નવી સરકારે શું કરવાનું રહેશે?
ઇન્ફોસિસના ફાઉન્ડર અને સાથી ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને ક્રીસ ગોપાલ કૃષ્ણને કહ્યું છે કે કેન્દ્રમાં જે પણ નવી સરકાર આવશે તેણે કેટલાક મહત્વના મુદ્દે વધુ ધ્યાન આપવું પડશે. આ મુદ્દાઓમાં ઉદ્યોગ સાહસિકો માટે આસાન ઉદ્યોગ નીતિ, નવી જોબ ઉભી કરવી તેમજ ટેક્સની આવક વધારવી વગેરે પર ધ્યાન આપવું પડશે. ઉદ્યોગો પરના સરકારી નિયંત્રણો હટાવીને તેને વધુ જોબ ઉભી કરવા માટે પ્રોત્સાહીત કરવા જોઇએ.
રીલ બનાવવા કેરળથી દુબઈ કાર લઈ ગયો
કેરળનો બિઝનેસમેન દિલીપ હેઈલબ્રોન્ન પોતાની રેન્જ રોવર કેરળથી દુબઈ એટલા માટે લઈ ગયા કે જેથી બુર્જ ખલીફાની બહાર પાર્ક કરીને રીલ બનાવી શકાય. દિલીપે બનાવેલી રીલને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ૨૫ લાખથી વધારે લોકોએ રીલ જોઈ છે અને ૨૫ હજારથી વધારે લાઈક્સ મળી છે. લોકો આ રીલ પર રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે, યંગસ્ટર્સ દુબઈથી કાર ખરીદીને કેરળ લઈ જાય છે ત્યારે તમે કેરળથી કાર દુબઈ લઈ આવ્યા એ જોઈને ગર્વ થાય છે.
દિલીપના પરિવારે આ રેન્જ રોવર ૨૦૧૧માં ખરીદી હતી. દિલીપે બુર્જ ખલીફાની જેમ બીજાં ઘણાં આઈકોનિક બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરીને તેની રીલ્સ બનાવેલી છે. દિલીપનો વ્યવસાય પ્રોપર્ટી ડીલર તરીકેનો છે પણ તેને પ્રવાસનો શોખ છે તેથી પોતાની રેન્જ રોવર લઈને ફર્યા કરે છે.
TCSના તગડા પગારો
ટાટા કન્સલટન્સી સર્વિસ (TCS) ના સીઇઓ અને એમડીનો પગાર આંખો પહોળી થઇ જાય એટલો છે. ટીસીએસના સીઇઓ કે. ક્રિથીવસનનો ૨૦૨૪થી પાંચ વર્ષ માટે વર્ષનું પગાર પેકેજ અંદાજે ૨૬ કરોડ રુપિયા છે. એટલેકે મહિનાનો પગાર ૨ કરોડ ૧૬ લાખ રૂપિયા થાય. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીએ આપેલા એન્યુઅલ રિપોર્ટમાં આ પગારનો ઉલ્લેખ કરાયો છે. ૨૦૨૩ના સીઇઓ રાજેશ ગોપીનાથનું પગાર પેકેજ ૨૯.૧૬ કરોડ રૂપિયા હતું. આ ઉપરાંત ટીસીએસના ચીફ ઓપરેટીંગ ઓફિસર (COO) એનજી સુબ્રમણ્યમનું પગાર પેકેજ ૨૬.૧ કરોડ રૂપિયા હતું. તે આ મહિને નિવૃત્ત થઇ રહ્યા છે. બંને છેલ્લા ચાર દાયકાથી TCSમાં છે.
45 દિવસમાં પેમેન્ટનો વિવાદ
માઇક્રો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ (MSMEs) ને ૪૫ દિવસમાં પેમેન્ટ ચૂકવવાના ૧લી એપ્રિલથી આવેલા નવા કાયદાને ટ્રેડર્સ એસોસીયેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે તે સાંભળવાની ના પાડી અને કહ્યું હતું કે તમારે રાહ જોઇતી હોય તે હાઇકોર્ટમાં જાવ. ટેક્ષ બેનિફીટ માટે ૪૫ દિવસમાં પેમેન્ટ ચૂકવવાના કાયદા સામે વિવિધ ફેડરેશન સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
તાજ હોટલ જેવી રેસીડન્સી
તાજ હોટલ જેવી બ્રાન્ડની રેસીડન્સી ચેન્નાઇમાં ૨૦૨૭ સુધીમાં તૈયાર થઇ જશે. જેમાં રેસીડેન્સી ઉપરાંત કોમર્શીયલ દુકાનો પણ હશે. તેનો લુક આઉટ તાજ હોટલ જેવો હશે. ચેન્નાઇ સ્થિત AMPA ગૃપ સાથેનું આ સંયુક્ત સાહસ હશે. તેમાં ૨૩ માળ હશે અને ૧૨૩ લક્ઝરી હાઉસીંગ સિસ્ટમ જોવા મળશે. ચેન્નાઇમાં સૌથી ઉંચા એવા આ પ્રોજેક્ટ પાછળ ૮૫૦ કરોડ રોકવામાં આવ્યા છે. તેના એપાર્ટમેન્ટની કિંમત ૬.૪ કરોડ થી ૧૯ કરોડ રૂપિયા સુધીની હશે.
એપલ iPhoneના એક્સપોર્ટમાં ઉછાળો
એપલના iPhoneનું એક્સપોર્ટ લગભગ બમણું થઇ ગયું છે. એપ્રિલ માસમાં એક્સપોર્ટ ૧.૧અબજ ડોલર એટલેકે અંદાજે ૯૦૦૦ કરોડ પર પહોંચ્યું છે. ગત વર્ષે આ સમયગાળામાં ૫૮૦ મિલીયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું. આમ એક્સપોર્ટ બમણું થયું છે એમ કહી શકાય. આઇફોનનું ઉત્પાદન ભારત અને ચીન એમ બે સ્થળે થાય છે. એપલે ૧૪ થી ૧૫ ટકા જેટલું પ્રોડક્શન ભારતમાં શિફ્ટ કરી દીધું છે.
ભારતને 30 લાખ CAની જરૂર પડશે
આજકાલ વિદ્યાર્થીઓ CA બનવા ખૂબ મહેનત કરે છે. બીકોમની સાથે CA થવાતું હોવાથી વિદ્યાર્થીઓ તે વધુ પસંદ કરે છે. જોકે CAનો કોર્સ કરનારા પૈકી અડધા ઉપરાંતના વિદ્યાર્થીઓ ફસકી પડે છે તો કેટલાક ઉપરા છાપરી ટ્રાયલો આપીને કંટાળે છે. હવે જ્યારે ભારત ૨૦૪૭માં ૩૦ ટ્રીલીયન ડોલરની ઇકોનોમીનો ધ્યેય રાખીને બેઠું છે ત્યારે સામે CAની ડિમાન્ડ પણ ઉભી થશે. ઇન્સ્ટિટયૂટઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (ICAI) ના પ્રમુખે કહ્યું છે કે જે રીતે રોડમેપ તૈયાર કરાયો છે તે રીતે ચાર્ડર્ટ એકાઉન્ટન્ટની જરૂર પણ પડશે. આજે ચાર ટ્રીલીયનની ઇકોનોમી છે ત્યારે ચાર લાખ CA છે એમ જ્યારે ૩૦ ટ્રીલીયનની ઇકોનોમી થશે ત્યારે ૩૦ લાખ CA જોઇશે.