દેશમાં 10 થી 11 લાખ ટન હળદરનું વાર્ષિક સરેરાશ ઉત્પાદન થાય છે
- કોમોડિટી કરંટ
- નેશનલ ટર્મેરિક બોર્ડ - 40 વર્ષ જૂની માંગ તાજેતરમાં પૂર્ણ કરાઈ
આગામી ફેબુ્રઆરીમાં નવા બજેટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે એગ્રી તથા બુલિયન કોમોડિટી સેક્ટરને નવા બજેટમાં અનેક અપેક્ષાઓ ઉપર મીટ મંડાઈ છે. વિકસીત ભારતમાં બુલિયન સેક્ટરને ખાસ કરીને સોનાને પ્રાથમિકતા મળવી જોઈએ અને ડાયમંડ જવેલરીની જેમ ગોલ્ડ જવેલરી નિકાસને પણ મંજુરી મળવી જોઈએ તેવી વ્યાપક માંગ ઊઠી છે. ગિફટ સિટી માટે બુલિયન એક્સપોર્ટને લીલી ઝંડી મળે તો મોટું હબ બની શકે છે. ઇલેકટ્રોનિક્સ ગોલ્ડ રિસીટ ટ્રેડીંગ જીએસટી વગર શરૂ થાય તેમજ ગોલ્ડ રિસાઈકિલગને પણ ટેક્ષના ભારણ વગર પ્રોત્સાહન મળે બુલિયન ઇન્ડસ્ટ્રીઝને વેગ મળે તેમ છે. ઘરેણાંની કારીગીરી વર્ક સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી શ્રેષ્ઠ છે. MCX ઉપર સોનાના ભાવો પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૭૮૦૦૦ આસપાસ છે. આજે ૨૦ જાન્યુઆરીએ નવીન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિપદના શપથ લેવાના છે ત્યારે ભારતીય કરંસી તથા બુલિયન સેક્ટર ઉપર કેવી અસરો રહે છે તેની ઉપર સમગ્ર બજારની મીટ મંડાઈ છે. સોનાને કેપીટલ ગેઈન ટેક્ષથી બાકાત રાખવામાં આવે તેમજ ટેક્ષનું ભારણ ઓછું થાય તેવી અપેક્ષાઓ વધુ છે. જોકે શોર્ટ ટર્મમાં સોના બજાર ૭૯૫૦૦ સુધી તેજ બની શકે છે.
એગ્રી સેક્ટર માટે બજેટમાં રાહત મળે તેમજ ખેડૂતોને ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની કિંમતો મળે તેવી વ્યવસ્થા ગોઠવાય તેવી અપેક્ષા ખેડૂત વર્ગ માટે વ્યાપક છે. જો આ વર્ષે ચોમાસું સારૂ હોવાથી ખરીફ તેમજ રવિ પાક સીઝનમાં ઉત્પાદન વધુ રહેશે તેવી સરકારને પણ આશા છે. અનાજ તથા મસાલા ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર છે પરંતુ દાળો તથા તેલીબીયાનાં ઉત્પાદનમાં હજુ અપેક્ષિત પરિણામ મળેલ નથી. આજે પણ ૬૦ ટકા દાળનો જથ્થો તેમજ તેલીબીયાંનો જથ્થો બહારથી આયાત કરવો પડી રહ્યો છે. ખેડૂતોને કૃષિ ઉપજના યોગ્ય પોષણક્ષમ ભાવો મળે તો તેલીબીયાં તથા દાળોમાં અપેક્ષિત પરિણામ મેળવી શકાય તેમ છે. સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો પણ દાળો તથા તેલીબીયાંની ખેતીમાં ખેડૂતોને નહિ મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી છવાઈ છે. આગામી બજેટમાં સરકારે આ માટે વિશેષ તૈયારી કરવાની તાતી જરૂરિયાત છે.
જોકે મસાલા ખેતીમાં જીરૂ તથા ધાણાનું ઉત્પાદન રવિ સીઝનમાં ગત વર્ષ જેટલું થશે તેવી પ્રાથમિક ગણત્રી છે. મસાલામાં અતિ આવશ્યક તથા ઔષધિય ગુણોના ભંડાર એવી હળદરની ખેતી ભારત માટે વિશેષ મહત્ત્વપૂર્ણ છે. હળદરનું ઉત્પાદન વધે તે માટે સરકારે વિશેષ કવાયત હાથ ધરવાની જરૂરિયાત છે. હળદર ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ૭૫ ટકા ઉપરાંતનો હિસ્સો ભારત ધરાવે છે તેમ છતાં કેટલાય ફેકટર્સ હળદર ઉત્પાદનનો અવરોધ બની રહ્યા છે. હળદરની ખેતીમાં મોટા ભાગના ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહિ મળવાની વ્યાપક રાવ રહેલી છે. છેલ્લા ત્રણેક વર્ષથી હળદરનું ઉત્પાદન સતત તૂટી રહ્યું છે. ભારત સમગ્ર વિશ્વમાં હળદરનું મુળ સપ્લાયર છે વર્ષે દહાડે ૬૨ ટકા ઉપરાંત નિકાસ ભાગીદારી ભારતની છે. કેટલીય વાર ગુણવત્તાના બહાના હેઠળ ભારતીય હળદરને રિજેક્ટ કરવામાં આવતાં સ્થાનિક બજાર ઉપર વ્યાપક અસર પડે છે. હાલમાં દેશમાં ૧૦ થી ૧૧ લાખ ટન હળદરનું વાર્ષિક સરેરાશ ઉત્પાદન થાય છે. જે પૈકી બે થી અઢી લાખ ટન આસપાસ હળદરની વાર્ષિક નિકાસ થાય છે.
જોકે વર્ષ ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા ભૌગોલિક સંકેતક (G.I. Tag) નો દર્જો મેળવ્યા બાદ હળદરનું આકર્ષણ વધેલ છે. ચમત્કારિક ઔષધિય ગુણોથી ભરપૂર હળદરમાં રહેલું કરક્યુમીન નામનું તત્ત્વ હળદરની ગુણવત્તામાં વધારો કરે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે નેશનલ ટર્મરિક બોર્ડની સ્થાપના કરી હળદર નિકાસને વર્ષ ૨૦૩૦ સુધીમાં એક બિલીયન સુધી રેકોર્ડ સ્તરે પહોંચાડવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. છેલ્લાં ૪૦ વર્ષથી હળદરના ખેડૂતોની નેશનલ ટર્મિરક બોર્ડ બનાવવાની માંગ હવે પૂરી થઈ છે. હળદરના મુખ્ય ઉત્પાદક રાજ્યો આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં ઉપરોક્ત બોર્ડના માધ્યમથી હળદરની ખેતી તથા તેના વેપારનો વધારો કરવાના ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે.