દિલ્હીના સરકારી શેલ્ટર હોમમાં કુપોષણથી 14નાં મોતથી ભારે હોબાળો
- કેજરીવાલ સરકારે શેલ્ટર હોમ ઘટનાની તપાસના આદેશ આપ્યા
- શેલ્ટર હોમમાં 255ની ક્ષમતા સામે 493 મહિલાને રખાઈ હતી, ઓવર ક્રાઉડના કારણે દેખભાળ સંબંધિત સમસ્યાઓ સર્જાઈ હતી
નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના રોહિણીમાં દિલ્હી સરકારના શેલ્ટર હોમ 'આશા કિરણ'માં આઠ મહિલા સહિત ૧૪ લોકોના મોતની ઘટના સામે આવતા હોબાળો મચી ગયો છે. દિલ્હીના મહેસૂલ મંત્રી આતિશીએ આ ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસના નિર્દેશ આપતા ૪૮ કલાકમાં રિપોર્ટ માગ્યો છે. શેલ્ટર હોમમાં ૧૪ લોકોનાં મોતનું કારણ કુપોષણ, દુષિક ખોરાક અને પાણી તથા વાસી ખોરાક હોવાનું મનાય છે.
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે, દિલ્હીમાં આવા ખરાબ સમાચાર સાંભળવા આંચકાજનક છે. આ સમાચારમાં સત્ય હશે તો અમે આ પ્રકારની ભૂલ સાંખી નહીં લઈએ. આ એક ગંભીર મુદ્દો છે અને તેની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવશે.
દિલ્હી સરકાર દ્વારા સંચાલિત આશા કિરણ માનસિક રીતે બીમાર લોકો માટે ચલાવવામાં આવે છે અને તે સામાજિક કલ્યાણ વિભાગ હેઠળ કામ કરે છે. રાજકુમાર આનંદના રાજીનામા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વિભાગમાં હજુ સુધી કોઈની મંત્રી તરીકે નિમણૂક કરી નથી. આ ઘટનાએ શેલ્ટર હોમમાં દિલ્હી સરકારની કાર્ય પદ્ધતિ પર પણ સવાલ ઊભા કરી દીધા છે.
દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે, આશા કિરણમાં ૯૮૦ લોકો અને ૪૫૦ કેરટેકર્સ છે. આ શેલ્ટર હોમ માનસિક વિકલાંગો માટેનું આશ્રય સ્થાન છે. અહીં માનસિક રીતે વિકલાંગ લોકો અન્ય બીમારીઓથી પણ પીડિત હોય છે. અધિકારીએ કહ્યું કે મૃતક ૧૪માંથી એક કિશોર હતો, જેની વય ૧૪થી ૧૫ વર્ષ હતી જ્યારે બાકીના ૧૩ પુખ્ત હતા, જેમની વય ૨૦ વર્ષથી વધુ હતી.
રાષ્ટ્રીય મહિલા પંચ (એનસીડબલ્યુ)ના અધ્યક્ષ રેખા શર્માએ આ ઘટનાની તપાસ માટે આશા કિરણ શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. કમિશને કહ્યું કે, આ શેલ્ટર હોમમાં ક્ષમતા કરતાં વધુ લોકોને રાખવામાં આવ્યા છે. તેની ક્ષમતા ૨૫૫ લોકોની છે જ્યારે તેમાં ૪૯૩ મહિલાઓને રાખવામાં આવી હતી. ક્ષમતા કરતાં વધુ લોકોને રાખવાના કારણે તેઓ વાસી ખોરાક, દુષિત ખોરાક અને પાણી તથા કુપોષણ સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં. જે ૧૪ લોકોનાં મોત થયા છે તેઓ પણ તાવ અને ઝાડા જેવી બીમારીઓથી પીડિત હતા. વધુમાં શેલ્ટર હોમમાં ગુણવત્તાપૂર્ણ દેખભાળની પણ ગંભીર સમસ્યા હતી. એનસીડબલ્યુએ આ ઘટના અંગે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે, સરકારી આશ્રય સ્થાન આશા કિરણમાં જાન્યુઆરીમાં ત્રણ, ફેબુ્રઆરીમાં બે, માર્ચમાં એક, એપ્રિલમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. ઉપરાંત જૂન અને જુલાઈમાં પણ મોતના આંકડામાં ચિંતાજનક વધારો થયો હતો. છેલ્લા સાત મહિનામાં અહીં ૨૭ લોકોનાં મોત થયા હતા. જુલાઈમાં જ ૧૩ લોકો મોતને ભેટયા હતા.