Get The App

NDA vs UPA : છેલ્લા 9 વર્ષમાં પૂંજીપતિઓના 25 લાખ કરોડ માફ, RTIમાં ચોંકાવનારો ખુલાસો

આ રકમમા સામાન્ય નાગરીકોની લોનની રકમ સાવ નહીંવત

RBIએ RTIમાં આ માહિતી આપી પણ ડિફોલ્ટરોના નામોની યાદી ન આપી

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
NDA vs UPA : છેલ્લા 9 વર્ષમાં પૂંજીપતિઓના 25 લાખ કરોડ માફ, RTIમાં ચોંકાવનારો ખુલાસો 1 - image

25 lakh crore of capitalists waived off in last 9 years | છેલ્લા નવ વર્ષ દરમિયાન સરકારી અને ખાનગી બેન્કોએ પૂંજીપતિઓની 25 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. આરટીઆઈ (RTI Reply By RBI) હેઠળ ખુદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જ આ પ્રકારની સત્તાવાર માહિતી અપાઈ છે. ઉદ્યોગપતિઓએ લીધેલી લોન પરત નહી થતા બેન્કોએ તેના ચોપડે એનપીએ દેખાડ્યા બાદ આખરે તેને રાઈટ ઓફ કરી દીધી છે. જેને પગલે એવી આશંકા છે કે, આગામી સમયમાં હજુ વધુ લોનને માફ કરી દેવાશે. આશ્ચર્યની વાત એ છે કે, RBIએ ડિફોલ્ટરોના નામોની યાદી આપી નથી.

RBIએ આરટીઆઈમાં આપેલી માહિતીથી થયો ખુલાસો 

સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી RTI હેઠળ છેલ્લા નવ વર્ષ દરમિયાન વિવિધ બેન્કોએ કેટલી લોનને માફ કરાઈ તેની માહિતી માગી હતી. RBIએ આ સંદર્ભમાં જે સત્તાવાર જવાબ આપ્યો છે તે જોઈને ભલભલાની આંખો પહોળી થઈ ગઈ છે. NDA સરકાર-1 અને 2ના 2014-2015થી 2022-2023 સુધીના 9 વર્ષના સમયગાળામાં ભારતભરની સરકારી બેંકો દ્વારા રૂ. 10 લાખ 41 હજાર 966 કરોડ અને અને શેડયુલ્ડ કોમેર્શીયલ બેંકો દ્વારા રૂ. 14 લાખ 53 હજાર 114 કરોડ મળીને ફુલ રૂ.24 લાખ 95 હજાર 080 કરોડ એટલે કે 25 લાખ કરોડ રૂપિયાની NPA થયેલ લોનની રકમ રાઈટ ઓફ કરી દેવાઈ છે.

પૂંજીપતિઓની સૌથી વધુ લોન રાઈટઓફ કરાઈ 

રાઈટ ઓફ કરી દેવાયેલા 25 લાખ કરોડમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોનની રકમ ખુબ જ ઓછી છે. પૂંજીપતિઓ જે લોકો કરોડોની લોન લઈને દેશમાંથી ભાગી જનારાઓની લોનની રકમ આ રાઈટઓફમાં સોથી વધુ છે. રિઝર્વ બેંક દ્વારા ધિરાણકર્તાઓને ક્રેડિટ ડેટા એકત્રિત-સંગ્રહ અને પ્રસારીત કરવા માટે સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC)ની સ્થાપના કરાઈ છે. શેડયુલ્ડ કોમેર્શીયલ બેંકો દ્વારા જૂન-2023 સુધી CRILCમાં રિપોર્ટ કરવામાં આવેલ 5 કરોડથી વધારાની રકમની રાઈટ ઓફ કરાયેલા એકાઉન્ટની સંખ્યા 3973 છે.

