IMFના વિકાસના અંદાજો પર પણ યુદ્ધની અસર થવાની વકી

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
IMFના વિકાસના અંદાજો પર પણ યુદ્ધની અસર થવાની વકી 1 - image


- આર્થિક પરિણામો વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે : વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ માટે એક નવો પડકાર સર્જાયો

ઇ ન્ટરનેશનલ મોનેટરી ફંડ  રશિયા-યુક્રેન યુદ્ધને પગલે પશ્ચિમ એશિયામાં વધુ એક ભૌગોલિક રાજકીય સંકટ વચ્ચે તેના દ્વિવાર્ષિક વિશ્વ આર્થિક અંદાજો જાહેર કર્યા છે. આ સંઘર્ષમાં વધુ દેશો જોડાવાની આશંકા વચ્ચે તેના વિકાસના અંદાજો વિશે વધુ અનિશ્ચિતતા હોઈ શકે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું હતું કે તે ઇઝરાયેલ અને ગાઝાના ઘટના ક્રમ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ આર્થિક  અસરનું મૂલ્યાંકન કરવું ખૂબ જ વહેલું ગણાશે.

આર્થિક નીતિના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ સંઘર્ષની આઈએમએફ - વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકના એજન્ડા પર કોઈ સીધી અસર જોવા મળી નથી, જે તાજેતરમાં યોજાઈ હતી. જો કે આ ઘટના વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ માટે એક નવો પડકાર બની શકે છે.

વિશ્વ હજુ સુધી કોરોના મહામારીમાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી અને રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે ખાદ્ય અને ઊર્જા સુરક્ષા તેમજ પુરવઠાની કટોકટી ઊભી થઈ છે. અવરોધની સ્થિતિ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં રાજકીય માહોલની શક્યતાઓ પણ બદલાઈ જશે અને અનિશ્ચિતતા વધુ વધી શકે છે.

મોટા ભાગના પ્રદેશોમાં વિકટ નાણાકીય પરિસ્થિતિ, યુક્રેન પર રશિયાના આક્રમણ અને કોવિડ-૧૯ રોગચાળાને કારણે ગયા વર્ષે આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક પર ગંભીર અસર પડી હતી.

જુલાઈમાં પ્રકાશિત તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક અપડેટમાં, આઈએમએફએ નાણાં વર્ષ ૨૦૨૩ ના માર્ચ ક્વાર્ટરમાં દેશની અપેક્ષા કરતાં વધુ સારી વૃદ્ધિને ટાંકીને નાણાં વર્ષ  ૨૦૨૪ માટે ભારતના આર્થિક વૃદ્ધિ અનુમાનને ૨૦ બેસિસ પોઈન્ટ્સ વધારીને ૬.૧ ટકા કર્યો હતો. આઈએમએફએ ૨૦૨૩ માટે તેના વૈશ્વિક વૃદ્ધિ અનુમાનને ૨૦ બેસિસ પોઈન્ટ્સથી વધારીને ૩ ટકા કર્યો, યુએસ (૨૦ બેસિસ પોઈન્ટ્સ) અને યુકે (૭૦ બેસિસ પોઈન્ટ્સ) માટે વૃદ્ધિની આગાહીમાં સુધારો કર્યો છે.

ભારતના નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ઓગસ્ટ માસની આર્થિક સમીક્ષાએ નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ૬.૫ ટકાના જીડીપી વૃદ્ધિનું અનુમાન જાળવી રાખ્યું છે. ભારતમાં એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં ઉપભોગ ખર્ચ અપેક્ષા કરતા વધુ મજબૂત જોવા મળ્યાનું જણાવી ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ  (આઈએમએફ) દ્વારા વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વીસ બેઝિસ પોઈન્ટ વધારી ૬.૩૦ ટકા કરાયો છે. 

વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક પર પોતાના છેલ્લામાં છેલ્લા રિપોર્ટમાં આઈએમએફએ વર્તમાન વર્ષ માટે વૈશ્વિક આર્થિક વિકાસ દરનો અંદાજ ૩ ટકા જાળવી રાખ્યો છે જ્યારે ૨૦૨૪ માટેનો અંદાજ ૧૦ બેઝિસ પોઈન્ટ ઘટાડી ૨.૯૦ ટકા કર્યો છે.

ભારતમાં વિકાસ મજબૂત જણાઈ રહ્યો છે એમ ફન્ડ દ્વારા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્તમાન નાણાં વર્ષ માટેનો જીડીપી અંદાજ વધારી ૬.૩૦ ટકા કરાયો છે તથા આગામી નાણાં વર્ષ માટે પણ ૬.૩૦ ટકાનો અંદાજ મુકાયો છે. આ અગાઉ વર્લ્ડ બેન્કે પણ ભારત માટેનો આર્થિક  વિકાસ દરનો અંદાજ ૬.૩૦ ટકા મુકયો હતો. જો કે દેશના નાણાં મંત્રાલય તથા રિઝર્વ બેન્કે આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા  રહેવા ધારણાં મૂકી છે.

ફુગાવા બાબત ફન્ડે નોંધ્યું છે કે, રિઝર્વ બેન્કની નાણાં નીતિ ફુગાવાના ટાર્ગેટને સિદ્ધ કરવા તરફી રહી છે. વૈશ્વિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓ કોરોના પહેલાના સ્તર કરતા હજુપણ ટૂંકી પડી રહી છે ખાસ કરીને ઊભરતી બજારો તથા વિકાસશીલ દેશોમાં અને વિવિધ વિસ્તારો વચ્ચે  અંતર વધી રહ્યા છે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.  

જો કે ઇઝરાયેલની વર્તમાન પરિસ્થિતિની વેપાર પર તાત્કાલિક અસર નહીં થાય, નિષ્ણાતો માને છે કે જો રશિયા- યુક્રેન સંઘર્ષની જેમ આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે સંભવિત જોખમ ઊભું કરી શકે છે.


Google NewsGoogle News