છેલ્લા ત્રણ વર્ષમાં વધીને અધધ... રૂ.૧.૮ લાખ કરોડ પહોંચ્યો છે. ચોંકાવનારી અને ચિંતાજનક બાબત તો એ છે કે, એફ એન્ડ ઓના કેસીનોમાં છેલ્લા ત્રણ વર્ષથી ટ્રેડીંગ કરીને નુકશાની કરનારા કુલ ટ્રેડરો પૈકી ૭૫ ટકાથી વધુ ટ્રેડરોએ એફ એન્ડ ઓમાં ટ્રેડીંગ કરવાનું સતત ચાલુ રાખ્યું છે. એટલે કે હાર્યો જુગારી બમણું રમે અને ખુવાર થતો રહે એવી ચિંતાજનક સ્થિતિ જોવાઈ રહી છે. યુવા પેઢી અહીં સતત બરબાદ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સેબીએ જાન્યુઆરી ૨૦૨૩માં પ્રકાશિત કરેલા રિપોર્ટમાં નાણાકીય વર્ષ ૨૦૨૨માં ઈક્વિટી એફ એન્ડ ઓ ટ્રેડીંગમાં ૮૯ ટકા વ્યક્તિગત ટ્રેડરોએ નુકશાની કર્યાનું અભ્યાસમાં જણાયું હતું. ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટીવ્ઝ માર્કેટોમાં વ્યક્તિગત રોકાણકારોનો ધસારો સતત વધતો જોવાઈ રહ્યો હોવાનું જોવાયું છે. આ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૨થી નાણા વર્ષ ૨૦૨૪ના ત્રણ વર્ષ દરમિયાન વ્યક્તિગત ટ્રેડરોને નફા અને નુકશાનની પેટર્ન પર સેબી દ્વારા વર્તમાન અભ્યાસ હાથ ધરાયો હતો. જે અભ્યાસમાં નાણા વર્ષ ૨૦૨૪માં એફ એન્ડ ઓમાં તમામ કેટેગરીના રોકાણકારોને આવરી લેવાયા હતા.
વ્યક્તિગત ટ્રેડરોથી વિપરીત નાણાકીય વર્ષ ૨૦૨૪માં સોદા ખર્ચા બાદ કરતાં પ્રોપરાઈટરી ટ્રેડરોએ રૂ.૩૩,૦૦૦ કરોડનો નફો અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)એ રૂ.૨૮,૦૦૦ કરોડનો નફો કર્યો છે. જ્યારે વ્યક્તિગત અને અન્યોએ આ નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૬૧,૦૦૦ કરોડની જંગી નુકશાની કરી છે. એટલે કે મોટા એકમો, સંસ્થાઓએ અલ્ગો ટ્રેડીંગનો ઉપયોગ કરીને નફો કર્યો છે, જેમાં ૯૭ ટકા એફપીઆઈઝે નફો કર્યો છે અને ૯૬ ટકા પ્રોપરાઈટરી ટ્રેડરોએ પણ અલ્ગો ટ્રેડીંગ મેકેનીઝમનો ઉપયોગ કરીને નફો કર્યો છે.
આ અભ્યાસ મુજબ વ્યક્તિગત ટ્રેડરોને સોદા ખર્ચ નાણાકીય વર્ષ ૨૦૨૪માં એફ એન્ડ ઓમાં દરેક વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.૨૬,૦૦૦ થયો છે. નાણા વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ દરમિયાન ત્રણ વર્ષમાં વ્યક્તિગત ટ્રેડરોએ સોદા ખર્ચ કુલ મળીને રૂ.૫૦,૦૦૦ કરોડ કર્યો હોવાનું જણાયું છે. આ ખર્ચામાં ૫૧ ટકા બ્રોકરેજ ફી અને ૨૦ ટકા એક્સચેન્જ ફી રહી છે. એટલે કે બ્રોકરેજ પેટે રૂ.૨૫,૫૦૦ કરોડની જંગી કમાણી બ્રોકરોએ કરી છે અને એક્સચેન્જોએ રૂ.૧૦,૦૦૦ કરોડની કમાણી આ ત્રણ વર્ષમાં કરી છે.
