નિકાસમાં 40 ટકા વધારા સાથે ઓટો ઉદ્યોેગ માટે ૨૦૨૫ની પ્રોત્સાહક શરૂઆત
- ઊતારૂ વાહનો, ટુ વ્હીલર્સ તથા થ્રી વ્હીલર્સની નિકાસમાં જાન્યુઆરીમાં દ્વીઅંકી વૃદ્ધિ
મુંબઈ : નિકાસની દ્રષ્ટિએ દેશના ઓટો ઉદ્યોગ માટે ૨૦૨૫ના વર્ષનો મજબૂત પ્રારંભ થયો છે. ઊતારૂ વાહનો, ટુ વ્હીલર્સ તથા થ્રી વ્હીલર્સની નિકાસમાં ગયા મહિને દ્વીઅંકી વૃદ્ધિ જોવા મળી છે જ્યારે ઓટોની એકંદર નિકાસ ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીએ ૪૦ ટકાથી વધુ રહી છે.
વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ઊતારૂ વાહનો, ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ સહિતના વિવિધ વાહનોનું એકંદર ઉત્પાદન વાર્ષિક ધોરણે ૯.૩૦ ટકા વધી ૨૫,૪૬,૬૪૩ વાહનો રહ્યું હતું. ઘરઆંગણે હોલસેલ રવાનગી ૨.૫૦ ટકા વધી ૧૯,૩૫,૬૯૬ એકમ રહી હતી જ્યારે વાહનોની નિકાસ ૪૦.૨૦ ટકા વધી ૪,૬૨,૫૦૦ એકમ રહ્યાની પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.
વાહનોની એકંદર નિકાસમાં સૌથી વધુ નિકાસ ૩,૮૦,૫૨૮ સાથે ટુ વ્હીલર્સની રહી છે. ટુ વ્હીલર્સની નિકાસમાં વાર્ષિક ધોરણે ૪૬.૨૦ ટકા ઊંચી રહી છે. ઊતારૂ વાહનોની નિકાસ ૧૭ ટકા જ્યારે થ્રી વ્હીલર્સની ૨૦ ટકા જેટલી વધી છે.
ઉત્પાદન એકમો ખાતેથી ડીલરો ખાતે ઊતારૂ વાહનોની રવાનગી જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે ૧.૬૦ ટકા વધી ૩,૯૯,૩૮૬ રહી હોવાનું ઉદ્યોગ સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના ડેટા જણાવે છે. યુટિલિટી વ્હીકલની મજબૂત માગને કારણે આ વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના જાન્યુઆરીમાં ઊતારૂ વાહનોની હોલસેલ રવાનગી ૩,૯૩,૦૭૪ રહી હતી.
જાન્યુઆરીમાં ઊતારૂ વાહનોનો જથ્થાબંધ રવાનગીનો આંક જાન્યુઆરીનો અત્યારસુધીનો સૌથી ઊંચો રહ્યો છે.
ટુ વ્હીલર્સની રવાનગી ૨ ટકા વધી ૧૫,૨૬,૨૧૮ રહી હતી. થ્રી વ્હીલર્સની રવાનગી ૭.૭૦ ટકા વધી ૫૮૧૬૭ રહ્યાનું પણ સિઅમના ડેટા જણાવે છે.