AI ટેકનોલોજીના આગમનને પરિણામે ટેક કંપનીઓના મૂલ્યાંકનમાં જોરદાર વધારો
- AI કોર્નર
- નવી ટેકનોલોજીના વધી રહેલા ઝડપી સ્વીકારને કારણે બજાર હિસ્સો મેળવવા સ્પર્ધા
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ-કૃત્રિમ બુદ્ધી)ની શોધથી ટેકનોલોજી ક્ષેત્રમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે, જેનો સીધો લાભ દેશ-વિદેશની ટેક કંપનીઓને જોવા મળી રહ્યો છે. મનુષ્યજીવનના દરેક પાસામાં, પછી તે વ્યક્તિગત હોય કે વ્યવસાયીક, એઆઈ એક હિસ્સો બનતી જાય છે. એઆઈના વપરાશમાં થઈ રહેલા વધારાને કારણે છેલ્લા એક-બે વર્ષથી ટેકનોલોજી કંપનીઓના મૂલ્યાંકનમાં જોરદાર વૃદ્ધિ પણ થઈ રહી છે. ટેકનોલોજી કંપનીઓના વિકાસમાં એઆઈ એક મુખ્ય પરિબળ બનતી જાય છે. એઆઈના આગમનથી ટેકનોલોજી કંપનીઓ એઆઈ સંચાલિત નવા પ્રોડકટસ, સેવાઓ તથા બિઝનેસ મોડેલ તૈયાર કરવામાં સફળ રહી છે. જેની કોઈએ અગાઉ કલ્પના પણ કરી નહીં હોય. સેલ્ફડ્રાઈવિંગ કારથી લઈને આરોગ્યસંભાળ ક્ષેત્ર એઆઈ દરેક ઉદ્યોગમાં ક્રાંતિ કરી રહી છે અને ટેક કંપનીઓને વિકાસની તકો પૂરી પાડી રહી છે.
તાજેતરના સમયમાં ટેકનોલોજી કંપનીઓના મૂલ્યાંકનમાં જોવા મળેલા ઉછાળા એઆઈને આભારી છે. એઆઈની શોધ કોની માટે પોઝિટિવ અને કોની માટે નેગેટિવ છે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ હાલમાં તો તે ટેકનોલોજી કંપનીઓ માટે પોઝિટિવ સાબિત થઈ રહી છે. તાજેતરમાં આવેલા એક અહેવાલ પ્રમાણે એક અબજ ડોલરથી ૫૦ અબજ ડોલરના મૂલ્યાંકન સાથેની અને એઆઈ સાથે સંકળાયેલી ૧૦ સ્ટાર્ટઅપ્સે ૧૦ અબજ ડોલરનું ભંડોળ ઊભુ કરવામાં સફળતા મેળવી હતી. આ સ્ટાર્ટઅપ્સને કારણે પરંપરાગત ટેક ઉદ્યોગો સામે સ્પર્ધા ઊભી થઈ છે એટલું જ નહીં ટેક કંપનીઓ માટે નવી તકો અને બજારો આકાર પામી રહી છે.
એઆઈમાં વધી રહેલા રસ અને વિવિધ ઉદ્યોગોમાં એઆઈ-કેન્દ્રીત ચીપ્સ માટેની મજબૂત માગને કારણે ૨૦૨૪માં એનવિડીયાની માર્કેટ કેપમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો. એનવિડીયાની માર્કેટ કેપ ગયા વર્ષે બે ટ્રિલિયન ડોલર વધી ૩.૨૮ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી, જેને કારણે તે માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની બીજી મોટી લિસ્ટેડ કંપની બની શકી હતી. આજ રીતે એપલ એઆઈ ક્ષેત્રે મોટી છલાંગ મારવા માટે સજ્જ હોવાની રોકાણકારોની ધારણાંને પરિણામે કંપની ૪ટ્રિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે વિશ્વની પ્રથમ ક્રમની કંપની બની રહી હતી. એઆઈ પ્રોડકટસ, ટુલ્સ તથા સોલ્યુશનોની વિકસાવી રહેલી અન્ય કંપનીઓ જેમ કે માઈક્રોસોફટસ, એમેઝોન, આલ્ફાબેટના મૂલ્યાંકનમાં પણ તાજેતરના સમયમાં વધારો જોવા મળ્યો છે. ૨૦૨૫માં આ કંપનીઓ એઆઈ ક્ષેત્રે જોરદાર પહેલો કરશે તેવી અપેક્ષાએ તેમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે.
