દેવતાઓની કરંસી ગણાતી સોના- ચાંદીમાં લાલચોળ તેજીના એંધાણ
- કોમોડિટી કરંટ
- કેન્દ્રિય બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે વિશેષ નાણાંની જોગવાઈ : રવિ સીઝન એક મહિનો લેટ આવી
ગયા અઠવાડિયે એગ્રી કોમોડિટીઝ તથા શેરબજારમાં થયેલા ધબડકાને કારણે વેપારી તથા ખેડૂત વર્તુળોમાં ભારે સુસ્તી છવાઈ છે. કૃષિ બજારોમાં સીઝન લગભગ એક મહિનો લેટ ચાલી રહી છે. આ સંજોગોમાં ટ્રમ્પની વિવિધ ધમકીઓની અસરથી ભારતીય શેરબજારમાંથી વૈશ્વિક રોકાણકારના વર્ગની વેચવાલી મોટે પાયે આવતા ગત અઠવાડિયું બ્લેક વીક રહ્યું હતું. શેરબજારનો નફો અડધા ઉપરાંત ઘટી જતાં મોટા ભાગનો સ્થાનિક રોકાણકાર વર્ગ ભારે દાઢ્યો છે. આજ સ્થિતિ સ્થાનિક કૃષિ ક્ષેત્રમાં પણ પ્રવર્તી રહી છે. મોટા ભાગની કૃષિ ચીજોની બજારો અડધી થઈ જતાં વેપારી વર્ગ તથા ખેડૂત વર્ગ મુંઝવણ અનુભવી રહ્યો છે. ઊંઝા જેવા કૃષિ બજારોમાં પણ ગત વર્ષે ઉંચા મથાળે માલના સ્ટોક કર્યા બાદ હવે બજારો તૂટીને તળિયે આવી જતાં કેટલીય પેઢીઓ કાચી પડી રહી છે. લગભગ ૭૦થી ૭૫ ટકા વેપારી વર્ગ આર્થિક નુકસાનના બોજા તળે આવ્યો હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. કૃષિ પેદાશોની બજારો તૂટવા છતાં રિટેઇલ ક્ષેત્રો કેટલીક ચીજોની મોંઘવારી હજુ યથાવત્ છે જેના ઉપર સરકાર તાત્કાલીક પગલા લે તેવું પ્રજા ઇચ્છી રહી છે. કૃષિ પાકોની હોલસેલ બજારમાં તેજી આવ્યા બાદ તરત જ રિટેઇલ બજારોમાં તેજી પકડાઈ મોંઘવારી વધે છે. પરંતુ હોલસેલ બજારોમાં મંદી થાય તો પણ રિટેઇલ બજારોમાં ઉંચા મથાળેના ભાવો યથાવત્ રહે છે. જેનાથી રિટેઇલનો ધંધો કરનાર તત્ત્વોનો નફો વધી જાય છે. પરંતુ સ્થાનિક પ્રજાને મંદીનો કોઈ લાભ મળતો નથી. આ બાબતે સરકારે તાત્કાલીક દરમિયાનગીરી કરી પગલા લેવાય તેવી વ્યાપક રાવ છે.
જો કે આ વખતે કેન્દ્રિય નવા બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે નાણાંની ફાળવણીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ખાસ કરીને સિંચાઈ ઉપર સરકારે વધુ ભાર આપ્યો છે. દરેક ખેતરને પાણી મળે તે હેતુથી આ ક્ષેત્રમાં લગભગ ૬૦૦ કરોડ ઉપરાંતની ફાળવણી કરવામાં આવી છે. જળસ્ત્રોતો વધારવા, તેનું નવીનીકરણ, લઘુ સિંચાઈ યોજનાઓ, ભુગર્ભ યોજનાઓની સાથે સાથે કિસાન ક્રેડિટ કાર્ડની સીમા પણ વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉફરાંત દાળો તથા તેલીબિયાની ખેતી વધારવા માટે પણ સરકારે અભિયાન હાથ ધરેલ છે.
