ઓનલાઇન ફ્રોડ નામના કાળીનાગને નાથવાની જરૂર

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
ઓનલાઇન ફ્રોડ નામના કાળીનાગને નાથવાની જરૂર 1 - image


- આજે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવઃ લોકોની ઉંઘહરામ કરતા ફ્રોડ નામના રાક્ષસના અંત માટે કૃષ્ણની ભૂમિકા કોણ ભજવશે?

- સોશ્યલ નેટવર્ક પર ફ્રોડ કરનારાઓ પોતાની દુકાન ખોલીને બેઠા છે. સરકાર આવી દુકાનો પર વોચ ગોઠવવાના બદલે લોકો છેતરાઇને ફરિયાદ કરે પછી એક્શનમાં આવે છે. દરેક ક્ષેત્રે શેરબજાર, એડમીશન, મેડીસીન,ગેમીંગ વગેરેમાં રસ લેનારને સર્ચ કરવા જાય ત્યારે ફ્રોડ ત્યાં ટાંપીને બેઠા હોય છે

આજે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ. ભગવાન કૃષ્ણએ જન્મ બાદ સમાજને પરેશાન કરતા અનેક રાક્ષસો અને અનિષ્ઠ તત્વોને ખતમ કરી નાખ્યા હતા. આજે પણ કેટલાક અનિષ્ટ તત્વો વિવિધ નામ રૂપ ધારણ કરીને ફરી પૃથ્વી પરના લોકોને રંઝાડી રહ્યા છે. ભગવાને જેમ યમુનામાં રહેલા કાળી નાગને બોચીમાંથી પકડીને કાબુમાં લીધો હતો એમ હાલમાં દેશના આર્થિક તંત્ર સામે વિકરાળ બનીને ઉભેલા ફ્રોડ નામના કાળીનાગને નાથવાની જરૂર ઉભી થઇ છે. ૨૦૨૩ના ડેટા અનુસાર ૧૩ લાખ સાયબર ક્રાઇમના કેસ નોંધાયા છે. ૧૩ લાખ કેસમાં ફ્રોડ કરનારાઓએ લોકોના ૭,૪૮૮ કરોડ રૂપિયા ઉસેટી લીધા છે. 

ભારતનું અર્થતંત્ર ડિજીટલ ટેકનોલોજી સાથે વણાઇ ગયું હોઇ સર્વત્ર આર્થિક વ્યવહારોના પાયામાં ડિજીટલ ટેકનોલોજીનું પ્રભુત્વ વધ્યું છે પરંતુ વિશ્વમાં પાંચમા નંબરના આર્થિક મહાસાગરમાં રહેતા ભારતના લોકોને  ફ્રોડ કરનાર કાળીનાગ સમાન રાક્ષસની ફેણ તોડવાની જરૂર ઉભી થઇ છે. આ ફ્રોડ કાળીનાગથી માત્ર  ભારતનું અર્થતંત્ર પરેશાન છે એવું નથી પણ દેશના લોકોને પણ વારંવાર તે ડંખ મારી રહ્યો છે. આ એવો કાળીનાગ છે કે જે થોડા બેદરકાર રહેતા મધ્યમ વર્ગનું બેંક બેલેન્સ ઝાપટી જાય છે અને તેમને પાયમાલ બનાવી દે છે.

ભગવાન કૃષ્ણ ફરી જન્મ લેતો તેમના ફાળે અનેક દૂષણોનો નાશ કરવાનું આવે એમ છે. આર્થિક ફ્રોડ કરતા કાળી નાગથી બચવા લોકો ખૂબ જાગૃતિ રાખે છે પરંતુ કાળી નાગ એટલો શક્તિશાળી છે કે તેને નાથવામાં સાયબર પોલીસ અને સરકરી તંત્ર શોભાના ગાંઠીયા સમાન સાબિત થઇ રહ્યા છે. જેમ યમુનાના કાંઠે ઉભા રહીને લોકો બાળ કૃષ્ણને   કાળીનાગને નાથતો જોઇને ચીચીયારીઓ પાડતા હતા એવું હાલમાં સરકારી એજંસીઓ કિનારે ઉભી રહીને લોકોની પરેશાની જોઇ રહી છે. ઓનલાઇન ફ્રોેડથી માત્ર પૈસે ટકે પાયમાલ થવાય એવું નથી હોતું. ફ્રોડનો ભોગ બનનાર પોલીસ સ્ટેશનોના આશ્વાસન મેળવીને થાકી જાય છે અને લોકોની ટીકાનો ભોગ બને છે. કેટલાકની જીંદગીની બચત ખાતામાંથી સરકી જાય છે તો ક્ટલાક ડિપ્રેશનમાં આવી જાય છે.

