Get The App

ધનતેરસના અવસરે ભારત લવાયું 102 ટન સોનું, RBIએ આ કારણે લીધો મોટો નિર્ણય

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ધનતેરસના અવસરે ભારત લવાયું 102 ટન સોનું, RBIએ આ કારણે લીધો મોટો નિર્ણય 1 - image


RBI Shifted 102 tonne gold from uk to India: ધનતેરસનો દિવસ સામાન્ય રીતે સોનાની ખરીદીનો દિવસ હોય છે. મોટા ભાગે લોકો ધનતેરસના દિવસે સોનું ખરીદીને ઘરે લાવે છે. સામાન્ય લોકોની જેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ ધનતેરસના અવસર પર લંડનથી 102 ટન સોનું ભારત શિફ્ટ કરી દીધું છે. સપ્ટેમ્બરના અંતમાં RBI પાસે કુલ 855 ટન સોનું હતું, જે પૈકી 510.5 ટન સોનું દેશમાં જ છે. વિદેશી મુદ્રા ભંડારના સંચાલન અંગેના તાજેતરના રિપોર્ટમાં આ વાત જાણવા મળી છે. 

સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધી 214 ટન સોનું ભારત લવાયું

મહત્ત્વની વાત એ છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધીમાં 214 ટન સોનું વિદેશમાંથી ભારત પરત લાવી ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વના અન્ય દેશોની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદ આરબીઆઈ અને ભારત સરકાર તેમના હોલ્ડિંગને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારત સરકારનું પણ માનવું છે કે, આવી વૈશ્વિક પરિસ્થિતિમાં પોતાનું સોનું દેશમાં જ રાખવું વધુ સુરક્ષિત છે.

વિદેશમાં હજુ ભારતનું કેટલું સોનું છે

સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતનું 324 ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સમાં રાખવામાં આવ્યું છે. બેંક ઓફ ઈંગ્લેન્ડ યુકે અને અન્ય કેન્દ્રીય બેંકોના સોનાના ભંડાર માટે સુરક્ષિત કસ્ટડી આપે છે અને તે ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ બાદ બીજી સૌથી મોટી ગોલ્ડ કસ્ટોડિયન પણ છે. જો બુલિયન વેરહાઉસની વાત કરીએ તો તે વર્ષ 1967માં બનાવાયું હતું. બાદમાં ઘણાં દેશોમાં તેનું વિસ્તરણ પણ કરાયું હતું. 

આ પણ વાંચો: યુનાઈટેડ કિંગ્ડમથી એક લાખ કિલો સોનું પાછું લવાયું, જાણો ભારત માટે કેમ આ પગલું મહત્ત્વપૂર્ણ છે...

મે મહિનામાં એક લાખ કિલો સોનું ભારત લવાયું હતું

આ જ વર્ષે મે મહિનામાં બ્રિટનથી એક લાખ કિલો સોનું ભારતમાં લવાયું હતું. આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે. 100 ટન સોનું ભારતમાં લાવવામાં નાણા મંત્રાલય, આરબીઆઈ અને સ્થાનિક સત્તાવાળા સહિત સરકારની અન્ય શાખા વચ્ચે પરસ્પર સંકલન સામેલ હતું. સોનું લાવવાની સમગ્ર પ્રક્રિયાને ગુપ્ત રખાઈ હતી. આ સાથે જ સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી. આ માટે આરબીઆઈને કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ અપાઈ હતી, કેન્દ્રને આ સાર્વભૌમ સંપત્તિ પરની આવક છોડી દેવી પડી હતી, પરંતુ આયાત પર સંકલિત જીએસટીમાંથી કોઈ છૂટ ન હતી કારણ કે ટેક્સ રાજ્યો સાથે વહેંચવામાં આવે છે. એક લાખ ટન સોનું કોઈ સામાન્ય પ્લેનમાં ન આવી શકે તેથી ખાસ પ્લેનની વ્યવસ્થા કરાઈ હતી.

ક્યાં રાખવામાં આવ્યું છે એક લાખ કિલો સોનું?

તમને જણાવી દઈએ કે દેશની અંદર મુંબઈના મિન્ટ રોડની સાથે-સાથે નાગપુરમાં આરબીઆઈની જૂની ઓફિસ બિલ્ડિંગમાં સોનું રાખવામાં છે. આ બંને સ્થળે કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે. અહીં 24 કલાક સુરક્ષા જવાનો તહેનાત રહે છે. આ સ્થિતિમાં એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, બ્રિટનથી લાવવામાં આવેલું સોનું પણ અહીં જ રખાયું હશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.


Google NewsGoogle News