એક માસમાં ભારતીય શેરબજારમાં 11 ટકાનો વધારો
- માત્ર ૨૦ ટ્રેડિંગ સેશનમાં આવેલ ૧૦ ટકાનો વધારો સેન્સેકસના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી ઝડપી વધારો
- લોકસભા ચૂંટણી પરિણામોને એક મહિનો પુર્ણ : બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ બંને સૂચકાંકોમાં ઉછાળો
અમદાવાદ : ૪ જુલાઈ, ૨૦૨૪ના રોજ લોકસભા ચૂંટણી પરિણામોને એક મહિનો થઈ ગયો છે. ૪ જૂને ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ ભારતીય શેરબજારોમાં એક મહિનામાં ૧૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય શેરમાં વિદેશી રોકાણકારોના નવા વધેલા રસને કારણે આવેલ મજબૂત રેલીનું આ પરિણામ છે.
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં દેશમાં મજબૂત સરકાર નથી બની પરંતુ તેમ છતા ત્રીજી વખત કેન્દ્રમાં એનડીએ સરકારની રચના અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી ફરી બિરાજમાન થતા તથા કેબિનેટના મોટા ખાતાઓ ભાજપના ફાળે જ રહેતા શેરબજારમાં છવાયેલા કાળા વાદળો દૂર થયા છે. આ પરિણામો બાદના એક મહિનાના મોટાભાગની અનિશ્ચિત્તાઓ દૂર થતા ભારતીય દલાલ સ્ટ્રીટમાં ડબલ ડિજિટ ઉછાળો જોવા મળ્યો છે.
શેરબજારોમાં ૧૧ ટકાનો વધારો મે ૨૦૧૯ અને મે ૨૦૧૪ પછી નોંધાયેલો ચૂંટણી પછીનો સૌથી મજબૂત ઉછાળો છે. મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણીના એક મહિના પછી બજારોમાં ૦.૧ ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે મે ૨૦૧૪માં બજારોમાં ૫.૮ ટકાનો વધારો થયો હતો.
પરિણામો બાદના એક મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ ઉછાળો મે ૨૦૦૯માં નોંધાયો હતો, જ્યારે ચૂંટણી પરિણામોમાં યુપીએ-૨ની સરકાર બનતા શેરબજારમાં લગભગ ૨૨ ટકાનો બમ્પર વધારો નોંધાયો હતો.
આ તેજી સાથે ભારતીય બેંચમાર્ક ઈન્ડેકસ, એસ એન્ડ પી બીએસઈ સેન્સેક્સ ૩ જુલાઈના રોજ પ્રથમ વખત ૮૦,૦૦૦ના આંકને સ્પર્શ્યો હતો અને ૪ જુલાઈના રોજ ૮૦,૦૪૯.૬૭ના નવા રેકોર્ડ પર બંધ આવ્યો હતો. નિફ્ટીએ પણ ૨૪,૩૦૦ની ઉપર ક્લોઝિંગ આપીને નવી ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી હતી. આ વર્ષની સામાન્ય ચૂંટણી પછી બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ બંને સૂચકાંકોમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. ઈલેક્શન રિઝલ્ટ આવ્યાના એક મહિનાની અંદર બીએસઈ મિડકેપમાં ૧૫.૪ ટકા અને સ્મોલકેપમાં ૧૯.૬ ટકાનો શાનદાર વધારો થયો છે.
સેન્સેક્સ ક્યારે ૧ લાખને પાર થશે ?
માત્ર ૧૩૯ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ સુધી પહોંચ્યો છે. આ અત્યાર સુધીનો સૌથી ઝડપી ૧૦,૦૦૦ પોઈન્ટનો વધારો છે. સેન્સેક્સની શરૂઆતથી અત્યાર સુધીના ડેટા પર નજર કરીએ તો દર વર્ષે લગભગ ૧૬ ટકાના દરે વધી રહ્યો છે. તે મુજબ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં સેન્સેક્સ પણ ૧ લાખનો આંકડો પાર કરી શકે છે.એપ્રિલ ૧૯૭૯માં સેન્સેક્સની બેઝ વેલ્યુને ૧૦૦ ગણીએ તો, ત્યારથી ૪૫ વર્ષમાં ઇન્ડેક્સ લગભગ ૮૦૦ ગણો ઊછળ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે લગભગ ૧૫.૯ ટકાના સીએજીઆરના દરે વળતર આપ્યું છે. જો સેન્સેક્સ આ દરે વધતો રહેશે તો અમે આગામી ડિસેમ્બર સુધીમાં તે ૧ લાખનું લેવલ વટાવી શકે છે.
લોકસભા ચૂંટણીના એક માસ બાદ વળતર
રિઝલ્ટ દિવસ રિટર્ન (ટકામાં)
રિઝલ્ટ દિવસ |
રિટર્ન (ટકામાં) |
૫ ઓક્ટો. ૧૯૯૯ |
- ૨.૩ |
૧૩ મે ૨૦૦૪ |
- ૯.૮ |
૧૬ મે ૨૦૦૯ |
+ ૨૨.૨ |
૧૬ મે ૨૦૧૪ |
+ ૫.૪ |
૨૩ મે ૨૦૧૯ |
+ ૦.૨ |
૪ જુન ૨૦૨૪ |
+ ૧૧.૦ |