જીએસટીના ગુના કરતા આરોપીઓની ધરપકડ વખતે આરોપીને ધરપકડના કારણો લેખિતમાં જણાવવાના રહે છે
- GSTનું A to Z - હર્ષ કિશોર
- કોઈપણ વ્યક્તિની ધરપકડ ઓછામાં ઓછા બળ અને હિંસાનો ઉપયોગ કરીને કરવી જોઈએ. આરોપી ભાગી ન જાય તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે. ધરપકડની શક્ય તેટલી ઓછી પબ્લીસીટી કરવી
જીએસટી કાયદા હેઠળ જીએસટીના ગુના કરતા આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યાર સુધીમાં સીબીઆઈસી દ્વારા કુલ બે વખત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે જેની વિગતો આજે આપણે જોઇશું. વર્ષ ૨૦૨૧ માં નામદાર સુપ્રીમ કોર્ટે જીએસટીની કલમ ૬૯માં રહેલી કેટલીક અસ્પષ્ટ બાબતો અંગે ચિંતા વ્યક્ત કરેલ હતી તેમજ સરકાર પાસેથી રૂપિયા એક કરોડથી પાંચ કરોડ સુધીની ક્ષતિઓ માટે ઈશ્યુ કરાયેલ નોટિસો અને ધરપકડનો ડેટા કોર્ટને પૂરો પાડવા જણાવેલ હતો. કોર્ટે જણાવેલ કે છેતરપિંડીના કિસ્સા અને અજાણતા થયેલી કે નિર્દોષ સત્યો વચ્ચે તફાવત હોવો જોઈએ.
પ્રથમ કેસ બન્યો સિદ્ધાર્થ વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ ક્રિમિનલ અપીલ નંબર ૮૩૮ ઓફ ૨૦૨૧. નામદાર સુપ્રીમ કોર્ટે આ કેસમાં તારીખ ૧૬. ૮. ૨૦૨૧ ના રોજ આપેલ ચુકાદામાં જે અવલોકનો આપેલ હતા તેના અનુસંધાને સીબીઆઈસીની જીએસટી ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા તારીખ ૧૭. ૮. ૨૦૨૨ ના રોજ જીએસટી હેઠળ ગુના સબબ ધરપકડ અને જામીન બાબતે સૂચનાઓ બહાર પાડેલ છે.
મુખ્ય બાબતો : જીએસટી કાયદાની કલમ ૧૩૨(૧) માં જણાવેલ અપરાધો માટેની સજા કાયદામાં ઠરાવવામાં આવેલ છે. કલમ ૬૯(૧)માં કમિશનરને જ્યારે એમ માનવાને કારણ હોય કે કોઈ વ્યક્તિએ કલમ ૧૩૨(૧) ને પેટા કલમ એ,બી સી કે ડીમાં દર્શાવેલ ગુના કર્યા છે કે જેના માટે કલમ ૧૩૨(૧) ના ક્લોઝ (i) કે (ii) અથવા કલમ ૧૩૨(૨) હેઠળ સજા થઈ શકે તેમ છે ત્યારે તેમની તેઓ ધરપકડ કરી શકે છે. કોઈપણ વ્યક્તિની ધરપકડ કરતા પહેલા GST ના કાયદાની જોગવાઈઓ સંતોષાય તે જોવું અગત્યનું છે. આ જોગવાઈ અનુસાર કોઈ વ્યક્તિની ધરપકડ કરવા માટેની માન્યતા માટેના કારણો ખૂબ જ સ્પષ્ટ અને નિશ્ચિત હોવા જોઈએ અને તે વિશ્વસનીય અને આધારભૂત માહિતી આધારિત હોવા જોઈએ.
વ્યક્તિની ધરપકડ ક્યારે થઈ શકે? આ કેસમાં સુપ્રીમ કોર્ટે નોંધ લીધેલ છે કે પર્સનલ લિબર્ટી આપણા બંધારણનો મહત્વનો આદેશ છે. કાયદામાં ધરપકડની જોગવાઈ છે માત્ર તેટલા કારણસર જ ધરપકડ ન કરવી જોઈએ. ધરપકડની સત્તા અને તે સત્તા વાપરવા માટે પૂરતું જસ્ટિફિકેશન હોવું જરૂરી છે. ધરપકડના કારણે વ્યક્તિની સ્વતંત્રતાને સીધી અસર થાય છે અને તેથી કોઈપણ વ્યક્તિની ધરપકડ ખૂબ જ સાવધાનીપૂર્વક થવી જોઈએ. યંત્રવત્ત અને ચીલા ચાલુ રીતે કોઈ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ નહીં. ધરપકડ માટે કલમ ૧૩૨ની તમામ જોગવાઈઓ સંતોષાય તેવી હોય તેટલા જ કારણસર કોઈ વ્યક્તિની ધરપકડ કરવી જોઈએ નહીં. એક વખત ધરપકડ માટેનો ગુનો કર્યાનો સાબિત થતું હોય પછી અધિકૃત અધિકારીએ તપાસવું જોઈએ કે નીચે પૈકીના કોઈ એક કે વધુ પ્રશ્નોના હકારાત્મક ઉત્તર આવે છે કે કેમ?