સાયબર ફ્રોડ કરનારા સરકારને પડકારી રહ્યા છે અને તેમના ગંદા હાથ લંબાવી રહ્યા છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ દરેકને ગમે છે. ઓનલાઇન ખરીદી કરવી તેમજ ઓનલાઇન પેમેન્ટ કરવાનું પણ દરેકને ગમે છે પરંતુ તે બાબતે સાવચેતી રાખવા કોઇ તૈયાર નથી હોતું. 

સાયબર પોલીસ એટલી તાલિમ બદ્ધ નથી હોતી કે તે ફ્રોેડ કરનારને પકડી શકે. હોતી હૈ ચલતી હૈ વાળી તપાસના કારણે સાયબર ક્રિમિનલ જગ્યા બદલીને પોલીસને થાપ આપી શકે છે. જ્યારે કોઇ ઓનલાઇન ફ્રોડનો ભોગ બને છે ત્યારે ફ્રોડ કરનાર તેમને શિડયુલ બેંકનું ખાતું દર્શાવીને તેમનો વિશ્વાસ જીતી લે છે. સાયબર પોલીસ આ ખાતાના મૂળ માલિક સુધી પહોંચી શકતી નથી તે કમનસીબી કહી શકાય.

એવુંજ સીમ કાર્ડના કેસમાં થાય છે. ફ્રોડ કરનારા જે ફોનનો ઉપયોગ કરે છે તેના માલિક સુધી પણ પહોંચી શકાતું નથી. સાયબર ફ્રોડ કરનારા પોતાની વિવિધ ટીમનો ઉપયોગ કરતા હોય છે. જેમકે ઇમેલ મારફતે મોકલેલી લીંક ખોલતા લોકોની યાદી બીજા નંબરની ટીમ પાસે પહોંચે છે. આ લીંક મારફતે કોમ્પ્યુટરમાંના ડેટા ચોરતી ગેંગ અલગ હોય છે. 

આવા ડેટા ડાર્ક વેબમાં મુકતી ટીમ પણ અલગ હોય છે અને જેમને શિકાર બનાવવાના છે તેની યાદી પર કામ કરનારા અને તેમને ફોન   કરનારા અલગ હોય છે. ડેટા ચોરી કરનાર વપરાશકારને ક્યા ક્ષેત્રમાં રસ છે તે જાણી લે છે અને પછી તે બાબતનો ફોન કરે છે. જેમ ફ્રોડ કરનારા સ્ટેપ વાઇઝ કામ કરે છે એમ સાઇબર પોલીસ કરી શકતી નથી એટલેજ ફ્રોડ નામનો કાળી નાગ વધુ સીસકારા બોલાવી રહ્યો છે અને સમગ્ર પ્રજાને હેરાન કરી રહ્યો છે. 

માઇક્રોસોફ્ટના એક અહેવાલ અનુસાર એાનલાઇન શોપીંગ કરતા કે પૈસાનું ટ્રાન્ઝેકશન કરતા ૧૦ માંથી ૭ ગ્રાહકો નાની-મોટી ઓનલાઇન છેતરપીંડીના ભોગ બન્યા હોય છે. ૩૧ ટકા જેટલા લોકેાએ સાયબર એટેકમાં પૈસા ગુમાવ્યા હતા. ભારતના લોકોએ જેટલા પૈસા સાયબર ક્રાઇમમાં ગુમાવ્યા છે એટલા તો કોઇ દેશે ગુમાવ્યા નથી એમ પણ માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું.

એવું પણ નથી કે ભારતના લોકો ફ્રોડ કરનારાને ઓળખી શકતા નથી પરંતુ આપણને કોઇ છેતરી ના શકે એવી ભાવના તેમનામાં બહુ પ્રબળ હોય છે. ભારતના લોકોમાં કદાચ લોભનું તત્વ વધારે જોવા મળે છે તેનો ઉપયોગ સાયબર ક્રાઇમ કરનારાઓ કરતા હોય છે.

તેમ છતાં લોકોના પૈસા બચાવવાની ફરજમાં સરકાર ઉણી ઉતરી છે. સાયબર જાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો સરકાર કરતી આવી છે પરંતુ વારંવાર સાયબર ક્રિમિનલ વધુ સ્માર્ટ પુરવાર થયા છે. 

માઇક્રોસોફ્ટની ગ્લોબલ ટેક સપોર્ટ સ્કેમ રીસર્ચે તેના અહેવાલમાં લખ્યું છે કે ૨૦૨૧માં કોમ્પ્યુટરમાં જોખમ ઉભું કરી શકે એવા ૨૪ ટ્રીલીયન જેટલા મેસેજીસ સાયબર ફ્રોડ કરનારાઓએ પમ્પ કર્યા હતા.

