10 મિનીટમાં પાણીની બોટલ મળે પણ 10 વર્ષે પાણી નહીં

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
10 મિનીટમાં પાણીની બોટલ મળે પણ 10 વર્ષે પાણી નહીં 1 - image


- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

-  ક્વિક કોમર્સ કંપનીઓમાં સરકારી અધિકારીઓની ટ્રેનિંગ 

સરકારી કર્મચારીઓ માટે ટ્રેનિંગ ક્લાસમાં ટ્રેનરે શરુઆત કરી

'જુઓ  તમારે ે ક્વિક કોમર્સ કંપનીઓ પાસેથી ઘણું શીખવાનું છે. ' 

એક અધિકારી કહે, 'અરે હોય કાંઈ? ક્વિક કોમર્સ કંપનીઓએ અમારી પાસેથી શીખવાનું છે. ક્વિક કોમર્સ એટલી ફટાફટ વેપાર જ ને. અમે તો નોકરીએ પર આવીએ તે સાથે જ ક્યાંથી કઈ ફાઈલમાંથી કે કયા દાખલામાંથી રોકડી થાય તેમ છે તે શોધવા જ માંડીએ છીએ.'

'એગ્રી..એગ્રી..' એક પોલીસ અધિકારી બોલી ઉઠયા. અમારે ત્યાં પણ કોઈ પોલીસ કર્મચારી નાની કે મોટી કોઈ પણ પોસ્ટ પર ગોઠવાય એટલે પહેલા જ દિવસે હપ્તાનું સેટિંગ ગોઠવી દે છે.'

ટ્રેનરે માથું કૂટયું. 'અલ્યા,  ક્વિક કોમર્સ એટલે ફટાફટ કમાણી નહિ  ક્વિક ડિલિવરીની વાત છે. જુઓ હવે દેશનાં તમામ મોટાં શહેરોમાં લોકો એપથી જે વસ્તુ મગાવે તે દસ જ મિનીટમાં ડિલિવર કરતી કંપનીઓ આવી ગઈ છે. ફૂડથી માંડીને બોલપેન અને મોબાઈલથી માંડીને મીણબત્તી સહિતની હજારો-લાખો ચીજો એમ આંગળીના ટેરવે જ ફટાફટ ઉપલબ્ધ છે.'

એક  મ્યુનિસિપલ અધિકારીએ બગાસું ખાધું. ' આ તો અમારા માટે ચિંતાનો વિષય છે. અમે લોકો પહેલાં દરેક દુકાને ચેકિંગના નામે પહોંચી જતા હતા અને ત્રાજવાં બરાબર નથી ને દુકાનમાં સ્વચ્છતા નથી ને ફૂટપાથ પર સામાન મૂક્યો છે એવાં બધા વાંકગુના શોધી શોધીને દંડ ફટકારવાની ચિમકી આપતા હતા અને પછી પાંચ હજારનો દંડ નહિ કરવા બદલ ૫૦૦ રુપિયા વસૂલતા હતા. આ ક્વિક કોમર્સમાં તો  નાના વેપારીઓના પેટ સાથે અમારાં ખિસ્સા પર પણ તરાપ આવશે.'

જોકે, એક ટ્રાફિક પોલીસ જવાન રાજી થયા.' જુઓ અમને તો આ બધા ડિલિવરીવાળાઓથી ફાયદો જ છે હો. એ લોકો દસ મિનીટમાં ડોલ પહોંચાડી દેવા ટૂ વ્હીલર દોડાવે, રોંગમાં ઘૂસે એ બધાથી અમને તો એમને રોકીને પૈસા પડાવવાના ચાન્સ વધ્યા છે.'

ટ્રેનરે ટેબલ પર હાથ પછાડયો. 'ભલા માણસ, હું ક્વિક કોમર્સ  પરથી ે ઝડપી ડિલિવરીની પ્રેરણા  લેવાનું કહું છું. જેમ ગ્રાહક ઘરેથી ઓર્ડર કરેન ેદસ મિનીટમાં દિવાસળીના દસ બોક્સ આવી જાય તેમ તમારે પણ પ્રજા ડિમાન્ડ  કરે એ દાખલો, એ સર્ટિફિકેટ, એ ફાઈલ, એ યોજના, બધું ફટાફટ ડિલિવર કરવાનું હોય.  અત્યારે હાલત એવી છે કે ૧૦ મિનીટમાં ઘરે પાણીની બોટલ આવી જાય છે પણ ૧૦-૧૦ વર્ષ સુધી ઘરેઘરે પાણીનો પ્રોજેક્ટ પૂરો થતો નથી. ક્વિક ડિલિવરીથી ટેવાયેલી અત્યારની યુવા  જનરેશન ભવિષ્યમા તમારી પાસ સરાકરી કામોની  પણ ફટાફટ ડિલિવરી માગશે જ.એટલે જ આ ટ્રેનિંગ  ગોઠવી છે.'

બાંધકામ ખાતાના અધિકારી ઊભા થઈ ગયા. 'જુઓ અમે તો બ્રિજ  અને ે રસ્તા ફટાફટ ડિલિવર કરીએ છીએ. ચૂંટણી આવવાની હોય ત્યારે અધૂરાં અને કાચાં કામોના પણ ઉદ્ધઘાટન કરાવી જ દઈએ છીએ. પછી રસ્તા પર ખાડા પડે કે બ્રિજ બેસી જાય તો પ્રજા બૂમો જ પાડે છે. 

એના કરતાં તો પબ્લિકને સમજાવો કે અસલના જમાનામાં રોડ બનતાં દાયકાઓ લાગી જતા હતા એ જ સિસ્ટમ બરાબર હતી.'

એક અધિકારી કહે, 'એકચ્યુલી અમે ક્વિક અને કોમર્સ એ શબ્દો છૂટા પાડયા છે અને આગળ પાછળ કરી દીધા છે. કોઈ કામ ફટાફટ કરાવવું હોય તો કોમર્સ એટલે કે પૈસાનો વ્યવહાર કરો એટલે પછી તમારું કામ ક્વિક થાય.'

ટ્રેનરે ક્લાસ વિસર્જિત કરી દીધો. 

સ્માઈલ ટીપ 

નેતાઓની બેફામ નિવેદનબાજી માટે  પણ લોઅર સર્કિટ લાવો યાર! 


Google NewsGoogle News