કોંગ્રેસ તથા ભાજપની બળાબળની કસોટી

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
કોંગ્રેસ તથા ભાજપની બળાબળની કસોટી 1 - image


- પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

- આ  પાંચ રાજ્યોમાં ૨૦૧૮ની ચૂંટણીની એક સામાન્ય બાબત એ રહી હતી કે પાંચેય રાજ્યોમાં ભાજપ હારી ગયો હતો.  મધ્ય પ્રદેશમાં ભાજપે પક્ષાંતર મારફત સત્તા મેળવી હતી 

- બઘેલ સરકારે અસંખ્ય કલ્યાણકારી યોજનાઓ દાખલ કરી છે અને આદિવાસીનું ગૌરવ વધ્યું છે. આદિવાસી તથા ઓબીસીની તાકાત  વધશે, પરંતુ કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તેવી માન્યતા પ્રવર્તી રહી છે

ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભા  ચૂંટણીનું સમયપત્રક જાહેર કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વન નેશન વન ઈલેકશન કાર્ડ ઊતરશે તેવી અફવાને આ ચૂંટણીઓની જાહેરાત સાથે પૂર્ણવિરામ મળી ગયું છે. ૨૦૨૩ અથવા ૨૦૨૪ની ચૂંટણીમાં વન નેશન વન ઈલેકશન શકય નહીં બને તેવો મારો મત મેં અગાઉથી જ જણાવી દીધો હતો. 

કેટલાક વિશ્લેષકોએ પાંચ રાજ્યોની ચૂંટણી  એનડીએ તથા આઈ.એન.ડી.આઈ.એ. (ઈન્ડિયા)  માટે બળાબળની કસોટી બની રહેશે તેવો મત વ્યકતકરી દીધો છે. પરંતુ હું અલગ મત ધરાવું છું.  જનતા દળ (યુ), શિવસેના, અકાલી દળ તથા એઆઈએડીએમકે જેવા મહત્વના રાજકીય પક્ષો છોડીને ચાલી ગયા બાદ જુનુ એનડીએ હયાત રહ્યું નથી. એનડીએમાં બાકી રહી ગયા હોય તો તે છે ભાજપ અને  વિકીપીડિયા પ્રમાણે, ૩૪ અન્ય પક્ષો  જેમાંથી મોટાભાગના લોકો  એકથી વધુ નામ  આપી શકે એમ નથી. હાલનો એનડીએ ભાજપનું બીજુ નામ છે. 

સામે પક્ષે ઈન્ડિયા છે, પરંતુ પાંચ રાજ્યો જ્યાં નવેમ્બરમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં કોંગ્રેસ દાવ પર છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે સીધી લડત છે. તેલંગણામાં  શાસક  બીઆરએસ ત્રીજો પક્ષ છે જેણે કોંગ્રેસ તથા ભાજપને પોતાના વિરોધી જાહેર કર્યા છે. મિઝોરમમાં ચાર પક્ષો વચ્ચે જંગ છે, ત્રણ પ્રાદેશિક પક્ષો અને ચોથો કોંગ્રેસ. અહીં ભાજપ ખેલાડી નથી. 

માટે, મારા મતે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ભાજપ તથા કોંગ્રેસ માટે બળાબળની કસોટીરૂપ બની રહેશે. ઉમેદવારો પહેલા જાહેર કરવાના પણ મુખ્ય પ્રધાનના ઉમેદવાર કોણ તે જાહેર નહીં કરવાની પોતાની નીતિને ભાજપે દોહરાવી છે. આ ઉપરાંત જ્યાં જુઓ ત્યાં મોદી, મોદીની અસંખ્ય રેલીઓ, અમર્યાદિત નાણાંનો ઉપયોગ તથા વિપક્ષને દબાવી દેવા તપાસ સંસ્થાઓનો દૂરુપયોગ કરવાની નીતિ. 

બીજી બાજુ ચૂંટણીની જાહેરાત થઈ ત્યાંસુધી કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા નહોતા. આ  કોંગ્રેસની નબળાઈ રહી છે. જો કે આ વખતે, કોંગ્રેસ ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢ અને કદાચ મિઝોરમમાં સીએમ (મુખ્ય પ્રધાન)ના ચ્હેરા સાથે ચૂંટણીમાં ઊતરવાનું નક્કી કર્યું છે, જો કે મુખ્ય પ્રધાનના નામ સત્તાવાર જાહેર કરાયા નથી. હિમાચલ પ્રદેશ તથા કર્ણાટકની જેમ ચૂંટણી પ્રચારની ધૂરા રાજ્ય સ્તરના નેતાઓ સંભાળશે અને કેન્દ્રીય નેતાઓ ટેકેદારની ભૂમિકા ભજવશે. 

આ  પાંચ રાજ્યોમાં ૨૦૧૮ની ચૂંટણીની એક સામાન્ય બાબત એ રહી હતી કે પાંચેય રાજ્યોમાં ભાજપ હારી ગયો હતો. આજે રાજસ્થાન તથા છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપે પક્ષાંતર મારફત સત્તા મેળવી હતી. મિઝોરમ તથા તેલંગણામાં પ્રાદેશિક પક્ષની સરકાર છે.માટે પાંચેય રાજ્યોમાં સ્થિતિ સમાન નથી અને દરેક રાજ્યમાં દરેક પક્ષની શકયતાઓને અલગઅલગ રીતે તપાસવાની રહેશે. 

