AI ટેકનોલોજીના ઉપયોગમાં વીજ વપરાશ ઊંચો રહેતો હોવાનો મત
- AI કોર્નર
- એક અંદાજ પ્રમાણે, એઆઈ કામગીરી હાથ ધરવા ઊર્જા જરૂરિયાતમાં વાર્ષિક ૨૬થી ૩૬ ટકાની વચ્ચે વધારો થઈ રહ્યો છે
પેટ્રોલ-ડીઝલ તથા કોલસા થકી ફેલાતા પ્રદૂષણને અટકાવવા વિશ્વ આખું રિન્યુએબલ ઊર્જા ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે વિશ્વમાં નવી ટેકનોલોજી ખાસ કરીને આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના આગમન સાથે વીજ વપરાશમાં પણ જોરદાર વધારો થઈ રહ્યો છે અને એઆઈ ટેકનોલોજીના વિકાસ તથા વપરાશમાં વધારા સાથે વીજ માટેની માગમાં વધારો થવાની શકયતા નકારાતી નથી. અઝરબૈજાનના બાકુ ખાતે યોજાઈ ગયેલી યુનાઈટેડ નેશન્સની કલાયમેટ કોન્ફરન્સમાં એઆઈના ઉપયોગમાં જે માત્રામાં વીજનો વપરાશ થઈ રહ્યો છે તે પ્રત્યે ચિંતા વ્યકત કરવામાં આવી હતી અને એઆઈને ઊર્જા ખાઉ ટેકનોલોજી તરીકે વર્ણવાઈ હતી. ઊર્જા વપરાશમાં વધારો છેવટે કલાયમેટ ચેન્જ કટોકટીમાં ઉમેરો કરાવે છે.
સદર પરિષદમાં એઆઈના મહત્વને માન્ય રખાયું છે પરંતુ તેના વપરાશ થકી પડનારી અસરો માટે પણ ચિંતા વ્યકત કરવામાં આવી હતી. જંગી ઊર્જા વપરાશ માગી લેતી એઆઈ ટેકનોલોજી માટે રિન્યુએબલ ઊર્જાને જ પ્રાધાન્ય આપવા પર ભાર અપાયો હતો.
એઆઈ ટેકનોલોજીના ઉપયોગમાં ઊર્જા વપરાશ ખાસ કરીને ડીપ લર્નિંગ મોડેલ્સમાં નોંધપાત્ર રહે છે. જીપીટી-૩ સહિતના કેટલાક મોટા સ્તરના મોડેલ્સને તાલીમ પૂરી પાડવા માટે પણ વ્યાપક વીજ વપરાશ થાય છે. ઉદાહરણ તરીકે જીપીટી-૩ને તાલીમ માટે ૧૨૮૭ મેવો વીજની આવશ્યકતા રહે છે જે અમેરિકામાં દસ ડઝન રહેઠાણોના વાર્ષિક વીજ વપરાશ જેટલી છે, એમ એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. એટલું જ નહીં એક સિંગલ એઆઈ મોડેલને તાલીમ પૂરી પાડવામાં કારબનનું જંગી ઉત્સર્જન થાય છે. એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર્સ ધરાવતા ડેટાસેન્ટરોમાં વીજનો વ્યાપક વપરાશ થતો હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આમ એઆઈ દ્વારા વીજ વપરાશમાં વધારો વિશ્વમાં વીજની અછત ઊભી કરી શકે છે.
એઆઈ તથા તેના સાધનોમાં સતત નવીનતા કલાયમેટ ચેન્જ જેવા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા મહત્વની બની રહે છે. પરંતુ એઆઈના વપરાશમાં વધારો વીજ ઉત્પાદનમાં વૃદ્ધિ માગી લે છે. એક અંદાજ પ્રમાણે, એઆઈ કામગીરી હાથ ધરવા ઊર્જા જરૂરિયાતમાં વાર્ષિક ૨૬થી ૩૬ ટકાની વચ્ચે વધારો થઈ રહ્યો છે. ભારતની વાત કરીએ તો નાણાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં જનરેટિવ એઆઈ ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં ૩૫૯ અબજ ડોલરથી ૪૩૮ અબજ ડોલર વચ્ચેનો ઉમેરો કરી શકે છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર માઈકલ ડી પાત્રાએ તાજેતરમાં જણાવ્યું હતું. ભારતની કંપનીઓ દ્વારા ઉત્પાદન પ્રક્રિયામાં એઆઈનો સ્વીકાર ૨૦૨૩માં આઠ ટકા હતો તે ૨૦૨૪માં નોંધપાત્ર વધી ૨૫ ટકા પહોંચી ગયો છે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર, વાયબ્રન્ટ ઈન્ફરમેશન ટેકનોલોજી તથા યુવાધન સાથે વિકાસના નવા માર્ગોને ખોલવા અને વર્તમાનનો મહત્તમ ઉપયોગ કરવા ભારત સજ્જ છે.