યુવા પેઢી અને ૩૦ વર્ષથી ઓછી વય ધરાવતા યુવા ટ્રેડરોની હિસ્સેદારી એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં ચિંતાજનક વધતી જોવાઈ રહી છે. આ વર્ગના ટ્રેડરોની હિસ્સેદારી નાણાકીય વર્ષ ૨૦૨૩માં ૩૧ ટકા હતી, તે નાણા વર્ષ ૨૦૨૪માં વધીને ૪૩ ટકા પહોંચી છે. ટોચના ૩૦(બી૩૦-બિયોન્ડ ટોચ ૩૦ શહેરો) શહેરો સિવાયના શહેરોમાંથી વ્યક્તિગત એફ એન્ડ ઓ ટ્રેડરોનું પ્રમાણ કુલ ટ્રેડરોમાં ૭૨ ટકાથી વધુ પહોંચ્યું છે. જે આંક બી૩૦ શહેરોમાંથી મ્યુચ્યુઅલ ફંડોમાં ૬૨ ટકા રોકાણકારોના આંકથી પણ આગળ વધી ગયો છે.
આ સાથે ચિંતાજનક બાબત એ જોવાઈ છે કે, નાણા વર્ષ ૨૦૨૪માં આવકની વિગતો જાહેર કરનાર ટ્રેડરો પૈકી ૭૫ ટકાથી વધુ વ્યક્તિગત એફ એન્ડ ઓ ટ્રેડરોએ વાર્ષિક રૂ.પાંચ લાખથી ઓછી આવક જાહેર કરી છે. એફ એન્ડ ઓમાં સતત નુકશાની કરવા છતાં ૭૫ ટકા નુકશાન કરનારા ટ્રેડરોએ એફ એન્ડ ઓમાં ટ્રેડીંગ કરવાનું ચાલુ રાખ્યું છે. સેબી અભ્યાસન આ ચોંકાવનારી બાબતો જાણીને બજારના નિષ્ણાંતોનું કહેવું છે કે, ઐતિહાસિક તેજીના આ દોરમાં ટૂંકાગાળામાં લખલૂંટ કમાઈ લેવાની લાલચમાં મધ્યમથી લાંબાગાળાના રોકાણકાર બનવાને બદલે ટ્રેડર તરીકે ઝુંકાવનારી અને બરબાદ થતી યુવા પેઢીને આ જુગારખાનામાં આવતાં અટકાવવા સરકાર અને સેબીએ ડેરિવેટીવ્ઝ- એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં વ્યક્તિગત રોકાણકારો માટે નેટવર્થ મર્યાદામાં અસાધારણ વધારો કરવા સહિતના પ્રવેશ અંકુશો લાદવા ખૂબ જરૂરી છે.
સેબીના અભ્યાસમાં બહાર આવેલી ચોંકાવનારી, ચિંતાજનક બાબતો
(૧) નાણાકીય વર્ષ ૨૦૨૨થી નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રણ વર્ષ દરમિયાનએક કરોડથી વધુ વ્યક્તિગત એફ એન્ડ ઓ ટ્રેડરોમાંથી ૯૩ ટકા ટ્રેડરોએ દરેક ટ્રેડર દીઠ સરેરાશ રૂ.બે લાખ જેટલી (સોદા ખર્ચ સહિત) નુકશાની કરી છે.
(૨) આ નુકશાની કરનારા ટ્રેડરોમાંથી ટોચના નુકશાન કરનાર ૩.૫ ટકા ચાર લાખ જેટલા ટ્રેડરોએ સરેરાશ દરેક ટ્રેડર દીઠ રૂ.૨૮ લાખની નુકશાની આ સમયગાળામાં કરી છે.
(૩) સોદા ખર્ચને એડજસ્ટ કર્યા બાદ આ કુલ ટ્રેડરો પૈકી માત્ર એક ટકા વ્યક્તિગત ટ્રેડરો સરેરાશ રૂ.એક લાખથી વધુ નફો કમાઈ શક્યા છે.
(૪) રિટેલ ટ્રેડરોએ ત્રણ વર્ષમાં સોદાના ખર્ચા પેટે રૂ.૫૦,૦૦૦ કરોડ ચૂકવ્યા : બ્રોકરોએ દલાલીની રૂ.૨૫,૫૦૦ કરોડની અને એકચેન્જોએ એક્સચેન્જ ફીની રૂ.૧૦,૦૦૦ કરોડની કમાણી કરી