શું શેરબજારનો પરપોટો ગમે ત્યારે ફૂટી જશે?
- એન્ટેના - વિવેક મહેતા
- શેર્સના ભાવના વાજબીપણોનો વિચાર કર્યા વિના બજાર ભાવે તેમાં પૈસા ઠાલવી રહ્યા છે. આ એક અત્યંત જોખમી સ્થિતિ છે
લોકસભાની ચૂંટણી પૂર્વેના એક્ઝિટ પોલને કારણે સોમવારે શેરબજાર ઊંચું ખૂલી કે ગેપમાં ખૂલે તેવી સંભાવના છે. મંગળવારના પરિણામો એક્ઝિટ પોલની લાઈનમાં રહેવાની વધુ આશા છે. તેમ બન્યું તો સેન્સેક્સ નવી ઊંચી સપાટીને વળોટી જાય તો નવાઈ પામવા જેવું નહિ હોય. આમેય સેન્સેક્સ નવી ઊંચી સપાટીને સ્પર્શે એટલે કેટલાક રોકાણકારો બજારનો પરપોટો ફૂટવાની વાત કરતાં થઈ જાય છે. ૨૦૦૮માં વૈશ્વિક નાણાંકીય કટોકટી નિર્માણ થઈ હતી ત્યારે પણ બજાર તૂટયું હતું. શુક્રવારે નિફ્ટિ ફિફ્ટી ૨૩૦૦૦ની આસપાસ અને સેન્સેક્સ ૭૫૦૦૦ની આસપાસ રમતો જોવા મળ્યો છે. આ સંજોગોમાં ભારતીય શેરબજારનો પરપોટો ગમે ત્યારે ફૂટશે તેવી વાત ગળે ઉતરે તેવી નથી.
હા, બીજીતરફ એ પણ સત્ય છે કે બજારના વાસ્તવિક ફંડામેન્ટલ્સ તેના સેન્સેક્સ કે નિફ્ટીફિફ્ટી જેટલા સંગીન નથી જ નથી. રોકાણકારો વાસ્તવિક ફંડામેન્ટલ્સને અવગણીને રોકાણ કરી રહ્યા હોવાનો સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યો છે. શેર્સના ભાવના વાજબીપણાનો વિચાર કર્યા વિના બજાર ભાવે તેમાં પૈસા ઠાલવી રહ્યા છે. આ એક અત્યંત જોખમી સ્થિતિ છે. ભાજપની પ્રગતિશીલ સરકાર વિજય તરફ આગળ વધી રહી છે તે આનંદની વાત છે. આનંદના અતિરેકમાં વાસ્તવની ભૂમિ પર પગ મૂકીને ચાલવાનું ઇન્વેસ્ટર્સ ભૂલી જશે તો તે તેના પોતાના ભોગે અને જોખમે થશે. વાસ્તવને અવગણવું એ ગાંડપણ આચરવા જેવું જોખમ છે.
કંપનીઓના નફામાં તગડો વધારો ન થયો હોવા છતાંય તેના શેર્સના ભાવ ઊંચકાવા માંડે તેવા સંજોગોમાં બજારનો પરપોટો ગમે ત્યારે ફૂટી જવાની ધાસ્તી લાગે તે સહજ છે. નિફ્ટી ફિફ્ટીના શેર્સનું માર્કેટ કેપિટલાઈઝેશન કુલ માર્કેટ કેપિટલાઈઝેશનના ૬૦ ટકા છે. શું તેને બજારને આગળ દોરી જતું પરિબળ ગણી શકાય? છેલ્લા પાંચ વર્ષમાં નિફ્ટિફિફ્ટીમાં વધારો થયો છે તેટલા પ્રમાણમાં નિફ્ટીફિફ્ટની કંપનીઓના નફામાં વધારો થયો નથી જ નથી. ૨૦૧૯થી ૨૦૨૪ના ગાળામાં નિફ્ટિફિફ્ટીની કંપનીઓની શેરદીઠ કમાણી રૂ. ૪૮૮થી વધીને રૂ. ૧૦૧૦ સુધી પહોંચી છે. તેમનો સર્વગ્રાહી વિકાસદર ૧૫.૬ ટકાનો રહ્યો છે. તેની સામે નિફ્ટિફિફ્ટી ઇન્ડેક્સમાં વર્ષે ૧૩.૭ ટકાનો વધારો થયો છે.
શેરબજાર હંમેશા ભાવિ પર જ નજર રાખે છે. તેથી ફોરવર્ડ પીઈ મલ્ટીપલને ધોરણે જ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. કંપનીને બાર માસમાં થનારી આવકને આધારે ગણતરી મંડાય છે. આ ગણતરીએ પણ નિફ્ટીફિફ્ટી બહુ જ કિંમતી હોવાનું જણાતું નથી. આગામી બાર માસના નિફ્ટીના ફોરવર્ડ મલ્ટીપર ૨૦.૫ના છે. હા, શેર્સના ભાવ તેની ઐતિહાસિક સરેરાશ કરતાં વધી જાય તો પણ માર્કેટ પરપોટા જેવું હોવાનું તારણ કાઢી શકાય છે. અત્યારે નિફ્ટી તેની સરેરાશ કરતાં નીચે છે.