ટ્રમ્પે નવા ટેરિફ જાહેર કરીને વિશ્વ વેપારના નિયમનો ભંગ કર્યો
- એન્ટેના - વિવેક મહેતા
- અમેરિકાએ બહારના દેશોમાંથી તેના દેશમાં ઠલવાઈ રહેલા પ્રોડક્ટ્સ પર બહુ જ ઊંચી આયાત ડયૂટી લગાડેલી છે
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ઉદ્યોગોના પ્રોડક્ટ્સના બજાર પર દુનિયાભરના દેશોના ઉત્પાદકો દ્વારા કરવામાં આવતા આક્રમણને ખાળીને પોતાના દેશના ઉદ્યોગોને રક્ષણ આપવાનો અને તેના માધ્યમથી નવી રોજગારી નિર્માણ કરવાનો છે. જોકે તેને કારણે વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર ચાલુ થઈ રહ્યું છે. એપ્રિલ-નવેમ્બર ૨૦૨૪ દરમિયાન બંને દેશો વચ્ચે ૮૨.૫૨ અબજ અમેરિકી ડૉલરની નિકાસનો વેપાર થયો હતો. જ્યારે ૨૯.૬૩ અબજ અમેરિકી ડૉલરની આયાત થઈ હતી. ટ્રમ્ફે ભારતમાંથી સ્ટીલ ને એલ્યુમિનિયમની કરવામાં આવતી આયાત પર ૨૫ ટકા આયાત ડયૂટી લગાડવાનો નિર્ણય કર્યો છે. બારમી માર્ચથી નવી ડયૂટી લાગુ પડશે. તેની અસર ટાટા અને આર્સેલર મિત્તલ જેવા મોટા સ્ટીલના ઉત્પાદકો પર પડશે. નાના ઉત્પાદકો પર તેની અસર પડશે નહિ. ૨૦૧૮માં અમેરિકાએ ભારતમાંથી આયાત થતાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ડયૂટી લગાડી તેની સામે વળતા પગલાં તરીકે ભારત સરકારે અમેરિકાથી ભારત આયાત કરવામાં આવતા ૨૯ ઉત્પાદનો પર આયાત ડયૂટી લગાડી હતી. જોકે આયાત ડયૂટી લગાડીને આયાતી માલને મોંઘા કરી દેવામાં આવે છે. પરિણામે સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવતા માલનું વેચાણ ટકી રહે છે. સ્થાનિક ઉત્પાદકોને તેના થકી રક્ષણ પણ મળે છે. અમેરિકામાં ભારતમાંથી ઓટો પાર્ટ્સની ખાસ્સી આયાત થાય છે. તેના પર ઊંચી ડયૂટી લગાડી દેવામાં આવે તો આયાત ડયૂટીને કારણે તેની કિંમત વધી જાય છે. તેથી સ્થાનિક લોકોને તે આયાતી પ્રોડક્ટ્સ ખરીદવા માટે વધુ ઊંચી કિંમત ચૂકવવી પડે છે. અમેરિકાથી થતી નિકાસ કરતાં આયાત વધી રહી હોવાથી અમેરિકાની ટ્રેડ ડેફિસિટ-વ્યાપારી ખાધ વધી છે. ૨૦૨૩-૨૪માં ભારત અને અમેરિકા વચ્ચેની વેપારી ખાધ અંદાજે ૩૫.૩૧ અબજ ડૉલરની હતી. આ ખાધ ઘટાડવા માટે જ ડોનાલ્ડ ટ્રમ્ફે આયાત ડયૂટી લગાડી છે. અમેરિકાએ બીજા દેશો પણ ઊંચી આયાત ડયૂટી લગાડવાનો મૂકેલો આરોપ ધરાર ખોટો છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટીવના મતાનુસાર ખુદ અમેરિકા જ પોતાના સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવા માટે ઊંચી આયાત ડયૂટી લગાડી રહ્યું છે. અમેરિકામાં બહારના દેશોમાંથી પ્રવેશતા ડેરી ઉત્પાદનો પર ૧૮૮ ટકા, ફળ અને શાકભાજી પર ૧૩૨ ટકા, અનાજ અને આહાર પર ૧૯૩ ટકા, તેલિબિંયા, ચરબી અને તેલ પર ૧૬૪ ટકા તથા પીણાઓ અને તમાકુ પર ૧૫૦ ટકા આયાત ડયૂટી વસૂલે છે. આ જ રીતે ચા, કોકો અને મરીમસાલા પર ૫૩ ટકા અને રસાયાણો પર ૫૬ ટકા તથા મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદનો પર ૩૫ ટકા આયાત ડયૂટી વસૂલે છે. અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયાએ અનુક્રમે સરેરાશ ૩૫૦ ટકા, ૪૫૭ ટકા અને ૮૮૭ ટકા આયાત ડયૂટી લાદેલી છે. વિશ્વ વેપારના નિયમો મુજબ સભ્ય દેશોએ તેમની આયાત ડયૂટીનું સમયપત્રકની અગાઉથી જાહેરાત કરવા બંધાયેલા છે. આ નિયમ પ્રમાણેની ડયૂટી ન વસૂલવામાં આવે તો તેને નિયમનો ભંગ ગણવામાં આવે છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ડયૂટીઓ નિયમના ભંગ સમાન છે.