કૃષિ ક્ષેત્ર માટે વિશ્વની સૌથી મોટી નવીન સંગ્રહ યોજના
ખેડૂત આંદોલન વચ્ચે, સરકારે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના માટે એક પાયલોટ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. એવું માનવામાં આવે છે કે આ લાંબા ગાળે કૃષિ ક્ષેત્ર માટે ફાયદાકારક સાબિત થશે. આ પાયલોટ પ્રોજેક્ટ ૧૧ રાજ્યોમાં પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઓને લક્ષ્યાંકિત કરે છે અને આગામી પાંચ વર્ષના સમયગાળામાં સાત કરોડ ટન અનાજની સંગ્રહ ક્ષમતા બનાવવાનો અંદાજ છે. આ યોજના દેશમાં ખાદ્યાન્ન સંગ્રહ ક્ષમતાની અછતને સીધી રીતે સંબોધવા માંગે છે પરંતુ તમામ હિસ્સેદારો માટે તેના બહુવિધ લાભો હશે. જેમાં ખેડૂતો અને ગ્રાહકોનો સમાવેશ થાય છે.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના (૨૦૨૧) ડેટા દર્શાવે છે કે જ્યારે ઘણા દેશો પાસે સરપ્લસ સ્ટોરેજ ક્ષમતા છે, ત્યારે ભારતમાં આવું નથી. દેશમાં અનાજનું કુલ ઉત્પાદન ૩૧૧ મિલિયન ટન છે જ્યારે કુલ સંગ્રહ ક્ષમતા માંડ ૧૪૫ મિલિયન ટન છે. હાલમાં, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન અને અન્ય ઘણી નાની અને મોટી સરકારી એજન્સીઓ દ્વારા ખાદ્ય અનાજ વ્યવસ્થાપન (પ્રાપ્તિ અને સંગ્રહ) સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સંદર્ભમાં, વેરહાઉસ સ્થાપવાની પ્રક્રિયામાં PACS ને સામેલ કરવું, કસ્ટમ હાયરિંગ સેન્ટરો સ્થાપવા, પ્રોસેસિંગ યુનિટ્સ અને વાજબી ભાવની દુકાનો સ્થાપવી એ વાસ્તવમાં વેરહાઉસિંગ સિસ્ટમના વિકેન્દ્રીકરણ તરફનું એક પગલું છે. આનાથી દેશભરમાં કૃષિ ક્ષેત્રની માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે. નોંધનીય છે કે લઘુત્તમ ટેકાના ભાવે અનાજની સરકારી ખરીદી મર્ર્યાદિત છે કારણ કે ઘઉં અને ચોખાના ઉત્પાદન માટેનો ભૌગોલિક વિસ્તાર મર્યાદિત છે.
આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ નવી પહેલ સરકારી એજન્સીઓની પ્રાપ્તિ પ્રક્રિયામાં વૈવિધ્ય લાવશે અને તેનો લાભ દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. આ સાથે, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઓ, જે પાયાના સ્તરે કામ કરતી સૌથી નાની સહકારી એજન્સીઓ છે, તે અત્યાર સુધી કૃષિ ઉત્પાદન માટે ટૂંકા ગાળાના ધિરાણ પ્રદાન કરવાની પ્રક્રિયામાં સામેલ છે. આ ત્રિ-સ્તરીય સહકારી ધિરાણ માળખાની છેલ્લી ટોચ છે જ્યાં તેઓ ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં રોકાયેલા સમુદાયો સુધી પહોંચે છે. આનાથી ગ્રામ પંચાયત અને ગ્રામ્ય સ્તરે અનાજ સંગ્રહ માટે પેક યોગ્ય બને છે.
ચોક્કસપણે, નવી અનાજ સંગ્રહ યોજના પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઓને વૈવિધ્યસભર આર્થિક સંસ્થામાં પરિવર્તિત કરી શકે છે અને કૃષિ ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓની ભૂમિકાને વધુ મજબૂત બનાવી શકે છે. આ ભારતીય અર્થતંત્રના ગ્રામીણ અને કૃષિ લેન્ડસ્કેપને બદલવામાં સહકારી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાને પણ રેખાંકિત કરે છે.
આ યોજના અનાજનો બગાડ અટકાવવામાં પણ મદદ કરશે. આના પરિણામે ખેડૂતોને વધુ આવક થશે અને ગ્રાહકો માટે ભાવ નીચા રહેશે. ખેડૂતો નિરાશામાં નીચા ભાવે તેમની ઉપજ વેચવાના બનાવો પણ ઘટશે અને પરિવહન ખર્ચ પણ ઘટશે.
આ પહેલની સફળતા અલબત્ત સંબંધિત પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઓ અને આ ક્રેડિટ સોસાયટીઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા અને સ્થાનિક અને ઉચ્ચ સ્તરે સરકાર સાથેની તેમની જોડાણ પર નિર્ભર રહેશે.
તેમની ક્ષમતા સુધારવા માટે, કેન્દ્ર સરકારે ૬૩,૦૦૦ સક્રિય પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઓને કોમ્પ્યુટરાઇઝ કરવા માટે રૂ. ૨,૫૧૬ કરોડની રકમ ફાળવી હતી. અનાજ સંગ્રહ યોજના પર ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે અને ઘણી એજન્સીઓનું સંકલન જરૂરી રહેશે. તે જ સમયે, તેનો વિવિધ ક્ષેત્રોમાં કાળજીપૂર્વક અમલ કરવો પડશે જેથી વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇચ્છિત લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય.