ધોકા નિમિત્તે જાહેર થઈ ત્રિશંકુ જન ધનાધન યોજના
- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- ઉત્સવપ્રેમી સરકારે નક્કી કર્યું છે કે પડતર દિવસ પણ કોઈ પ્રકારની ઉજવણી વિના નકામો ન જવો જોઈએ
સુપ્રીમ કોર્ટના આદેશને માન આપીને એક પણ ફટાકડો ફોડયા વગર, ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની ચેતવણીને માન આપીને શંકાસ્પદ માવાથી બનેલી કોઈ કાજૂ કતરી ચાખ્યા વગર અને લેણદારોએ સાલ મુબારક કહેવાના બહાને પણ ધક્કો ન ખાવો પડે તે માટે સોશિયલ મિડીયા પર લક્ષ્મી પૂજનનો એક પણ ફોટો મુક્યા વગર દિવાળી મનાવ્યા બાદ ધોકાના દિવસે તકુભાઈએ પથારીમાં લંબાવ્યું. ત્યાં એક ફોન આવ્યો.
' અભિનંદન, તમે ખૂબ નસીબદાર છો.'
સામા છેડે કોઈ મેડમ હતાં. આથી પોતાના અવાજને ઊંઘરેટો બનાવ્યા વગર કે કંટાળો કે ગુસ્સો દર્શાવ્યા વિના બને તેટલી નમ્ર મધુરતાથી તેમણે જવાબ આપ્યો. 'મેડમ, આ દુનિયામાં જેની ઊંઘ બગડી હોય તેના જેવો બદનસીબ કોઈ નથી.'
'એગ્રી સર, પણ હવે તે તમારી સાત પેઢીઓ સુખેથી નિંદર માણી શકશે.'
'મેડમ, મારા પર આમે બહુ ઉધારી છે. હવે કોઈ લોનની ઓફર ન કરતા, પ્લીઝ.'
'અરે સર,આ અમૃતકાળમાં આજના ખાસ પડતર દિવસે સરકારે ત્રિશંકુ જન ધનાધન યોજના જાહેર કરી છે અને તમે તેના ભાગ્યશાળી લાભાર્થી બન્યા છો.'
'ત્રિશંકુ જન ધનાધન? આવું તો ક્યાંય સમાચારોમાં સાંભળ્યું જ નથી. કોઈ ચેનલ પર પણ ન જોયું.'
'સર ,એ જ તો વાત છે. સરકારે નક્કી કર્યું છે કે પહેલાં જન ધનાધનના લાભાર્થીઓેને લાભ આપી દેવો. અને પછી જ યોજનાની જાહેરાત કરવી.'
'મેડમ, સરકાર યોજના જાહેર કરે પણ પછી લાભાર્થીઓ સુધી લાભ પહોંચતાાં પેઢીઓ વીતી જાય એવું બને છે. પહેલાં લાભાર્થીને લાભ મળે ને પછી યોજના જાહેર થાય એવું પહેલી વાર જોયું.'
'એ જ તો વાત છે, સર. દેશમાં છેલ્લાં ૭૫ વર્ષમાં નથી થયું એવું બધું હવે થવા બેઠું છે. ને તમે તો ઈન્ટેલિજન્ટ છો સર, તમને ખબર છે કે લોકસભાની ચૂંટણી આવી છે. આપણી ઉત્સવપ્રેમી સરકારે નક્કી કર્યું છે કે આ પડતર દિવસ પણ કોઈ ઉજવણી વિના પસાર ન થવો જોઈએ. નવા અને જૂના વર્ષ વચ્ચે લટકી પડેલા આજના દિવસના ખાસ માનમાં 'ત્રિશંકુ'ના નામે રચાયેલી જન ધનાધન યોજનાના ભાગરુપે તમારા ખાતામાં તાબડતોબ પેલા ૧૫ લાખ જમા થઈ જશે. બસ, તમને એક ઓટીપી મોકલીએ એ કહી દો.'
પોતાને મળેલું ઈન્ટેલિજન્ટનું સંબોધન નકામું ન જાય એટલે તકુભાઈએ ફટ દઈને ઓટીપી આપી દીધો.
'થોડીવારમાં પેલાં મેડમનો ફોન આવ્યો. 'એલા, તમને કોઈ શરમ છે કે નહીં. ખાતામાં માંડ બે રુપિયા ને ૧૨ પૈસા બેલેન્સ છે.ખોટી આટલી મહેનત કરાવી.'
તકુભાઈ હસતાં હસતાં કહે, 'મેડમ, તમે ૧૫ લાખનો આંકડો કહ્યો ત્યારથી જ સમજી ગયો હતો કે એની રાહમાં તો આખો દેશ ત્રિશંકુ હાલતમાં વર્ષોથી લટકેલો છે. એટલે કાંઈક તો લોચો છે જ. ને અમને તો નેતાઓ ખુલ્લંખુલ્લા જાહેર મેદાનમાં ભાષણ કરીને છેતરે છે, આ રીતે ગૂપચૂપ ફોન કરીને નહીં.'
મેડમે 'ધોકા મુબારક' કહી ફોન કાપી નાખ્યો.
સ્માઈલ ટિપ
મતદાનનો દિવસ એ દિવાળી છે અને પછીના પાંચ વર્ષ હોય છે ધોકો!