રાષ્ટ્રવાદ જ્યારે પણ વકરે ત્યારે તે અતિરાષ્ટ્રવાદ બને છે
- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- જીડીપીની દ્રષ્ટિએ ચીન અમેરીકા પછી વિશ્વમા બીજુ સ્થાન ધરાવે છે
- ચીને જાણી જોઇને પોતાના ચલણ યુઆનને અન્ડવેલ્યુડ રાખ્યું છે
રાષ્ટ્રવાદ જ્યારે વકરે ત્યારે તે અતિરાષ્ટ્રવાદ બની જાય છે. અતિરાષ્ટ્રવાદની માનસીકતા એવી છે કે તે પોતાને જગતનું સૌથી મહાન, સૌથી ચઢિયાતુ અને સૌથી સત્તાશાળી રાષ્ટ્ર સમજે છે અને અન્ય દેશોને લગભગ ખંડિયા રાષ્ટ્રો ગણે છે અને તેમના પર પ્રભુત્વ ભોગવવા માગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અતિરાષ્ટ્રવાદનું સૌથી વરવુ ઉદાહરણ છે. આ પહેલા હીટલરે આર્યન જાતીની શ્રેષ્ઠતાના આધારે જગત પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો જે આત્મઘાતી સિધ્ધ થયો. અતિરાષ્ટ્રવાદના અહંકારમા અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જગતમા ટેરીફ યુદ્ધ શરૂ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે અમેરીકાની ઉદાર વિદેશી વ્યાપારની નીતિને કારણે જગતના દેશોએ અમેરિકાને ફોલી ખાધુ છે. અમેરીકન માલ પર જબરજસ્ત આયાતવેરો નાખ્યો છે.
અમેરિકાની જંગી વ્યાપારી ખાધ ઃ અમેરિકાની વ્યાપારી ખાધ ૨૦૨૪ના વર્ષમા ૧.૨ ટ્રીલીયન ડોલર્સ જેટલી અધધધ મોટી હતી. કોઈ દેશ આટલી મોટી વ્યાપારી ખાધ ચલાવી ના લે. ટ્રમ્પની દ્રષ્ટિએ ચીન લુચ્ચો દેશ છે. ૨૦૨૪ના વર્ષમા ચીને અમેરિકાને ૪૪૦ અબજ ડોલર્સની નિકાસ કરી અને બદલામા માત્ર ૧૪૪ બીલીયન ડોલર્સની અમેરીકામાંથી આયાત કરેલી ૨૯૬ બીલીયન ડોલર્સનો ટ્રેડ સરપ્લસ ઊભો કર્યો. અમેરીકાની ૧.૨ ટ્રીલીયન ડોલર્સ એટલે કે ૧૨૦૦ અબજ ડોલર્સની વ્યાપારી ખાધમા ચીન લગભગ ૨૫ ટકા જવાદાર છે તે અમેરીકા શા માટે ચલાવી લે ? ચીનને અમારા વ્યાપારી હિતોને ભોગે તાગડધીન્ના નહી કરવા દઈએ એમ ટ્રમ્પે સ્પષ્ટ રીતે જણાવ્યું છે. તે ઉપરાંત ચીને લુચ્ચાઇ કરીને તેના નાણા યુઆનને અન્ડરવેલ્યુડ રાખ્યું છે. એટલે અમેરીકાને આ સાથેના વ્યાપારના બેવડો માર પડે છે. ટ્રમ્પ યુરોપીયન યુનિયનના દેશોથી પણ ખફા છે. યુરોપીયન યુનિયનના દેશોએ ૨૦૨૪મા અમેરિકા ખાતે ૬૦૯ બીલીયન ડોલર્સમા માલસામાનની નિકાસ કરી જ્યારે તેઓએ અમેરિકા ખાતેથી ૨૦૨૪મા માત્ર ૩૭૨ બીલીયન ડોલર્સની આયાત કરી. અમેરીકાની પાડોશી મેક્સીકોએ પણ અમેરીકા ખાતે ૨૦૨૪મા ૫૧૬ બીલીયન ડોલર્સની નિકાસ કરી પરંતુ અમેરીકાથી માત્ર ૩૩૪ બીલીયન ડોલર્સની આયાત કરી.
અમેરીકા રશિયા સાથે કુણુ વલણ રાખે છે પરંતુ ચીન સામે બહુ ગુસ્સે છે. કારણ કે જીડીપીની દ્રષ્ટિએ ચીન અમેરીકા પછી વિશ્વમા બીજુ સ્થાન ધરાવે છે. ૨૦૨૪મા આઈએમએફમા અભ્યાસ પ્રમાણે જગતની કુલ આવક ૧૧૫.૫ ટ્રીલીયન ડોલર્સ હતી જેમા અમેરીકાની જીડીપી ૩૦.૩ ટ્રીલીયન ડોલર્સ, ચીનની ૧૯.૫ ટ્રીલયન ડોલર્સ, જર્મનીની ૪.૯૨ ટ્રીલીયન ડોલર્સ, જાપાનની ૪.૩૯ ટ્રીલીયન ડોલર્સ અને ભારતની ૪.૨૭ ટ્રીલીયન ડોલર્સ હતી. પરંતુ યાદ રહે કે અમેરીકાની માથાદીઠ સરાસરી આવક અધધધ (૨૦૨૪માં) ૮૬,૬૦૦ ડોલર્સ હતી જ્યારે ચીનની ૧૯૪૯મા ૩૫ વર્ષના માઓવાદી શાસન પછી ૨૦૨૪મા માત્ર ૧૩,૨૦૦ ડોલર્સ, રશિયાના ૧૯૧૭ની ઓક્ટોબર ક્રાંતિના ૧૦૮ વર્ષ પછી માથાદીઠ આવક માત્ર ૧૫,૦૦૦ ડોલર્સ અને ભારતની આઝાદી પછીના લગભગ ૭૮ વર્ષ બાદ માથાદીઠ સરાસરી આવક ૨૬૦૫ ડોલર્સ છે. જો કે પર્સેઝીંગ પાવર ચેરીટીની દ્રષ્ટિએ ગણતરી કરતા તે વર્લ્ડ બેંકના છેલ્લા એસ્ટીમેટ પ્રમાણે ૧૧,૪૯૨ ડોલર્સ હતી. ભારતની મુખ્ય સમસ્યા આર્થિક અસમાનતાની છે. જગતમાં રાજાશાહી મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, ગાંધીવાદ કે કોઈ ધર્મ માનવ સમાનતા લાવી શક્યો નથી.