એઆઈને કારણે ટેકનોલોજી કંપનીઓ ઉદ્યોગોમાં પરિવર્તન પૂરા પાડવાની ક્ષમતા સાથેના નવા પ્રોડકટસ તથા સેવાઓની રચના ઝડપથી કરી રહી છે. એઆઈ સંકલિત સોલ્યુશનોને પરિણામે ટેક કંપનીઓ નવા ગ્રાહકો તથા બજારો મેળવવામાં સફળતા હાંસલ કરી રહી છે. એઆઈને કારણે ટેક કંપનીઓ પ્રોસેસને ઓટોમેટ બનાવી રહી છે અને ખર્ચમાં ઘટાડા સાથે કાર્યક્ષમતા વધારી રહી છે. એઆઈને કારણે ટેકનોલોજી કંપનીઓ ડેટા આધારિત નિર્ણયો લઈ શકે છે જેથી માનવ દ્વારા પૂર્વગ્રહ અથવા ભૂલભરેલા નિર્ણયો ટાળી શકાય છે.
ભારત સહિત વિશ્વભરમાં એઆઈ ટેકનોલોજીને લોન્ચ કરવા અને ઊભરી રહેલી નવી તકને ઝડપી લેવા મોટી ટેક કંપનીઓ વચ્ચે સ્પર્ધા એ પણ જોર પકડયું હોવાનું જોવા મળી રહ્યું છે. ટેક કંપનીઓ જેમ કે માઈક્રોસોફટ, ગુગલ, એમેઝોન વગેરે ભારત જેવા વિશાળ દેશમાં માર્કેટ શેર હસ્તગત કરવા એઆઈ સોલ્યુસન્સ અથવા ટુલ્સ લોન્ચ કરી રહી હોવાના પ્રાપ્ત અહેવાલો પરથી જાણી શકાય છે.
ટેક કંપનીઓ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ દ્વારા ભારતમાં પગદંડો જમાવવા ચાલતી હરિફાઈને જોતા વિશ્વમાં ભારત એઆઈ ટેકનોલોજી ક્ષેત્ર માટે આકર્ષક મથક બની રહેવાની શકયતા જોવાઈ રહી છે. ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોની હાજરી, સરકાર દ્વારા જાહેર કરાતા પ્રોત્સાહનો તથા વિવિધ ક્ષેત્રો દ્વારા એઆઈ સંચાલિત સોલ્યુશન્સ માટે વધી રહેલી માગને કારણે ટેક કંપનીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. પોતાના કલાયન્ટસને એઆઈ આધારિત સોલ્યુશન્સ પૂરા પાડવા કંપનીઓ ભારતમાં જંગી ઈન્વેસ્ટમેન્ટ યોજના ધરાવે છે.
ભારતમાં એઆઈ ટેકનોલોજી પૂરી પાડનારી કંપનીઓ વચ્ચે સ્પર્ધા મુખ્યત્વે, વર્ચ્યુલ આસિસ્ટન્ટસ, ચેટબોટસ અને નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ, શિક્ષણ અને આરોગ્યસંભાળ સોલ્યુશન્સ સહિતના ક્ષેત્રમાં જોવા મળી રહી છે. ચેટબોટસ તથા વર્ચ્યુલ આસિસ્ટન્ટસની વાત કરીએે તો કંપનીઓ વધુ આધુનિક ચેટબોટસ અને વર્ચ્યુઅલ આસિસ્ટન્ટસ પૂરા પાડવામાં સ્પર્ધા કરતી હોવાનું જોવા મળી રહ્યું છે. આરોગ્યસંભાળમાં રોગનું વહેલું નિદાન, સારવાર માટેના સોલ્યુશન્સ તથા દવાના સંશોધન માટે એઆઈ ટેકનોલોજીને લોન્ચ કરવા કંપનીઓ વ્યાપક સંશોધન કરી રહી છે. આજ રીતે નાણાંકીય ક્ષેત્રમાં ખાસ કરીને બેન્કિંગ સેવાઓમાં એઆઈ ટુલ્સ પૂરા પાડવા ટેક કંપનીઓ ઉત્સુક છે.
વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થવાનું શરૂ થાય તે પહેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ અંદાજે એક અબજ ડોલરના આઈટી શેરોની ખરીદી કરી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. એઆઈને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ભારતની આઈટી કંપનીઓની આવકમાં વૃદ્ધિ જોવા મળવાની એફઆઈઆઈ અપેક્ષા રાખી રહ્યા છે.અનેક ફાયદાઓને કારણે કૃત્રિમ બુદ્ધિ એકવીસમી સદીની સૌથી આકર્ષક ટેકનોલોજી બની રહી છે જેનો સૌથી ંમોટો લાભ ટેક કંપનીઓને થઈ રહ્યો છે જેનું સ્પષ્ટ ચિત્ર આવનારા વર્ષોમાં જોવા મળશે.