આ ફ્રોડ કાળીનાગના કારણે ભારતના અર્થતંત્ર પર સીધી નેગેટીવ અસર થાય છે. કાળીનાગનું કૂળ સાયબર ક્રિમિનલ ગેંગ સાથે જોડાયેલું હોય છે. આ ગેંગ ફોન કરીને પોતાના શિડયૂલ બેંકના એકાઉન્ટમાં પૈસા જમા કરવા છે છતાં પોલીસ તેમને પકડી શકતી નથી. ફોનના સીમ કાર્ડ અને બેંક એકાઉન્ટ એમ બંને સરકારના નિયંત્રણમાં હોવા છતાં પોલીસ ફોન નંબરના માંલિક કે બેંક ખાતાના માલિકને શોધી શકતી નથી.

ટેકનોલોજીનો વ્યાપ વધવાની સાથે સાયબર પોલીસની તપાસની એક્યૂરેસી વધી નથી. સાયબર પોલીસ પાસે સીમ કાર્ડનો નંબર અને બેંક ખાતાનો નંબર હોવા છતાં ત્વરીત એક્શન લઇ શકતી નથી. સાયબર પોલીસનો બચાવ કરતાં કેટલાક લોકો કહે છે કે તેમની પાસે એટલું બધું કામ હોય છે કે તે દરેક દિશામાં પહોંચી શકતા નથી.

સરકારે પોલીસ તંત્ર પાસે સાયબર ફરિયાદોનો હિસાબ માંગીને તેને સમય મર્યાદામાં શા માટે નિકાલ ના કારાયો તેનો ખુલાસો માંગવાની જરૂર છે.

સાયબર ફ્રોડ કરનારનું પગેરૂં શોધવું આસાન એટલા માટે છે કે તે ફોન નંબર બેંક એકાઉન્ટ વગેરે આપે છે. આ એકાઉન્ટ નંબર ભળતા લોકોના ભલે હોય પરંતુ તેના મૂળ માલિક સુધી સાયબર પોલીસ પહોંચવા શક્તિમાન ના હોય તે માની શકાતું નથી. કેટલીક બેંકોનો સ્ટાફ ખોટા નામે બેંક ખાતા ખોલવાનો ધંધો કરતા હોય છે.

૨૦૨૩ના ડેટા અનુસાર ૧૩ લાખ સાયબર ક્રાઇમના કેસ નોંધાયા છે. ૧૩ લાખ કેસમાં ફ્રોડ કરનારાઓએ લોકોના ૭,૪૮૮ કરોડ ઉસેટી લીધા છે. ભારતમાં ૩૬ રાજ્યોમાં સૌથી વધુ  બે લાખ કેસ માત્ર ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૧,૩૦,૦૦૦ કેસ નોંધાયા છે. ત્યારબાદ ગુજરાતનો નંબર આવે છે એમ લોકસભામાં જણાવાયું હતું. ગૃહમંત્રાલયે ઉભી કરેલી ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઆર્ડીનેશન સેન્ટર ફ્રોડ પરની માહિતી રાખે છે. સરકારે ૩,૨૦,૦૦૦ સીમ કાર્ડ બ્લોક કર્યા છે અને ૪૯,૦૦૦ જેટલા ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટીટી નંબર(ૈંસ્ઈૈં)પોલીસે ઓળખી કાઢ્યા છે.

સોશ્યલ નેટવર્ક પર ફ્રોડ કરનારાઓ પોતાની દુકાન ખોલીને બેઠા છે. સરકાર આવી દુકાનો પર વોચ ગોઠવવાના બદલે લોકો છેતરાઇને ફરિયાદ કરે પછી એક્શનમાં આવે છે. દરેક ક્ષેત્રે શેરબજાર, ઓન લાઇન લોન, એડમીશન, મેડીસીન,ગેમીંગ વગેરેમાં રસ લેનારને સર્ચ કરવા જાય ત્યારે ફ્રોડ ત્યાં ટાંપીને બેઠા હોય છે.

સાયબર ફ્રોડ કરતા કાળીનાગને નાથવો અધરો નથી પરંતુ સાયબર પોલીસ પાસે વ્યૂહ રચનાનો અભાવ છે. ભગવાન કૃષ્ણએ કાળીનાગને પાણીમાં ડૂબકી મારીને પકડયો હતો એમ સરકારે પણ આવા બાહોશ સાયબર પોલીસની ફોજ તૈયાર કરવી પડશે. 

આજના કૃષ્ણજન્મ મહોત્સવે આશા રાખીયે કે ઓનલાઇન ફ્રોડ નામના  કાળીનાગને કાબુમાં લેવા સરકાર કડક પગલાં લે અને ફ્રોડ કરનારા જેલમાં સડતા રહે તેવું પ્લાનીંગ કરવું જોઇએ.


Google NewsGoogle News