કેન્દ્ર સરકાર પણ હવે પ્રાકૃતિક ખેતીને પ્રમોટ કરશે
- એન્ટેના - વિવેક મહેતા
ખેડૂતોને કાર્બન ક્રેડિટ આપીને તે વેચીને વધારાની આવક કરવાનો વિકલ્પ પૂરો પાડશે
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત પછી હવે કેન્દ્ર સરકારે પણ ક્લાઈમેટ ચેન્જનો પ્રતિકાર કરવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને ક્લાઈમેટ ચેન્જની અસરને મંદ કરે તેવી ખેતી તરફ વળવાના બદલામાં કાર્બન માર્કેટના પ્રોત્સાહન આપવાનો પણ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. ક્લાઈમેટ ચેન્જને પરિણામે કમોસમી વરસાદ પડવો કે અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિની સમસ્યા ઊભી થાય છે. અચાનક ગરમીમાં અસહ્ય વધારો થઈ જવાની કે પછી અચાનક ઠંડી વધી જવાની સમસ્યા થાય છે. આબોહવામાં આ પલટો ગમે ત્યારે આવી શકે છે. બીજીતરફ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને પરિણામે કેન્સર અને ડાયાબિટીસ સહિતના સંખ્યાબંધ રોગ થાય છે. કેન્દ્ર સરકાર આ બધું જ રોકવા માગે છે.
આજે દેશમાં લાખોની સંખ્યામાં ખેડૂતો વરસોથી સફળતાથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે પોતાની રીતે જ પ્રાકૃતિક ખેતી કરવાના કેટલા નિયમો બનાવ્યા હતા. આજે વિજ્ઞાાન સંશોધનને અંતે તેમના નિયમોને સમર્થન આપી રહ્યું છે. હવે આ અનુભવી ખેડૂતોની પદ્ધતિને આપણે પ્રોત્સાહન આપીને પ્રાકૃતિક ખેતી ભણી વળવું જોઈએ. આ રીતે ટકાઉ સલામત અને તન્દુરસ્ત આહાર વપરાશકારો સુધી પહોંચાડવો જોઈએ. આ પરિવર્તનને અમલમાં મકૂવાને પરિણામે જમીનની તન્દુરસ્તીમાં પણ સુધારો થશે. કેમિકલ્સના અતિશય ઉપયોગને કારણે જમીન કઠણ અને બિનઉપજાઉ થઈ ગઈ છે.
ક્લાઈમેટ ચેન્જની અસર સામે ખેડૂતોને રક્ષણ આપવા માટે કેન્દ્ર સરકારે બે પાંખિયો વ્યૂહ અપનાવ્યો છે. તેને માટે કેન્દ્ર સરકારે દુષ્કાળનો અને પૂરનો સામનો કરી શકે તેવા બિયારણ વિકાસાવ્યા છે. નવેક માસ પહેલા કેન્દ્રએ ભારતના વિજ્ઞાાનીઓએ વિકસાવેલા ૧૦૯ જેટલા નવા બિયારણોની જાત માર્કેટમાં લોન્ચ કરી હતી. આ સાથે જ પાણીનો ઉપયોગ કરવાની કાર્યક્ષમ પદ્ધતિને અનુસરવા અને કુદરતી આપત્તિના સમયમાં ક્રોપ ઇન્સ્યોરન્સ-પાક વીમાના માધ્યમથી ખેડૂતોને રક્ષણ આપવાનું આયોજન કર્યું છે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે કેન્દ્ર સરકાર તેમને કાર્બન ક્રેડિટ આપવાનું આયોજન કરી રહી છે. તેથી ખેડૂતોને વધારાની આવક થશે. કારણ કે કાર્બન ક્રેડિટને ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર વેચી પણ શકશે. તેનાથી અન્નસુરક્ષામાં વધારો થશે. તેમજ ખેડૂતોને ક્લાઈમેટ ચેન્જની અનિશ્ચિતતા વચ્ચે રોજગારી પણ મળતી રહેશે.