ગ્લોબલ જનરેટિવ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (જન એઆઈ) ક્ષેત્રમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે અને જનએઆઈ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મોટા દેશોના હિસ્સામાં ભારતની રેન્ક છઠ્ઠી રહી છે. વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં ભારતનું જનએઆઈ ફન્ડિંંગ ત્રિમાસિક ધોરણે છ ગણું વધ્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતના જનએઆઈ સ્ટાર્ટઅપ્સે ૫.૧૦ કરોડ ડોલર ઊભા કર્યા છે જે જૂન ત્રિમાસિકમાં ૮૦ લાખ ડોલર ઊભા કરાયા હતા એમ નાસ્કોમે તેના રિપોર્ટમાં નોંધ્યું છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ફન્ડિંગના વીસ જેટલા રાઉન્ડ જોવા મળ્યા હતા જે જનએઆઈ સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે ફન્ડિંગ પ્રવૃત્તિ વધી રહ્યાનું સૂચવે છે. વાર્ષિક ધોરણે જોવા જઈએ તો, ફન્ડિંંગમાં ૩.૪૦ ટકા વધારો થયો છે, જે દેશમાં એઆઈ ટેકનોલોજીમાં આકર્ષણ વધી રહ્યાના સંકેત આપે છે. જનરેટિવ એઆઈ ક્ષેત્રનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને ટેકનોલોજી સેવા પૂરી પાડનારી કંપનીઓની પુનઃરચના થઈ રહી છે અને નવી ક્ષમતાઓ પણ ખુલી રહી છે.
ટેકનોલોજી સેવા પૂરી પાડતી કંપનીઓ તેમની સ્ટ્રેટેજીનું રિવેલ્યુએશન કરી રહી છે અને ટેકનોલોજી તથા ટેલેન્ટમાં ઈન્વેસ્ટમેન્ટ વધારી રહી છે. વીજ ક્ષેત્ર મારફત પ્રદૂષણ ફેલાતું અટકાવવામાં ભારત વિશ્વની સરખામણીએ હજુ પાછળ છે અને આ મુદ્દે તેણે ઘણું કરવાનું રહે છે. વીજ અછતને કારણે વિકાસ રૂંધાય નહીં તેની ખાતરી રાખવા ભારત કોલસા આધારિત વીજમાંથી ઉતાવળે પાછીપાની કરવાને બદલે તે મારફતના ઉત્પાદનમાં વધારો કરી રહી છે. વીજની વધી રહેલી માગ સાથે રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન વધારવા દેશમાં જોઈએ તેવી સફળતા મળી નથી જેને કારણે કોલસા આધારિત વીજ ઉત્પાદન એકમોને સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત રાખવામાં આવી રહ્યા છે. એકતરફ વિશ્વના દેશો પ્રદૂષણ સામે સાથે મળીને લડત ચલાવી રહ્યા છે ત્યારે દેશમાં કોલસા આધારિત વીજ ઉત્પાદન હજુ ઘટતું નથી.
ઊર્જા વેડફાટ ઘટાડવા અને વેપાર પ્રક્રિયાની ક્ષમતા વધારવા એઆઈ મદદરૂપ થાય છે પરંતુ એઆઈના ઉપયોગમાં થતા જંગી વીજ વપરાશથી એઆઈ ટેકનોલોજી થકી થતા લાભો ધોવાઈ જવાનો ભય વ્યકત કરવામાં આવી રહ્યો છે, ત્યારે એઆઈના વિકાસની સાથોસાથ વીજના ઉત્પાદન ખાસ કરીને રિન્યુએબલ ઊર્જા ઉત્પાદનમાં વધારો કરવામાં ઝડપ કરવી જરૂરી બની ગયું છે તેમ બાકુ પરિષદમાં સાર રહ્યો હતો.