૧. કોઈ વ્યક્તિએ બિન જામીનપત્ર ગુનો કર્યો છે અથવા એવી આધારભૂત માહિતી મળેલ છે અથવા એવી વાજબી શંકા છે કે તે વ્યક્તિએ તેવો ગુનો કર્યો છે?
૨. ગુનાની યોગ્ય તપાસ માટે તે વ્યક્તિની ધરપકડ કરવી જરૂરી છે?
૩. એવું માનવાને કારણ છે કે જો તે વ્યક્તિની ધરપકડ કરવામાં ન આવે તો તપાસ માટે દખલગીરી કરે અથવા પુરાવા સાથે ચેડા કરે કે સાક્ષીઓને ધમકાવે કે તેમના પર પ્રભાવ પાડી શકે તેમ છે?
૪. તે વ્યક્તિ બનાવટી કે ખોટા નોંધણી નંબરના આધારે કે અસ્તિત્વ ન ધરાવતા હોય તેવા વ્યક્તિઓ થકી બેનામી વ્યવહાર કરનાર ભેજાબાજ અથવા મુખ્ય સુત્રધાર છે કે જેના દ્વારા તે ખોટી ઈનપુટ ટેક્સ ક્રિએટ અન્યને તબદીલ કરે છે?
૫. જો તે વ્યક્તિની ધરપકડ ન કરવામાં આવે તો તેની તપાસ અધિકારી સમક્ષની હાજરીની ખાતરી નથી
કોઈ વ્યક્તિની ધરપકડની પરવાનગી ત્યારે જ આપવી જોઈએ કે જ્યારે ગુનાહિત માનસથી કરચોરી કરવાનો અથવા ખોટી ઇનપુટ ટેક્સ ક્રિએટ મેળવવાનો કે તે વાપરવાનું કે કપટ કરીને રિફંડ મેળવવાનો કે ઉઘરાવેલ વેરો ન ભરવાના કલમ ૧૩૨(૧) માં દર્શાવેલ ગુના કરેલ હોય.
ધરપકડ ક્યારે ન કરી શકાય જ્યારે ટેકનિકલ કારણસર જેવા કે કાયદાની જોગવાઈના અર્થઘટનની તકરારના કારણે વેરાનું ઉપસ્થિત થતું હોય તેવા સંજોગોમાં ધરપકર કરવી જોઈએ નહીં. જ્યારે શંકાસ્પદ ગુનેગાર તપાસની કાર્યવાહીમાં સહકાર આપતો હોય જેમ કે સમન્સની પૂર્તતા કરતો હોય, જે કોઈ દસ્તાવેજો માંગવામાં આવે તે પૂરા પાડતો હોય, ઉડાઉ જવાબો ના આપતો હોય, નિયમસર રીતે વેરાનું ચૂકવણું કરતો હોય, વિગેરે જેવા પરિબળો પણ ધરપકડ કરવી કે કેમ તેનો નિર્ણય કરતી વખતે વગદાર કારણો જ ગણી શકાય.
ધરપકડની પ્રક્રિયા માટે કમિશનરે ફાઈલમાં નોંધ કરવાની રહેશે. તે ગુનાનો પ્રકાર જોતા તેમજ તે વ્યક્તિની ભૂમિકા અને ઉપલબ્ધ પુરાવાના કારણે તેમને માનવને કારણ છે કે તે વ્યક્તિએ કલમ ૧૩૨ માં જણાવેલ ગુનો કર્યો છે અને તેથી કોઈ અધિકારીને તે વ્યક્તિની ધરપકડ કરવા તેઓ અધિકૃત કરી શકે. કોઈ વ્યક્તિની ધરપકડ કરતી વખતે ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૯૭૩ ની જોગવાઈઓને જીએસટીની કલમ ૬૯ સાથે વાંચતા અનુસરવાની રહેશે. ધરપકડનો મેમો માન્ય સુપ્રીમ કોર્ટના ડી.કે. બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગોલ, ૧૯૯૭(૧) એસસીસી ૪૧૬ ના ચુકાદાના પેરા ૩૫ નું પાલન કરતો હોવો જોઈએ જેમાં કુલ ૧૧ મુદ્દાની માર્ગદર્શિકા આપવામાં આવેલ છ. તેમાં જીએસટી કાયદાની લાગુ પડતી કલમ અને બીજા લાગુ પડતા કાયદાનો ઉલ્લેખ કરેલ હોવો જોઈએ. આ ઉપરાંત નીચે મુજબની તકેદારી પણ રાખવાની રહે છે ઃ
૧. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેને ધરપકડના કારણો જણાવવા જોઈએ અને તેની નોંધ અરેસ્ટ મેમોમાં કરવી જોઈએ.