દરમિયાન રવિ સીઝનમાં આ વર્ષે કપાસ, જીરૂ, રાયડો, એરંડા, ગવાર સહિત કેટલીક ચીજોમાં ઉત્પાદન ઘટવાની ગણત્રીઓને કારણે સીઝન બાદ ઉપરોક્ત ચીજોના બજારમાં તેજી થવાની શક્યતાઓ વેપારી વર્ગમાં ચર્ચાસ્પદ બની છે. કપાસનું વિશ્વ લેવલે વાવેતર તથા ઉત્પાદન ઘટવાના અહેવાલો છે. કપાસ ઉત્પાદિત અમેરિકા, ચીન, તથા પાકિસ્તાનમાં શરૂ થનાર વાવેતરમાં કાપ થવાના એંધાણ છે. સ્થાનિક સ્તરે પંજાબ, હરિયાણા તથા ગુજરાતમાં પણ વાવેતર તૂટશે ત્યારે હાલના બજાર લેવલથી કપાસના ભાવ હવે ઘટવાની શક્યતા ઓછી હોવાની વકી છે. અત્યાર સુધીમાં ૨૦૦ લાખ ગાંસડી ઉપરાંતનો માલ બજારમાં ઠલવાઈ ચૂક્યો છે. કપાસના નીચા ભાવોને કારણે સીસીઆઇ દ્વારા અત્યાર સુધીમાં ૯૨ લાખ ગાંસડી જેટલા માલોની ખરીદી કરાઈ છે. કપાસમાં મણે બે હજાર રૂપિયા ઉપરાંતના ભાવ મળે તો પોષણક્ષમ ગણાય તેવી ચર્ચા વ્યાપક છે.
બીજી તરફ સોના-ચાંદીની વૈશ્વિક સ્તરે કિંમતો રેકોર્ડ સ્તરે બની છે. રાજકીય યુદ્ધના સંકેતો તથા નવીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી ભરી નીતિઓને કારણે સોના-ચાંદીની ડિમાન્ડમાં તીવ્ર વધારો થયો છે. હાલમાં શેરબજારમાંથી નાણાં ફંટાઈને સોના-ચાંદી તરફ વધુ જઈ રહ્યા છે. સોના ચાંદી દેવતાઓની કરંસી કહેવાય છે. ગમે ત્યારે અડધી રાત્રે પણ નાણાં કૅશ થઈ શકે છે. આ ઉપરાંત હિન્દુ ધાર્મિક સ્તરે પણ ખૂબ શુભ તથા શુકનિયાળ માનવામાં આવ છે.
આ ઉપરાંત આજકાલ શેરબજાર કરતા પણ વધુ વળતર સોના-ચાંદીમાં મળી રહ્યું છે. વર્ષ ડિસેમ્બર ૨૦૦૭થી મે- ૨૦૦૯ દરમ્યાન સોનામાં ૨૯.૬ ટકા અને ચાંદીમાં ૧૭.૨ ટકા રિટર્ન મળેલ હતું. જ્યારે શેરબજાર ૧૫થી ૧૭ ટકા ડાઉન સ્તરે હતું. ત્યારબાદ સપ્ટેમ્બર- ૨૦૧૦થી એપ્રિલ ૨૦૧૨ દરમ્યાન પણ સોનામાં ૨૮.૯ ટકા અને ચાંદીમાં ૪૨.૯ ટકા રિટર્ન મળેલ હતું.
આ ઉપરાંત કોરોના સમયે જાન્યુઆરી ૨૦૨૦થી જૂન ૨૦૨૦ દરમ્યાન પણ સોનામાં આકર્ષક વળતર રહ્યું હતું અને છેલ્લે રશિયા- યુક્રેન યુદ્ધ સમયે ઓક્ટોબર ૨૦૨૧થી એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન સોનામાં ૧૭.૯ ટકા અને ચાંદીમાં ૧૪ ટકા રિટર્ન મળેલ હતું.