GST વળતર પેટે ગુજરાતને કેન્દ્ર સરકાર પાસેથી 1672 કરોડ લેવાના બાકી
આવકનું ઓડિટ સમયસર મળે તે માટે સંકલન કરાયું છે
પહેલાં 9136.26 કરોડ લેવાના થતા હતા પરંતુ આવક પ્રમાણિત થતાં મળવાપાત્ર વળતર 11557.94 કરોડ નક્કી થયું હતું
Due GST compensation from central government: ગુજરાત સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી હાલની સ્થિતિએ કુલ 1672.35 કરોડ રૂપિયા લેવાના થાય છે. આ બાકી રકમ માટે રાજ્યના નાણાં વિભાગ તરફથી કેન્દ્રના નાણાં મંત્રાલય સાથે સંકલન કરવામાં આવ્યું છે.
જીએસટી વળતર બાબતે રાજ્ય નાણામંત્રીએ આપી જાણકારી
જીએસટી કાયદા અન્વયે વળતર અંગેના એક પ્રશ્નના જવાબમાં રાજ્યના નાણામંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર પાસેથી જીએસટી વળતર પેટે ફેબ્રુઆરી 2023માં 864.62 કરોડ તેમજ જુલાઇ 2023માં 9020.97 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
રાજ્યને મળવાપાત્ર બાકી વળતર 1672.35 કરોડ
31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ જીએસટી વળતર પેટે 9136.26 કરોડ બાકી હતા, ત્યારબાદ એકાઉન્ટન્ટ જનરલ દ્વારા રાજ્યની આવક પ્રમાણિત થતાં રાજ્યને મળવાપાત્ર બાકી વળતર 11,557.94 કરોડ નક્કી કરવામાં આવ્યું હતું જે પૈકી 1672.35 કરોડ મળવાના બાકી છે.
વળતર માટે કેન્દ્રીય નાણાં મંત્રાલયનો કર્યો સંપર્ક
મંત્રીએ જણાવ્યું હતું કે આ બાકી રકમ માટે ધી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (કોમ્પન્સેશન ટુ સ્ટેટ્સ) એક્ટ 2017ની કલમ-7ની જોગવાઇ પ્રમાણે એકાઉન્ટન્ટ જનરલ દ્વારા આવકનું ઓડિટ પ્રમાણપત્ર સમયસર મળે તે માટે સંકલન કરવામાં આવ્યું છે. એ ઉપરાંત રાજ્યના નાણાં વિભાગે કેન્દ્રીય નાણાં મંત્રાલયનો સંપર્ક પણ કર્યો છે, કે જેથી બાકીનું વળતર સમયસર મળી શકે.