૨. ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિ દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી અનુસાર નિયુક્ત કરેલ કે અધિકૃત કરેલ વ્યક્તિને ધરપકડની માહિતી તુરંત જ આપવી જોઈએ અને તે અંગેની નોંધ અરેસ્ટ મેમામા કરવી જોઈએ.
૩. જે તારીખ અને સમયે ધરપકડ કરવામાં આવી હોય તેની માહિતી અરેસ્ટ મેમોમાં લખવી જોઈએ અને જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય તેને અરેસ્ટ મેમોની નકલ રસીદ લઈને આપવી જોઈએ.
૪. એક જ કેસમાં એકથી વધુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલ હોય ત્યારે પ્રત્યેક ધરપકડ થયેલ વ્યક્તિને અરેસ્ટ મેમો પૂરો પાડવો જોઈએ.
૫. અધિકારી દ્વારા જે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવે તેના પર તારીખ ૫.૧૧.૨૦૧૯ ના પરિપત્ર ક્ર ૧૨૨/૪૧/૨૦૧૯ મુજબ ડોક્યુમેન્ટેશન આઈડેન્ટિફિકેશન નંબર લખવો ફરજિયાત રહેશે.
ધરપકડ કરતી વખતે ધ્યાન રાખવાની સાવધાની
૧. ક્રિમિનલ પ્રોસિજર કોડ, ૧૯૭૩ની કલમ ૪૬ અનુસાર કોઈપણ મહિલાની ધરપકડ મહિલા અધિકારી દ્વારા જ થવી જોઈએ.
૨. કોઈ વ્યક્તિની ધરપકડ થાય ત્યારબાદ તુરત જ તેની કેન્દ્ર કે રાજ્ય સરકારની નોકરીમાં હોય તેવા મેડિકલ ઓફિસર દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જો મેડિકલ ઓફિસર ઉપલબ્ધ ન હોય તો નોંધાયેલ મેડિકલ પ્રેક્ટિસને દ્વારા તપાસ થવી જોઈએ. જો કોઈ મહિલાની ધરપકડ થયેલ હોય તો તેની તપાસ ફક્ત મહિલા ઓફિસર મેડિકલ ઓફિસર કે તેની દેખરેખ હેઠળ થવી જોઈએ.
૩. જે વ્યક્તિ ધરપકડ પામેલ આરોપીની કસ્ટડી ધરાવતી હોય તેની ફરજ છે કે ધરપકડ પામેલ વ્યક્તિની તબિયત અને સલામતીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે.
૪. કોઈપણ વ્યક્તિની ધરપકડ ઓછામાં ઓછા બળ અને હિંસાનો ઉપયોગ કરીને કરવી જોઈએ. જો આરોપી ભાગી ન જાય તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે. ધરપકડની શક્ય તેટલી ઓછી પબ્લીસીટી કરવી.
ધરપકડને લાગતો મહત્વનો બીજો કેસ : તે બન્યો ક્ષિતિજ ગિલદિયલ વિરુદ્ધ ડીજિજિઆઇ ક્રિમિનલ રીટ પીટીશન નંબર ૩૭૭૦/૨૦૨૪. દિલ્હી હાઇકોર્ટનો આદેશ તા ઃ ૧૬.૧૨.૨૦૨૪. આ કેસમાં તપાસ અધિકારીઓએ વેપારીને તેમની ધરપકડ માટેના કારણો લેખિતમાં જણાવેલ ન હતા.
જેના અનુસંધાને તા ૧૭.૮.૨૦૨૨ ની માર્ગદર્શિકામાં તા ૧૩.૦૧.૨૦૨૫થી થોડાક ફેરફારો કરવામાં આવ્યા છે. હવેથી જે તે આરોપીને તેમની ધરપકડ કેમ કરવામાં આવેલ છે તેના કારણો લેખિતમાં અધિકારીએ આરોપીને જણાવવાના રહે છે (માત્ર મૌખિકપણે નહી). આ ચુકાદો વેપારીની તરફેણમાં સુપ્રિમ કોર્ટના Pankaj Bansal v. Union of India, (2024) 7 SCC 576, particularly paragraphs 35-45 ylu UAPA lt ftg’t nuX¤lt Prabir Purkayastha v. State, NCT Delhi, 2024 INSC ૪૧૪ ના કેસોનો આધાર લઈને આપવામાં આવેલ છે. આરોપીને ધરપકડ બાદની પ્રક્રિયા પણ સજાગ રહીને કરવાની થાય છે.