લોનની રિકવરીની રકમ ઓછી, વસુલાત માટે ઢીલી કાર્યવાહી

શેડયુલ્ડ કોમેર્શિયલ બેંકો દ્વારા 2014-2015થી 2022-2023 સુધીના 9 વર્ષમાં રાઈટ ઓફ કરવામાં આવેલ 25 લાખ કરોડ પૈકી 2 લાખ 4 હજાર 673 કરોડ રૂપિયા રિકવર એટલે કે પરત મેળવ્યા છે. એટલે ફુલ 25 લાખ કરોડમાંથી 10 ટકાની રકમ રૂ. 2.5 લાખ કરોડની રિકવરી થઇ છે. આ આંકડાઓ જોતા એવું લાગી રહ્યું છે કે, બેન્કો રિકવરી કરવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે. વસુલાત માટે કડક કાર્યવાહી થતી નથી. 

સામાન્ય માણસોને બેન્કો છોડતી નથી અને પૂંજીપતિઓ સામે કોઈ કાર્યવાહી નહીં... 

25 લાખ કરોડની લોન માફ કરાયાના આંકડા બહાર આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર ભારે આકરા શબ્દોમાં આક્રોશ કાઢી રહ્યા છે. તેઓ મેસેજમાં લખે છે કે, જો સામાન્ય માણસની 10 હજારની લોન બાકી હોય અથવા તો 5 લાખની લોનના બે હપ્તા બાકી હોય તો પણ બેન્ક તેના માથાભારે રિકવરી એજન્ટોને મોકલીને ત્રાસ આપે છે. પરંતુ ઉધોગપતિઓ પાસેથી રિકવરી કરવામાં તેઓ બેવડું વલણ દાખવી રહ્યા છે. જેથી શંકા થાય છે કે, રાજકીય નેતાઓ, બેન્કોના ઉચ્ચ અધિકારીઓની મિલિભગત વગર આ શક્ય નથી. જનતા જ્યાં સુધી જાગૃત નહી થાય ત્યાં સુધી આ સ્થિતિ દૂર થઈ શકશે નહી.

આ રકમ UPA સરકારમાં રાઈટ ઓફ થયેલી રકમથી 810 ટકાથી વધુ 

UPA સરકાર-1 અને 2 મળીને રાઈટ ઓફ કરાયેલી રકમથી 810 ટકાથી પણ વધુ છે. UPA સરકાર-1 અને 2 મળીને 2003-2004થી 2013-2014 સુધીના 11 વર્ષના સમયયમાં સરકારી બેંકો દ્વારા રૂ. 1 લાખ 58 હજાર 984 કરોડ અને અને શેડયુલ્ડ કોમેર્શીયલ બેંકો દ્વારા રૂ. 2 લાખ 17 હજાર 128 કરોડ મળીને ફુલ રૂ.3 લાખ 76 હજાર 112 કરોડ એટલે કે 3.76 લખ કરોડ રૂપિયાની NPA થયેલ લોનની રકમ રાઈટ ઓફ કરી દેવાઈ હતી. જ્યારે UPA સરકાર-1 અને 2 મળીને 2003-2004થી 2013-2014 સુધીના 11 વર્ષ સમયમાં વાર્ષિક 34 હજાર 192 કરોડની લોનની રકમ રાઈટ ઓફ કરી દેવાઈ હતી. NDA સરકાર-1 અને 2 મળીને 2014-2015થી વર્ષ 2022-2023 સુધીના 9 વર્ષ સમયમાં વાર્ષિક 2 લાખ 77 હજાર 231 કરોડની લોનની રકમ રાઈટ ઓફ કરી દેવાઈ છે. એટલે કે UPA સરકાર 11 વર્ષમાં રાઈટ ઓફ કરાયેલી લોનની રકમ NDA સરકાર ફક્ત 17 મહિનામાં જ રાઈટ ઓફ કરી દીધી છે. અર્થશાસ્ત્રીઓનુ માનવુ છે કે, આ રકમ ભારતના અર્થ વ્યવસ્થાને વેરવિખેર કરી નાખવા માટે પૂરતી છે.

NDA vs UPA : છેલ્લા 9 વર્ષમાં પૂંજીપતિઓના 25 લાખ કરોડ માફ, RTIમાં ચોંકાવનારો ખુલાસો 2 - image


Google NewsGoogle News