18 લાખ ફેક્ટરીઓ પર લાગ્યા તાળાં, 54 લાખ નોકરીઓ ગઈ: સરકારના જ અહેવાલમાં ઘટસ્ફોટ
NSO Survey : કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO)ના સર્વેમાં ફેક્ટરીઓ બંધ થવા અંગે અને બેરોજગારીને લઈ ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે. એનએસઓએ અસંગઠિત ક્ષેત્રના સાહસોનો વાર્ષિક સર્વે જાહેર કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ જુલાઈ-2015થી જૂન-2016 અને ઓક્ટોબર-2022થી સપ્ટેમ્બર-2023 દરમિયાન ભારતમાં 18 લાખ ફેક્ટરીઓને તાળાં વાગી ગયા છે. આ ફેક્ટરીઓમાં કામ કરતા 54 લાખ લોકોની નોકરીઓ જઈ રહી છે.
આઠ વર્ષમાં 18.80 લાખ ફેક્ટરીઓ બંધ થઈ
મીડિયા રિપોર્ટ મુજબ જુલાઈ-2015થી જૂન 2016 વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની 1.97 કરોડ ફેક્ટરીઓ કાર્યરત હતી, જેમાંથી ઓક્ટોબર-2022થી સપ્ટેમ્બર-2023 વચ્ચે આ સંખ્યા ઘટીને 178.2 લાખ પર આવી ગઈ છે. એટલે કે આઠ વર્ષમાં 18.80 લાખ ફેકટ્રીઓ બંધ થઈ છે.
54 લાખથી વધુ લોકોએ ગુમાવી નોકરી
એ હકીકત છે કે, જો ફેકટ્રીઓ બંધ થાય તો નોકરીઓ પણ જતી રહે છે. મેન્યુફેક્ચરીંગ સેક્ટર હેઠળની આ ફેક્ટરીઓમાં કામ કરતા વર્કફોર્સની વાત કરીએ તો તેમાં 2015-16માં ત્રણ કરોડ 60 લાખ ચાર હજાર લોકો કામ કરતા હતા. જ્યારે 2022-23માં આ સંખ્યા ઘટીને ત્રણ કરોડ છ લાખ પર પહોંચી ગઈ છે. એટલે કે કુલ 54 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી છે.
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાઓની કુલ સંખ્યા 10.96 કરોડ
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાઓની કુલ સંખ્યા 10.96 કરોડ છે. જોકે આ સંખ્યા કોવિડ મહામારી પહેલાની તુલનાએ ઘણી ઓછી છે. સ્ટેન્ડિંગ કમિટિ ઓન સ્ટેટિસ્ટિક્સના ચેરપર્સન પ્રણવ સેને કહ્યું કે, બિનસંગઠિત ક્ષેત્રને આર્થિક ફટકાઓ મળવાના કારણે ગંભીર અસર થઈ છે. તાજેતરમાં જ કેટલાક નીતિગત નિર્ણયો અને લોકડાઉનના કારણે અસંગઠિત ક્ષેત્રને મોટો ઝટકો લાગ્યો છે. આવા ક્ષેત્રોમાં ફેક્ટરીઓ વધુ રોજગાર આપતી નથી.