હું કોઈ ભવિષ્ય ભાખવા માગતો નથી. પ્રાપ્ત માહિતી અને અહેવાલોને આધારે કેટલુંક પ્રારંભિક આંકલન અહીં રજુ કર્યું છેઃ

છત્તીસગઢઃ આ રાજ્યએ ત્રણ મુખ્ય પ્રધાનો જોયા છે. સ્વ. અજિત જોગી (૨૦૦૦-૨૦૦૩), શ્રી. રમણ સિંહ (૨૦૦૩-૨૦૦૮) અને ભુપેશ બઘેલ (૨૦૧૮થી). અહીં સત્તા વિરોધી પરિબળ કામ કરશે તેવું જોખમ જણાતું નથી. છત્તીસગઢ ચોખાનું આગેવાન ઉત્પાદક રાજ્ય બની ગયું છે અને અહીંંના ખેડૂતો પહેલા કરતા એક દમ સમૃદ્ધ બની ગયા છે. બઘેલ સરકારે અસંખ્ય કલ્યાણકારી યોજનાઓ દાખલ કરી છે અને આદિવાસીનું ગૌરવ વધ્યું છે. આદિવાસી તથા ઓબીસીની તાકાત  વધશે, પરંતુ કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તેવી માન્યતા પ્રવર્તી રહી છે. ખાનગીમાં, ભાજપ પણ આ નિષ્કર્ષને નકારતો નથી.

મધ્ય પ્રદેશઃ અહીં ભાજપે પક્ષાંતર મારફત સત્તા કબજે કરી હતી તે હકીકત મતદારોને કમલ નાથ ભૂલવા નહીં દે. રાજ્યના લોકો પણ ૨૦૨૦ના વિશ્વાસઘાતને ભૂલ્યા હોય એવું જણાતું નથી.  શ્રી. શિવરાજ સિંહ ચૌહાણ જુનો પરંતુ થાકી ગયેલો ચ્હોેરો છે અને શ્રી. ચૌહાણમાં વિશ્વાસ ગુમાવી દીધો હોવાના ભાજપની નેતાગીરીએ અનેકરીતે સંકેત આપી દીધા છે. આને પરિણામે ભાજપમાં વર્તમાન કેન્દ્રીય પ્રધાનો સહીત અનેક નેતાઓમાં સત્તાની મહત્વાકાંક્ષા જાગી છે. પંદર મહિનાના ટૂંકા ગાળાને બાદ કરતા અહીં ભાજપ  ડીસેમ્બર ૨૦૦૩થી સત્તા ધરાવે છે. અહીં બદલાવ માટે અવાજ ઉઠયાના સંકેતો આવી રહ્યા છે.

રાજસ્થાનઃ આ રાજ્યમાં ૧૯૯૦થી દર પાંચ વર્ષ સરકાર બદલાતી હોવાનો ઈતિહાસ છે. અશોક ગેહલોતની આગેવાની હેઠળ  કોંગ્રેસે  પોતાના નેતાઓમાં એકતા જાળવી રાખીને ગઢને ટકાવી રાખ્યાનું જણાય છે. અહીં ભાજપ મુંઝવણમાં હોવાનું જણાય છે. વસુંધરા રાજે અને તેમના જુથને બાજુ પર કરી દેવાયું છે. અહીંના પરિણામ જોવાના રહેશે.

તેલંગણાઃ ભાજપને ત્રીજા સ્થાને ધકેલીને આ રાજ્યએ આશ્ચર્ય આપ્યું છે. કોંગ્રેસ કારોબારી સમિતિની  બેઠક બાદ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના  તુક્કુગુડા ખાતે યોજાયેલી રેલી છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટી રેલી રહી હતી. 

જંગી મેદની ઉપરાંત તેમાં અંદાજે ૪૦ ટકા ૧૫થી ૨૯ વર્ષની વયના યુવાઓ સાંભળવા માટે આવ્યા હતા. કોંગ્રેસે પોતાનું સ્થાન ફરી મેળવી લીધું હોવાનો મોટાભાગના નિરીક્ષકોએ મત બાંધી દીધો છે. અહીં લડાઇ કોંગ્રેસ તથા બીઆરએસ વચ્ચે હશે. બાકીનું આશ્ચર્ય આકાર પામી રહ્યું છે.

મિઝોરમઃ અહીં પ્રાદેશિક પક્ષો વચ્ચે લડાઈ છે. કોંગ્રેસ પાસે નવા નેતા શ્રી. લાલસાવ્તા છે. ભાજપ ચિત્રમાં નથી. મુખ્ય  પ્રધાન શ્રી. ઝોરામથાંગા  અને તેમના પક્ષે મણીપુર કટોકટીનો અને કુકીસના મિઝોરમમાં સ્થળાંતરનો  ચાલાકીપૂર્વક ઉપયોગ કર્યો છે. અહીં મતોનું વિભાજન થશે અને ફરી મિશ્ર સરકારની રચના થઈ શકે છે. 

કયારેય ભવિષ્ય નહીં ભાખો, ખાસ કરીને ભાવિ ચૂંટણી માટે. 


Google NewsGoogle News